ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ચહેરો બદલાઇ રહ્યો છેઃ દેશભરમાં ફેલાયું છે ૫૫ લાખ કિમીનું રોડ નેટવર્ક

થેમ્સ-ગંગા સેતુબંધ

રોહિત વઢવાણા Tuesday 18th February 2020 04:18 EST
 
 

થોડા સમય પહેલા એક સામુદાયિક કાર્યક્રમમાં જવાનું થયું. ત્યાં એક સજ્જને વાત કરતા કરતા કહ્યું કે ઇન્ડિયા જવાનો પ્લાન કરીએ છીએ પણ થોડા રસ્તા સારા બનાવો તો અમારા જેવા વૃદ્ધ લોકોને સરળતા રહે. તેમની ઉમર સિત્તેરથી વધારે તો પાક્કી જ. મેં તેમને પ્રશ્ન કર્યો કે તેઓ છેલ્લે ભારત ક્યારે ગયેલા? તેમને યાદ નહોતું એટલે કહ્યું કે લગભગ વીસેક વર્ષ થયા હશે. જો તેમને ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે થયેલ પ્રગતિ અંગે જાણકારી ન હોય તો નવાઈની વાત નથી કેમ કે તેમને છેલ્લા બે દશકામાં ભારતનો પ્રવાસ નથી કર્યો. શક્ય છે એવા બીજા પણ ભારતીય સમુદાયના સભ્યો હશે જેમનું લાંબા સમયથી પોતાને ગામ જવાનું નહિ થયું હોય. 

તેમના સૌના માટે, અને જે લોકો જતા હશે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે આવેલા આમૂલ પરિવર્તનને જોયું હશે તેમની જાણકારી માટે પણ કહી દઉં કે આજે ભારતમાં નેશનલ હાઇવે, સ્ટેટ હાઇવે, શહેરી અને ગ્રામ્ય માર્ગોની કુલ મળીને લંબાઈ લગભગ ૫૫ લાખ કિમી છે, જે પૈકી નેશનલ હાઇવે ૨ ટકા છે, પરંતુ તેના પર ૪૦ ટકા જેટલો ટ્રાફિક ચાલે છે. ઉપરાંત, હાઇવે બનાવવાની પ્રક્રિયા પુરજોશમાં ચાલી રહી છે અને ૨૦૧૮-૧૯ દરમિયાન રોજના ૩૦ કિમીની સરેરાશથી કુલ ૧૦,૮૦૦ કિમી હાઇવે બન્યા, જે પોતાનામાં એક વિક્રમ છે. મોટા ભાગના પ્રોજેક્ટ પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપ હેઠળ છે અને અત્યારે આવા ૭૪૨ પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. વર્ષ ૨૦૨૦-૨૧ના અંત સુધીમાં ૧૨,૦૦૦ કિમી રાષ્ટ્રીય ધોરીમાર્ગ - નેશનલ હાઇવે બનાવવાની યોજના છે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ૩૦,૦૦૦ કિમી રસ્તાઓ પર્યાવરણને ફાયદાકારક પદ્ધતિ ધરાવતી ગ્રીન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને બનાવાયા છે, જેમાં પ્લાસ્ટિકનો કચરો વપરાયો છે. આ યોજનાના ત્રીજા તબક્કા અંતર્ગત જ સાવ લાખ કિમી ગ્રામ્ય રસ્તાઓને પહોળા કરવામાં આવશે.
ભારત સરકારનું લક્ષય નેશનલ હાઇવેની લંબાઈ વધારીને ૨ લાખ કિમી સુધી પહોંચાડવાનું છે. ભારતમાલા પરિયોજના હેઠળ ૬૬,૧૦૦ કિમી જેટલા લાંબા એક્સપ્રેસ વે, ઇકોનોમિક કોરિડોર, બોર્ડર અને કોસ્ટલ માર્ગો બનાવવાનું આયોજન છે જેથી હાઈવેનું નેટવર્ક સુધરે. તે પૂરું થતા ૫૫૦ જિલ્લાઓ હાઇવેથી જોડાશે, પરિવહનની ગતિમાં ૨૦-૨૫ ટકા જેટલો વધારો થશે અને પરિવહન ખર્ચમાં લગભગ ૫-૬ ટકાનો ઘટાડો થશે.
પ્રથમ તબક્કામાં વર્ષ ૨૦૨૨ સુધીમાં ૩૪,૮૦૦ કિમીના હાઇવે બનાવાશે અને તેના માટે લગભગ ૮૨ બિલિયન ડોલરનું વિદેશી રોકાણ થશે. આ ક્ષેત્રમાં વિદેશી પ્રત્યક્ષ રોકાણ ૧૦૦ ટકા ઓટોમેટિક રૂટ હેઠળ થાય છે અને તેના માટે કોઈ સરકારી પરવાનગીની આવશ્યકતા નથી, જેથી કરીને પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપ ખુબ સફળ રહી છે. આ ક્ષેત્રમાં સરકારે હાઈબ્રીડ એન્યુઈટી મોડેલ શરૂ કર્યું છે, જેના અંતર્ગત સરકાર અને ખાનગી કંપની વચ્ચે જોખમની વહેંચણી થઇ જાય છે અને પરિણામે કંપનીઓ ઓછા જોખમે નિવેશ કરી શકે છે.

(અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter