बलवानपि निस्तेजाः कस्य नामिभवास्पदम् ।
निःशंक दीपते लोकै पश्य भस्मचये पदम् ।।
(ભાવાર્થઃ બળવાન હોય પણ નિસ્તેજ હોય તેવો માણસ કોના તિરસ્કારનું પાત્ર નથી બનતો? (અગ્નિ વગરના) રાખના ઢગલા ઉપર લોકો બેધડક પગ મુકે છે.)
વાસ્તવિક દુનિયાનું યથાર્થ ચિત્રણ આ સુભાષિતમાં કરવામાં આવ્યું છે. માનવ કેવી રીતે લોકોમાં પૂજાય છે કે તિરસ્કૃત થાય છે? તો સુભાષિતકારનો જવાબ છે કે સ્વતેજથી માનવ પૂજાય છે. જો માનવ બળવાન હોય પણ તેજસ્વી ન હોય તો લોકો તેની ઉપર ધ્યાન આપતા નથી. જો તે સ્વતેજ વગરનો હોય તો લોકો વડે અવગણના પણ પામે છે.
સુભાષિતકાર યથાર્થ ઉદાહરણ આપે છે અંગારાનું. જ્યાં સુધી અંગારો આગના તેજથી ચમકતો હોય ત્યાં સુધી લોકો તેનાથી દૂર રહે છે, અંતર જાળવે છે અથવા તો એક રીતે તેને સન્માને છે. પણ જ્યારે તે નિષ્ક્રિય બને છે અને તેની ઉપર રાખ વળી જાય છે ત્યારે? ત્યારે લોકો તેનાથી ડરતા નથી. તેની ઉપર પગ પણ મુકે છે કારણ કે જાણે છે કે રાખમાં કશું જ કૌવત નથી. સદ્દામ હુસૈનનો દાખલો જગજાહેર છે. તે જ્યારે સત્તા ઉપર હતો ત્યારે લોકો તેની અદબ, આમન્યા જાળવતા હતાં. પરંતુ જ્યારે તે સત્તાહીન થયો ત્યારે શું થયું હતું?!
નાગ જ્યારે સ્વતંત્ર હોય, ફૂંફાડા મારતો હોય, ત્યારે લોકો તેનાથી ડરે છે. પરંતુ આ જ નાગ જ્યારે મદારી પાસે કેદ હોય, રસ્તા વચ્ચે ઘવાઈને પડ્યો હોય ત્યારે લોકો તેનાથી ડરતા નથી કારણ કે નાગ પાસે પોતાનું તેજ, પોતાની શક્તિ રહી નથી. ઇતિહાસમાં છેલ્લા મોગલ બાદશાહ બહાદુરશાહ ઝફરનો કિસ્સો અત્યંત કરુણ છે, જેણે પોતાનું તેજ ગુમાવ્યું પછી કેવા દિવસોનો સામનો કરેલો!
માનવમાત્ર બે પ્રકારનાં સંબંધોથી ટેવાયેલો હોય છે - એક છે લાગણીનાં સંબંધો, જ્યાં માપની ફુટપટ્ટી હોતી જ નથી. બીજો છે જરૂરિયાતનો, ગરજ નો કે ડરનો સંબંધ. આ બીજા પ્રકારના સંબંધમાં જ્યારે માનવ સ્વતેજ – સત્તા - પૈસો કે હોદ્દો ગુમાવે છે ત્યારે તરત જ સંબંધોમાં પરિવર્તન જોવા મળે છે. ધીરે ધીરે લાગણીનાં સંબંધોમાં પણ ભાવનો પડછાયો પડતો જાય છે. બે ભાઈઓમાં વધુ કમાતા ભાઈનો દબદબો હોય છે જ્યારે ઓછું કમાતા ભાઈને કોઈ પૂછતું નથી.
લેખકે શબ્દ મુક્યો છે ‘બળવાન’ હોવા છતાં! કેવળ બળ માન આપતું નથી. બળ સાથે સ્વતેજ પણ જરૂરી છે. જે માનવને એક વિશિષ્ટ દરજ્જો, વિશિષ્ટ ઓળખ આપે છે. ભારતીય સંસ્કૃતિ કેવળ બળની કામનાને મહત્ત્વ આપતી નથી. બળની સાથે સાથે કળ (આવડત) કે કલાને પણ મહત્ત્વ આપે છે - જે માનવને વિશિષ્ટ તેજ આપે છે, વિશિષ્ટ ઓળખ આપે છે. કૌટિલ્યથી કોણ અજાણ છે? કૌટિલ્ય પાસે રાજ્યસભાનું બળ ક્યાં હતું? પરંતુ કૌટિલ્ય પાસે બુદ્ધિનું એ તેજ હતું જેણે કૌટિલ્યને ઇતિહાસમાં અમર બનાવ્યો. એક સાર્થક સંસ્કૃત સુભાષિત અહીં મુકવાનું મન થાય છે. बुध्धिर्यस्व बलंतस्य અર્થાત્ જેની બુદ્ધિ તેનું બળ.