ભારતીય લોકોનું યુકે આવીને વસવું અને સ્થાયી થવું માત્ર તેમના માટે જ નહિ પરંતુ યુકે માટે પણ સમૃદ્ધિ લાવનારી ઘટના છે. આફ્રિકાથી હોય કે સીધા ભારતથી, અહીં આવી વસેલા ભારતીય લોકોએ તેમની મહેનત, ધગશ અને આવડતથી આ દેશની અર્થવ્યવસ્થાને ઘણું આપ્યું છે. ભારતીય ઉદ્યોગપતિઓ પણ અહીં રોકાણ કરવા આવ્યા છે અને ૮૪૦થી વધારે ભારતીય કંપનીઓ આ દેશમાં એક લાખથી વધારે નોકરી સર્જીને અહીંની અર્થવ્યવસ્થામાં લગભગ ૫૦ બિલિયન પાઉન્ડનું યોગદાન દર વર્ષે આપી રહી છે. આવો પારસ્પરિક ફાયદાનો સંબંધ બંને પ્રજા અને દેશ માટે ઉપયોગી છે.
આ પરંપરા ચાલુ રહે અને તેમાં વૃદ્ધિ થાય એ માટે બંને દેશની સરકાર તત્પર છે. આજે બંને દેશો વચ્ચેનો વ્યાપાર લગભગ ૧૭ બિલિયન ડોલર જેટલો છે. તે માલસામાનના વેપારની વાત છે. સેવાક્ષેત્રના આંકડા જોઈએ તો આઠેક બિલિયન ડોલર વધી જાય. એટલે કુલ પચીસેક બિલિયન ડોલર જેટલો દ્વિપક્ષીય વેપાર બંને દેશને સારી રીતે સાંકળે છે. ભારતીય મૂળના પંદરેક લાખ લોકો યુકેની વસ્તીમાં માત્ર બે ટકા છે પરંતુ તેમનું અર્થવ્યવસ્થામાં યોગદાન છ ટકાથી વધારે છે.
આ ક્ષેત્રે બંને દેશોની અર્થવ્યવસ્થામાં રહેલી લાક્ષણિક ક્ષમતાઓ ખેડવા માટે ભારતથી યંગ ઇન્ડિયનનું ૯ સભ્યોનું એક ડેલિગેશન આવ્યું. યંગ ઇન્ડિયન ૨૧થી ૪૫ વર્ષ વચ્ચેની વય ધરાવતા ભારતીય યુવાનો કે જેઓ ઉદ્યોગ, વ્યાપાર કે અન્ય ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હોય તેવા લોકોનું જૂથ છે. યંગ ઇન્ડિયાની સ્થાપના ૨૦૦૨માં થયેલી અને આજે તેમાં ૩૨૦૦ પ્રત્યક્ષ સભ્યો છે, જે ભારતના ૪૬ સ્થાનિક વિભાગોમાંથી આવે છે. યુવા નામે તેનું પેટા-સંગઠન કોલેજના યુવાનોને જોડે છે અને તેમાં ૨૫,૦૦૦ સભ્યો છે. યંગ ઇન્ડિયન ડેલિગેશન યુકેના લઘુ અને મધ્યમ ઉદ્યોગો સાથે સંપર્ક સાધવાના ઉદેશ્યથી આવેલું.
આજે જયારે મોટા ભાગની અર્થવ્યવસ્થાઓ, ખાસ કરીને ભારત અને યુકેમાં લઘુ અને મધ્યમ સ્તરના ઉદ્યોગો વિકાસદરને ધપાવી રહ્યા છે અને રોજગાર સર્જી રહ્યા છે ત્યારે તેમની ક્ષમતાને વિકસાવવી જરૂરી બની જાય છે. આ ઉદેશ્યથી જ ભારતીય ઉચ્ચાયોગ દ્વારા એક્સેસ ઇન્ડિયા પ્રોગ્રામનો બીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામ દ્વારા યુકેના લઘુ અને મધ્યમ ઉદ્યોગો કે જેઓ ભારતમાં પોતાની કંપની સ્થાપવા ઇચ્છતા હોય તેમને મદદ કરવામાં આવશે. ભારતમાં એન્ટ્રી માટે માર્ગદર્શન તથા સહકાર આપવાના ઉદેશ્યથી એક્સેસ ઇન્ડિયા પ્રોગ્રામનો પ્રથમ તબક્કો સપ્ટેમ્બર ૨૦૧૭માં શરૂ કરવામાં આવેલો અને તેના અંતર્ગત યુકેની ૫૦ કંપનીઓને પસંદ કરવામાં આવેલી. બીજા તબક્કામાં બીજી ૨૦ કંપનીઓ પસંદ કરાશે. પસંદગીની પ્રક્રિયા ખુબ કઠિન પરંતુ વસ્તુલક્ષી છે. પસંદ કરાયેલ લઘુ અને મધ્યમ સ્તરીય ઉદ્યોગોને ભારતમાં માર્કેટ એન્ટ્રી માટે અને સ્થાપના માટે સંપૂર્ણ સહકાર મળશે.
બંને દેશ વચ્ચે સંબંધો વધારે મજબૂત બનાવવા રાજકીય સહકાર ઉપરાંત જનસંપર્ક અને આર્થિક સહકાર મહત્વના સ્તંભો છે અને તેમને મજબૂત બનાવવા જરૂરી છે. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)