દેશના મુખ્ય આર્થિક સલાહકાર કે. વી. સુબ્રમણિયન ૩૧ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ ભારતીય અર્થકારણની કથળેલી અવસ્થા વિશેનો આર્થિક સર્વેક્ષણ રજૂ કરી રહ્યા હતા ત્યારે યુનિવર્સિટી ઓફ ઢાકાનાં તિથી માંડલ અમારી ચીમનભાઈ પટેલ ઈન્સ્ટિટ્યૂટનાં વિદ્યાર્થીઓ સમક્ષ બાંગલાદેશ આર્થિક ક્ષેત્રે તમામ પાડોશી દેશોની તુલનામાં સૌથી ઊંચો વિકાસ દર હાંસલ કરી રહ્યાની વિગતો સાથે પોતાના દેશના વર્તમાન પ્રવાહો રજૂ કરી રહ્યાં હતાં. ક્યારેક તિથી ગુજરાત યુનિવર્સિટીમાં અમારાં વિદ્યાર્થી રહ્યાં. અત્યારે પોતાના દેશની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં કાર્યરત છે.
ગુજરાત યુનિવર્સિટીના દીક્ષાંત સમારંભમાં બબ્બે સુવર્ણચંદ્રક સ્વીકારવા માટે આઠ મહિનાના સમયગાળા બાદ એ ખાસ ભારત આવ્યાં હતાં. પોતાના દેશનું ભારતમાંથી છૂટા પડીને ૧૯૪૭માં પૂર્વ પાકિસ્તાન થવું અને પશ્ચિમ પાકિસ્તાન સાથેના નવ મહિનાના યુદ્ધના સંજોગો પછી ભારતની મદદથી ૧૯૭૧માં બાંગલાદેશનું સ્વતંત્ર થવું; એ ઈતિહાસ તિથીએ રસાળ શૈલીમાં રજૂ તો કર્યો, પણ હવે ભારતમિત્ર બાંગલાદેશ આર્થિક સહિત તમામ ક્ષેત્રોમાં પ્રગતિ કરી રહ્યાની મુદ્દાસર વાત પણ કરી. તિથી હિંદુ છે. એ કહે છે કે સામાન્ય માન્યતાથી વિપરીત અમારા દેશમાં લઘુમતી સમાન અધિકાર ધરાવે છે અને અમને કોઈ જાતની કનડગત નથી. છૂટાછવાયા બનાવો તો પ્રત્યેક દેશમાં બનતા હોય છે. ૨૦૧૫ પછી આતંકવાદ નાથી શકાયો છે. ચીન તેમ જ જાપાન અમારા દેશમાં ભારે રોકાણ કરે છે. બાંગલાદેશમાં ૯૦ ટકા વસ્તી મુસ્લિમોની છે એટલે સ્વાભાવિક છે કે મુસ્લિમ પ્રભાવ વધુ રહે, પરંતુ બંધારણ સેક્યુલર છે. બીજા ધર્મોના લોકોને સમાન દરજ્જાના નાગરિક તરીકેના અધિકાર છે.
ભારત કરતાં વધુ જીડીપી
બાંગલાદેશ આર્થિક પ્રગતિની હરણફાળ ભરી રહ્યું છે. એશિયન ડેવલપમેન્ટ બેંકના ૨૦૧૯ના અહેવાલ મુજબ, ભારત અને અન્ય પાડોશી દેશોમાં વર્ષ ૨૦૨૦ના અંદાજાયેલા વિકાસદરમાં બાંગલાદેશ સૌથી ટોચ પર છે. ભારતીય આર્થિક સર્વેક્ષણ પણ આ બાબત કબૂલતો હોય એમ એશિયન ડેવલપમેન્ટ બેંક (એડીબી)ના અંદાજ કરતાં પણ ઓછો વિકાસદર ભારતીય સર્વેમાં રજૂ કરાયો છે. મુખ્ય આર્થિક સલાહકાર કે. વી. સુબ્રમણિયન તો વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન ભારતનું કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી) વિકાસદર માંડ ૫ ટકા રહ્યાનું કબૂલે છે. આ વિકાસદર છેલ્લાં ૧૧ વર્ષમાં સૌથી નીચો હોવાનું પણ સ્વીકારે છે. વર્ષ ૨૦૨૦-૨૧ માટે ભારતનો અંદાજિત વિકાસદર ૬થી ૬.૫ ટકાનો છે. આની સામે ક્યારેક ભારતનું ઓશિયાળું ઢાકા તો વર્ષ ૨૦૨૦માં ૮ ટકાના વિકાસદરને હાંસલ કરશે. એડીબી તો ૨૦૨૦માં ભારતનો વિકાસદર ૭.૨ ટકા માંડે છે પરંતુ ભારત સરકાર માત્ર ૬ કે ૬.૫ ટકા જ અંદાજે છે. માલદીવ, નેપાળ અને ભૂટાન ૬ ટકાથી વધુ, શ્રીલંકા ૩.૫ ટકા અને અફઘાનિસ્તાન ૩.૪ ટકા તેમજ પાકિસ્તાન માત્ર ૨.૮ ટકાનો વિકાસદર હાંસલ કરે એવું એડીબીનું કહેવું છે.
