ભારત જતા પ્રવાસીઓની સરળતા વધારતી કસ્ટમ વિભાગની મોબાઇલ એપ

થેમ્સ-ગંગા સેતુબંધ

રોહિત વઢવાણા Tuesday 17th December 2019 06:11 EST
 
 

ક્યારેય તમે ફરવા માટે ભારત ગયા હોય, ત્યાં ઇમિગ્રેશનની લાઈનમાં ઉભા હોય ત્યારે અચાનક યાદ આવે કે કસ્ટમ ડિક્લેરેશનનું ફોર્મ ભરવાનું તો ભુલાઈ ગયું તેવું થયું છે? પછી એ ફોર્મ માટે અહીંતહીં કાઉન્ટર શોધવા પડે. જયારે ફોર્મ મળી જાય ત્યારે ખબર પડે કે એ તો કોઈએ છેકછાક કરીને ફેંકેલું ફોર્મ છે. કેટલા ફોર્મ વેડફેલા પડ્યા હોય અને તેમાંથી એકેય કોરું ફોર્મ ન મળે તેવું બને. ફરી જયારે ફોર્મ ભરતા હોય ત્યારે ફ્લાઇટ ડિટેઇલ અને પાસપોર્ટની વિગત માટે બેગ ખોલવી પડે અને એવી નાની નાની તકલીફો પડે તેનો દોષ કોને દેવો? પણ મન તો કચવાય કે જલ્દી એરપોર્ટની બહાર નીકળવાની ઈચ્છા હોય અને તેમાં આવા વિઘ્નો આવી ચડે.
આવી પરિસ્થિતિથી બચવા હવે ખુબ સરળ રસ્તો છે: ATITHI@Indian Customs. આ એક મોબાઈલ એપ છે જે એન્ડ્રોઇડ અને એપલ બંને પર ઉપલબ્ધ છે. તેને ડાઉનલોડ કરો અને તેમાં લોગીન કરો. લોગીન કર્યા પછી તમારી વિગતો પ્લેનમાં બેસતાં પહેલા જ ભરી શકો છો. તમારી પાસપોર્ટની વિગત તો ભરીને જ રાખી દેવાય. જયારે ટિકિટ લઇ લો ત્યારે તેની વિગત પણ ભરી લો. કેટલું સોનુ, ચાંદી કે દાગીના લઇ જવાના છો? કેટલું વિદેશી હૂંડિયામણ લઇ જશો? કેટલી ભારતીય કરન્સી સાથે હશે? ભારતમાં કસ્ટમ ભરવી પડશે કે નહિ? કોઈ એવી વસ્તુ તો નથી લઇ જતા ને કે જેના પર પ્રતિબંધ હોય? આ બધું જ નિશ્ચિત કરી શકાશે આ એપની મદદથી. ભારતના કસ્ટમ સંબંધિત નિયમો અંગે માહિતી પણ ATITHI@Indian Customs એપમાં મળી રહેશે. જેથી કરીને નિયમની જાણકારીના અભાવે કોઈ વ્યક્તિ એવી વસ્તુ ન લઇ જાય જેનાથી એરપોર્ટ પર શરમાવા જેવી કે દંડનીય પરિસ્થિતિમાં ફસાવું પડે.
ATITHI@Indian Customs એપ નવેમ્બર ૨૦૧૯માં ભારતીય કસ્ટમ વિભાગ દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે શરૂ કરવામાં આવી. નાણાપ્રધાન શ્રીમતી નિર્મલા સીતારામને તે લોન્ચ કરી. ભારતમાં જયારે વ્યાપાર કરવા અંગેની સરળતા વધી રહી છે ત્યારે પ્રવાસ માટેની સરળતા અને સુવિધા વધે તે પણ એટલું જ જરૂરી છે. વિદેશથી આવતા મુસાફરોને કસ્ટમ ડિક્લેરેશન ફોર્મ ભરવા અને તેની પ્રોસેસ કરવા લાઈનમાં ના ઉભા રહેવું પડે એટલા માટે આ અતિથિ એપ શરૂ કરવામાં આવી છે. પહેલાથી જ પોતાની અનુકૂળતાએ કસ્ટમ ડિક્લેરેશન કરી શકાય અને છેલ્લી ઘડીએ કોઈ અડચણ ઉભી ન થાય એટલા માટે આધુનિક મોબાઈલ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજીનો ઉપયોગ કસ્ટમ ડિપાર્ટમેન્ટે શરૂ કર્યો છે.
તો આજે જ તમારા મોબાઈલમાં ATITHI@Indian Customs એપ ડાઉનલોડ કરી લો, પોતાનું એકાઉન્ટ ખોલી લો, લોગીન કરી અને પોતાની વિગતો ભરી રાખો. જેથી એરપોર્ટ પર માત્ર મોબાઈલ બતાવીને કસ્ટમ ક્લિયરન્સ થઇ જાય. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter