જિંદગીને લાંબા ટૂંકા સમયથી નહીં પણ કરેલા કામથી જ મપાય તો માત્ર સવા બે વર્ષમાં મોરારજીભાઈના વડા પ્રધાનપદનો સમય તેમને તેમના પહેલાંના વડા પ્રધાનોમાં એ શ્રેષ્ઠતમ સાબિત કરે છે. તેમના સમયમાં નાણાં વાપરનારાને મોંઘવારી ના પજવી. ઉત્પાદકોને ભાવવધારાની જરૂર ના પડી. રેશનિંગની દુકાન કરતાં બજારમાં ખાંડ સસ્તી મળતી. સરકારે નવા કર નાખ્યા ન હતા કે મોંઘવારી વધી ન હતી. મજૂરો કે સરકારી કર્મચારીઓએ હડતાળ પાડી ન હતી. ચીન સાથે કોઈ શાબ્દિક યુદ્ધ ન હતું. પાકિસ્તાન સાથે કટુ સંબંધો ન હતા. કાશ્મીરમાં આતંકવાદ ન હતો. રશિયા સાથે સંબંધો ચાલુ હોવા છતાં પશ્ચિમી રાષ્ટ્રો અને અમેરિકા સાથે મીઠા સંબંધો હતા. આજના કરતાં કોંગ્રસની લોકસભા અને રાજ્યસભામાં વધારે બેઠકો હતી. જુદા જુદા રાજકીય પક્ષોની સરકાર હતી. છતાં આ બધી પરિસ્થિતિમાં ૮૩ વર્ષના મોરારજી દેસાઈ સફળ રીતે સરકાર ચલાવતા હતા. ચૌધરી ચરણસિંહના સત્તાલોભે સરકાર પડી છતાં હજીય પ્રજા મોરારજીભાઈની સફળતાને યાદ કરે છે. મોરારજીભાઈ ગાંધીવાદી હતા. કાવાદાવા એમને આવડતા નહીં. નીડરતા અને સત્યના આગ્રહી. તેમણે સત્તા ટકાવવા કોઈ સાથે ક્યારેય સોદાબાજી કરી નહીં.
શિક્ષક પિતા રણછોડજી અને મા વાજીબહેનના આઠ સંતાનોમાં સૌથી મોટા મોરારજીભાઈ. ૧૮૯૬ના ફેબ્રુઆરીની ૨૯મી તારીખે વલસાડ નજીક ભદેલીમાં જન્મ્યા. આર્થિક ખેંચ વચ્ચે સાદાઈ અને કરકસરથી શિષ્યવૃત્તિ સાથે મુંબઈ યુનિવર્સટીમાંથી ૧૯૧૭માં ગ્રેજ્યુએટ થઈને ૧૯૧૮માં અમદાવાદમાં ડેપ્યુટી કલેક્ટર થયા. ત્યારે કલેક્ટર ગોરા જ હતા. તેમની તુમાખીનો પાર નહીં. એક દિવસે કલેક્ટરે સમય આપીને મોરારજીભાઈને મળવા બોલાવ્યા. કલેક્ટરે પોતાનું મહત્ત્વ બતાવવા કેબિનમાં નવરા હોવા છતાં મોરારજીભાઈને રાહ જોવડાવી. મોરારજીભાઈ તેમને માથાના મળ્યા. તેમણે ચીઠ્ઠી લખીઃ ‘ફરી મારું કામ હોય તો ચોક્કસ સમય કાઢીને મળી શકો તેમ હો તો બોલાવશો ત્યારે આવીશ. બાકી મારે કોઈ અંગત કામ નથી.’ આમ લખીને એ પાછા ગયા!
૧૯૩૦માં મહાત્મા ગાંધીએ દાંડી કૂચ કરી. દેશપ્રેમીઓને સરકારી નોકરીઓ છોડવા અપીલ કરી ત્યારે મોરારજીભાઈએ પોતાની આશાસ્પદ નોકરી છોડી. અમદાવાદને કાર્યક્ષેત્ર બનાવીને જાહેર સેવામાં પડ્યા. સરદાર પટેલે મોરારજીભાઈની શક્તિ પારખીને તેમને ગુજરાત કોંગ્રેસના મંત્રી બનાવ્યા.
મોરારજીભાઈ માટે જેલની નવાઈ ન હતી. ૧૯૩૦માં જેલ થઈ. પછી ૧૯૪૨થી ૧૯૪૫માં જેલવાસ. આઝાદ ભારતમાં ઈંદિરાજીએ કટોકટીના બહાને અઢી વર્ષ જેલમાં રાખ્યા. જોકે આ વખતે તેમણે જેલમાં નિરક્ષર કર્મચારીઓને વાંચતાં-લખતાં શીખવ્યું. મોરારજીભાઈ લોકરંજનમાં કાચા પણ સદાચાર, આચાર અને વહીવટી કાબેલિયતમાં પાક્કા.
૧૯૩૭માં થયેલી ચૂંટણીઓમાં મુંબઈ રાજ્યમાં તેઓ ચૂંટાયા અને મહેસૂલ અને ગૃહ પ્રધાન બન્યા. ૧૯૪૭માં આઝાદી પછી ફરીથી મુંબઈ રાજ્યના મહેસૂલ અને ગૃહ પ્રધાન બન્યા.