સરસ્વતીપૂજા અને દુર્ગાપૂજા
૩૧ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ બાંગલાદેશનાં દૈનિક અખબારોમાં પહેલા પાને વિદ્યાની દેવી સરસ્વતીદેવીની મૂર્તિઓ અને છબીઓ સામે હિંદુ પૂજારીઓ બાળકોને કક્કો લખાવવાની શરૂઆત કરી રહ્યાની ઝલક જોવા મળતી હતી. તિથીના ધ્યાને આ વાત મૂકી ત્યારે એણે કહ્યું: વસંત પંચમીએ અમારે ત્યાં ઢાકા યુનિવર્સિટીમાં જ નહીં, પ્રત્યેક શિક્ષણ સંસ્થામાં સરસ્વતીદેવીની પૂજા થાય છે. અમારા દેશમાં મુખ્ય વસ્તી મુસ્લિમ હોવાથી બંને ઇદના તહેવારોનું મહાત્મ્ય ઘણું છે, પણ દુર્ગાપૂજાનું મહાત્મ્ય જરાય ઓછું નથી. તિથીને સ્વાભાવિક જ પોતાના દેશ માટે ગર્વ છે. સંયોગ પણ જુઓ: ભારતીય રાષ્ટ્રગીત “જન ગણ મન”ના રચયિતા કવિવર રવીન્દ્રનાથ ઠાકુરે જ રચેલું “આમાર સોનાર બાંગલા” એ બાંગલાદેશનું રાષ્ટ્રગીત છે. પાકિસ્તાનની રચના મુસ્લિમ દેશ તરીકે કાઇદ-એ-આઝમ મોહમ્મદઅલી ઝીણાના દ્વિરાષ્ટ્રના સિદ્ધાંતને પગલે થઇ હતી. હિંદુ અને મુસ્લિમ બંને અલગ રાષ્ટ્ર છે, એવી હિંદુ મહાસભાના અધ્યક્ષ સ્વાતંત્ર્યવીર સાવરકરની ૧૯૩૭માં અમદાવાદમાં અધ્યક્ષીય ભાષણમાં રજૂ કરાયેલી ભૂમિકા પછી ૧૯૪૦માં ઝીણાના મુસ્લિમ લીગે લાહોરમાં મુસ્લિમો અલગ રાષ્ટ્ર છે; એ ભૂમિકા પર અલગ રાષ્ટ્રની માંગણી કરતો ઠરાવ કર્યો હતો. ૧૯૪૭માં બ્રિટિશ ઇન્ડિયાના ભાગલા ગાંધીજી-નેહરુ-સરદારની કોંગ્રેસે પણ સ્વીકાર્યા ત્યારે ય આ દ્વિરાષ્ટ્રના સિદ્ધાંતને સ્વીકાર્યો નહોતો.
