આ સપ્તાહે સુંદરજી બેટાઈ
બેટ-દ્વારકામાં જન્મેલા આ કવિ નરસિંહરાવ દિવેટિયાના શિષ્ય. બેટાઈનું વ્યક્તિત્વ એટલે જાણે ‘અનુષ્ટુપ’ છંદની બે સીધી માપસરની પંક્તિ જેવું. ગાંધીયુગનો એમના પર પ્રભાવ. સોનેટ, ગીત જેવા પ્રકારોમાં એમની કલમ વિલસે છે. ‘જ્યોતિરેખા’ નામનો ખંડકાવ્યનો સંગ્રહ પણ આપ્યો. ‘સદ્ગત ચંદ્રશીલા’ જેવી કરુણ-પ્રશસ્તિ આપી. હેન્રી થોરોનો અનુવાદ કર્યો. એમની કવિતાની ધીર, ગંભીર, શાંત, પ્રશાંત ગતિમાં એમની કવિતાની પ્રકૃતિ જોઈ શકાય છે.
અલ્લા બેલી, અલ્લા બેલી,
જાવું જરૂર છે,
બંદર છો દૂર છે!
બેલી તારો, બેલી તારો,
બેલી તારો તું જ છે,
બંદર છો દૂર છે!
ફંગોળે તોફાની તીખાતા વાયરા,
મૂંઝાયે અંતરના હોયે જે કાયરા;
તારા હૈયામાં જો સાચી સબૂર છે,
છોને એ દૂર છે!
આકાશી નૌકાને વીજ દેતી કાટકા,
તારી નૌકાનેયે દેતી એ ઝાટકા;
મધદરિયે મસ્તીમાં છોને ચકચૂર છે;
બંદર છો દૂર છે!
આંખોના દીવા બુઝાવે આ રાતડી,
ધડકે ને થડકે જે છોટેરી છાતડી;
તારી છાતીમાં જુદેરું કો શૂર છે,
છોને એ દૂર છે!
અલ્લા બેલી, અલ્લા બેલી,
જાવું જરૂર છે;
બંદર છો દૂર છે!
બેલી તારો, બેલી તારો,
બેલી તારો તું જ છે.
બંદર છો દૂર છે!