તેમણે કલ્યાણ રાજ્યનો પાયો નાખતાં કાયદા કર્યા અને અમલી બનાવ્યા. દારૂબંધી, પંચાયત ધારો, જમીનની ટોચમર્યાદા, ઋણરાહત ધારો, પ્રવાસી બસોનું રાષ્ટ્રીયકરણ વગેરે એમની ભેટ, પણ તેને અમલમાં મૂકનારા નબળા માણસોથી એનો જરૂરી લાભ ના થયો. વખત જતાં મુંબઈ રાજ્યના મુખ્ય પ્રધાન થયા ત્યારે મુંબઈનું દ્વિભાષી રાજ્ય બનતાં, મુંબઈમાં ભારે તોફાનો થયાં. તેમણે કડકાઈથી સફળ રીતે દબાવ્યાં. ગુજરાતીઓની રક્ષા કરી. તેમની કાબેલિયત જોતાં તેમને કેન્દ્રમાં પ્રધાન બનાવ્યાં. વેપાર પ્રધાન અને પછીથી નાણાં પ્રધાન થઈને ઝડપથી પ્રશ્નો ઉકેલ્યા. તેમની કાબેલિયત જોતાં નેહરુ પછી તે જ વડા પ્રધાન બનશે એવી છાપ ઊભી થતાં કાવાદાવા કરીને સત્તાથી હટાવ્યા.
શાસ્ત્રીજીના મરણ પછી કોંગ્રેસ સંસદીય પક્ષના નેતા તરીકે કોઈ પણ જૂથબંધી, વચનો અને કાવાદાવા વિના ઈંદિરાજી સામે તે ચૂંટણીમાં ઊભા રહ્યા અને છતાંય ત્રીજા ભાગથી ય વધુ મત મેળવ્યા. પરાજ્ય પછી ઉદાસ થયા વિના તરત જ રેંટિયો કાંતવા બેઠા. આવા તે સંયમી અને નિઃસ્પૃહ. આ પછી તે નાયબ વડા પ્રધાન અને નાણાં પ્રધાન બન્યા. તેમની સંમતિ વિના જ ઈંદિરાજીએ બેંકોનું રાષ્ટ્રીયકરણ કરતાં તેમને રાજીનામું આપી દીધું. મોરારજીભાઈ સાચા હતા, એ વાત આજે રાષ્ટ્રીયકૃત બેંકોની હાલત જોતાં પ્રતીત થાય છે.
કોંગ્રેસના ભાગલા થયા ત્યારે મોરારજીભાઈ શાસક જૂથને બદલે સંસ્થા જૂથ સાથે રહ્યા. ઈંદિરાજીનાં અયોગ્ય કામોનો નીડર બનીને વિરોધ કરવામાં કે સાચાં કામોને સાથ આપવામાં પાછા ના પડ્યા. સત્યના પક્ષે, સિદ્ધાંતના પક્ષે એ અડગ રહ્યા. જ્યારે નાણાં પ્રધાન તરીકે અમેરિકા ગયા ત્યારે અમેરિકી ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય અગ્રણીઓને આપેલી પાર્ટીમાં દારૂની જોગવાઈ ન હતી. ખુલાસામાં કહ્યું, ‘ભારતમાં દારૂબંધીને વરેલી સરકારના નાણાં પ્રધાનની પાર્ટીમાં દારૂ ના શોભે.’
મોરારજીભાઈ મહાત્મા ગાંધીજીએ તેમના જીવનમાં સ્થાપેલી એકમાત્ર ઉચ્ચ શિક્ષણની યુનિવર્સિટી ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ હતા. તેમને મળેલી બધી જ ભેટો, તેમના પગારની બચત તેમણે તેમના પુત્ર કે પૌત્રોને આપવાને બદલે ગૂજરાત વિદ્યાપીઠને જ આપી.
પ્રાથમિક અને હાઈસ્કૂલમાં શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષાના આગ્રહી. તેઓ ક્યારેય પોતાના પૌત્રોએ અંગ્રેજીમાં લખેલા પત્રોના જવાબ ના આપતા. આનો વસવસો કેટલીય વાર તેમના પુત્ર કાંતિભાઈએ મારી સમક્ષ કર્યો હતો.
મોરારજીભાઈએ વડા પ્રધાન મટ્યા પછી મળેલો બંગલો ખાલી કરીને પુત્ર સાથે ભાડાના મકાનમાં રહેવા ગયા. તેમની પાસે ક્યાંય પોતાની માલિકીનો ફ્લેટ કે બંગલો ન હતો. વસિયતનામામાં લખ્યું ‘સાબરમતી તટે મારો અગ્નિદાહ કરજો.’ અગાઉના અને પછીના વડા પ્રધાનોના સરકારી નિવાસ તેમના સંબંધીઓએ સ્મારકમાં ફેરવ્યાં અને દેશની અબજોની મિલ્કત દિલ્હીમાં પચાવી પાડી. મોરારજીભાઈએ આ ન કર્યું. પાકિસ્તાનનો સર્વોચ્ચ એવોર્ડ નિશાન-એ-પાકિસ્તાન મેળવનાર તેઓ એકમાત્ર ભારતીય હતા.