પાકિસ્તાન સેક્યુલર રહે એવી ભૂમિકા માંડનાર ઝીણા એકાદ વર્ષમાં જ એટલે કે સપ્ટેમ્બર ૧૯૪૮માં મૃત્યુ પામ્યા પછી પાકિસ્તાન ઇસ્લામિક અને તાનાશાહીના રવાડે ચડતું રહ્યું. ૧૯૭૧માં પૂર્વ પાકિસ્તાનની પ્રજા પર પશ્ચિમ પાકિસ્તાનના પંજાબીબહુલ લશ્કર અને શાસકોના જુલ્મો તેમજ જબરદસ્તીથી ઉર્દૂને પાકિસ્તાનની રાષ્ટ્રભાષા કે સત્તાવાર ભાષા કરવામાં આવતાં બંગાળી ભાષાના આગ્રહી પૂર્વ પાકિસ્તાનમાં વિરોધ ઊઠ્યો હતો. અત્રે એ યાદ રહે કે સ્વાતંત્ર્ય આવવાનું હતું એ દિવસોમાં બંગાળ પ્રાંતના પ્રીમિયર (મુખ્યમંત્રી) હુસૈન સુહરાવર્દી અને નેતાજી સુભાષચન્દ્ર બોઝના મોટાભાઈ સરતચન્દ્ર બોઝ અલગ બંગાળ દેશ માટે ઝુંબેશ ચલાવી રહ્યા હતા. જોકે બંગાળના ભાગલા થતાં પાછળથી સરતચન્દ્ર થોડા સમય માટે નેહરુ-સરદાર સહિતની વચગાળાની સરકારમાં પણ જોડાયા હતા. મુસ્લિમ લીગી સુહરાવર્દી પાકિસ્તાનમાં રહ્યા અને એના પાંચમા વડાપ્રધાન બન્યા હતા.
પાકિસ્તાન સાથે કટુસંબંધ
બાંગલાદેશની નવી પેઢીના દિલોદિમાગમાં હજુ પણ ૧૯૭૧ના પાકિસ્તાનપ્રેરિત નરસંહાર કે મહાહત્યાકાંડમાં માર્યાં ગયેલાં ૧૦થી ૧૨ લાખ જેટલાં ભાઈ-ભાંડુંની યાદો તાજી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવપૂર્ણ સંબંધ છે, એવું જ બાંગલાદેશ અને પાકિસ્તાનના સંબંધોમાં પણ છે. વર્તમાન વડાંપ્રધાન શેખ હસીના ભારત સાથે મધુર સંબંધ રાખવા માટે જાણીતાં છે. જયારે પૂર્વ વડાંપ્રધાન ખાલેદા ઝીયા પાકિસ્તાન તરફી મનાય છે. બાંગલાદેશની લઘુમતી પ્રજા રાષ્ટ્રપિતા બંગબંધુ શેખ મુજીબુર્રેહમાનનાં દીકરી અને વડાપ્રધાન હસીનાના પક્ષ સાથે રહેવાનું પસંદ કરે છે. ઝીયાના પતિ મરહૂમ જનરલ ઝિયા બંગબંધુ સહિતની નેતાગીરીની હત્યા કરાવવા પાછળ હોવાનું મનાય છે. જોકે બાંગલાદેશમાં મોટાભાગના મુખ્ય હોદ્દા પર મહિલાઓ છે. શેખ હસીના એકથી વધુ વખત વડાંપ્રધાન બન્યાં છે. ખાલેદાનું પણ એવું જ છે. એમના પક્ષે ગઈ સંસદીય ચૂંટણીઓનો બહિષ્કાર કર્યો હતો અથવા તો એ ચૂંટણી લડવા માટે લાયક નહોતાં. છતાં એ પોતાના પક્ષની નેતાગીરી જેલમાં કે જેલ બહાર હોય ત્યારે પણ જાળવતાં રહ્યાં છે. વિપક્ષમાં નેતા કે સંસદનાં અધ્યક્ષ પણ મહિલા છે. ઢાકા યુનિવર્સિટીનાં કુલપતિ પણ મહિલા છે. ભારતમાં રહીને પોતાના દેશ વિશે અને ભારતીય રાજકારણ વિશે ઉલટાંસીધાં નિવેદન કરતાં રહેતાં લેખિકા તસલીમા નસરીનને બાંગલાદેશીઓ બહુ ભાવ આપતા નથી.
હિંદુઓની હિજરત અને સ્થિતિ
પાકિસ્તાની લશ્કર પૂર્વ પાકિસ્તાનની બંગાળી પ્રજા પર જુલમ કરતી હતી ત્યારે ત્યાંના લાખો પરિવારોએ ભારત ભણી હિજરત કરવી પડી હતી. એ હિંદુ જ નહીં, જીવ બચાવવા ભાગેલા મુસ્લિમ પરિવારો પણ હતા. અત્યારે ત્રિપુરાના ભાજપી મુખ્યમંત્રી બિપ્લવ દેવનાં માબાપ ભાગી આવ્યાં ત્યારે બિપ્લવ એમની માતાનાં પેટમાં હતા. ભારતમાં ગેરકાયદે ઘૂસી આવેલા બાંગલાદેશીઓને નામે ભારે કકળાટ ચાલે છે, રાજકારણ પણ ખેલાય છે, પણ બાંગલાદેશની પ્રજા હત્યાકાંડો અને માનવાધિકારના ભંગના તબક્કાઓમાંથી પસાર થયેલી હોવાથી મ્યાનમારમાંથી ભાગીને આવેલા લાખો રોહિંગ્યાને પોતાને ત્યાં શરણ આપે છે. ભારતીય સંસદમાં વાજપેયી યુગથી મૂકાતો આવતો ગેરકાયદે ઘૂસી આવેલા બાંગલાદેશી નાગરિકોનો આંકડો બે કરોડનો દર્શાવાય છે. વડાપ્રધાન બન્યા પહેલાંની ચૂંટણી પ્રચાર સભાઓમાં નરેન્દ્ર મોદી બાંગલાદેશીઓને પાછા તગેડવાની ઘોષણાઓ કરતા હતા, પણ એમની જ સરકારે સંસદમાં મૂકેલા આંકડા મુજબ, એમના પાંચ વર્ષના શાસનમાં એમણે માત્ર ૧,૫૦૦ જેટલા જ બાંગલાદેશી ઘૂસણખોરોને પાછા કાઢ્યા છે! હકીકતમાં બાંગલાદેશના મંત્રીઓ કહે છે કે અમારા તો કોઈ નાગરિકો ભારતમાં ૧૯૭૧ પછી ગયા નથી અને જો કોઈ હોય તો અમને નામ આપો. ભારતમાં જે પ્રકારે રાજકીય ખેલ ચાલે છે એનાથી વિપરીત બાંગલાદેશ ભારતના ટેકે જન્મ્યું ભલે હોય, હવે એ ચીન અને જાપાન સાથે ગાઢ સંબંધ ધરાવીને માત્ર ધાર્મિક વિભાજનોને બદલે આર્થિક અને સામાજિક વિકાસ સાધવાની હરણફાળ ભરી રહ્યું છે. ભારત માટે એમાંથી પ્રેરણા લેવા જેવું ઘણું છે. ૩૧ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ બાંગલાદેશના અખબાર “ધ ડેલી સ્ટાર”માં ઢાકા યુનિવર્સિટીના જગન્નાથ હોલમાં સરસ્વતી પૂજનના કાર્યક્રમની તસવીર પહેલા પાને ઝળકે છે એટલું જ નહીં, “ઢાકા ટ્રિબ્યુન” દૈનિકમાં પ્રકાશિત તંત્રીલેખમાં વડાંપ્રધાન શેખ હસીનાનું સંસદમાં કરાયેલું નિવેદન અમને સવિશેષ સ્પર્શી ગયું: “સરકાર ઇસ્લામ, હિંદુ, બૌદ્ધ, ખ્રિસ્તી ઉપરાંત અન્ય ધર્મોનાં મૂલ્યોનું પણ જતન કરશે.” બાંગલાદેશ વિવિધતામાં એકતાવાળો દેશ છે અને તે સેક્યુલરવાદ, લોકતંત્ર અને કોમી એખલાસ જેવાં પાયાનાં મૂલ્યો પર સ્થપાયાનું સ્મરણ આ તંત્રીલેખમાં ભારપૂર્વક કરાયું છે. આપણે એકપક્ષી ઢોલ પિટ્યા કરવાને બદલે તથ્યો જાણતા રહેવું પડે.