ગામડા ગામના ખેડૂતોનો પુત્ર ડો. એન. સી. પટેલ આજે સમગ્ર ગુજરાતને શોભાવે છે. ગુજરાતને શૈક્ષણિક ક્ષેત્રે એમણે રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ અપાવ્યું છે. ૨૦૧૮માં તેઓ ‘ઈન્ડિયન એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી એસોસિએશન’ના પ્રમુખ તરીકે ચૂંટાયા. ૨૦૧૬-૧૭માં ઈન્ડિયન સોસાયટી ઓફ એગ્રીકલ્ચરલ એન્જિનિયર્સના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી હતી.
ડો. એન. સી. પટેલને ૨૦૦૯માં જૂનાગઢમાં એગ્રીકલ્ચર યુનિવર્સિટીના ચાન્સેલર બન્યા હતા. ત્યાંની મુદ્દત પૂરી થતાં ૨૦૧૪માં એગ્રીકલ્ચર યુનિવર્સિટી-આણંદના વાઈસ ચાન્સેલર તરીકે નિમણુક મળી. આ યુનિવર્સિટીના કાર્યક્ષેત્રમાં મધ્ય ગુજરાતના નવ જિલ્લાનો સમાવેશ થાય છે. ડો. એન. સી. પટેલમાં સેવા અને સંશોધનક્ષમતાનો સુભગ સમન્વય છે. સેવાભાવી સ્વભાવ અને સ્નેહાળ વ્યક્તિત્વથી તે જ્યાં જાય ત્યાં ટીમવર્કની ભાવના સર્જાય છે. પોતે મેળવેલી સિદ્ધિ સૌના સાથ અને મહેનતનું પરિણામ છે એમ જણાવીને સૌનો સાથ અને વિશ્વાસ પામવામાં તે સફળ રહ્યા છે. એન. સી. એટલે નગીનભાઈ ચંદુભાઈ પટેલ. ડભોઈ નજીકના ખૂનવડ ગામના મોટા ખેડૂત અને શ્રદ્ધેય આગેવાન. પિતાના ઉદ્યમી અને પરગજુ સ્વભાવનો વારસો એન.સી.માં ઉતર્યો છે.
તેમના સતત પુરુષાર્થ, સૂઝ અને બધાંનો સાથ પામવાની આવડતે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી સતત વિકસતી રહી છે. ભારતના માનવસંસાધન અને વિકાસ ખાતા તરફથી સમગ્ર દેશની શૈક્ષણિક અને સંશોધન વિષયક સંસ્થાઓનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આમાં સતત બે વર્ષ આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીને દેશની ૧૦૦ સર્વોત્તમ સંસ્થાઓમાં સ્થાન પ્રાપ્ત થયું છે. સમગ્ર ગુજરાત રાજ્યમાંથી એકમાત્ર સંસ્થા એગ્રીકલ્ચર યુનિવર્સિટી આણંદને જ આવું બહુમાન પ્રાપ્ત થયું છે.
ડો. એન. સી. પટેલ અભ્યાસકાળ દરમિયાન તેજસ્વી, મહેનતુ અને શિક્ષકોના લાડીલા હતા. ઉદેપુરની એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયા પછી ખડગપુર આઈઆઈટીમાંથી એમ.ટેક. થયા. ત્યારે અહીંના પ્રાધ્યાપક અને પછીથી ડિરેક્ટર બનેલા ડો. એ. સી. પંડ્યાના સંપર્કમાં આવ્યા. ચિંતનશીલ, સરળ, અભ્યાસી અને વિદ્યાર્થીઓમાં માનીતા ડો. એ. સી. પંડ્યાના એ વિશ્વાસપાત્ર બન્યા.
અભ્યાસ પછી કૃષિક્ષેત્રે એમ.ટેક.ના ડિગ્રીધારી એન.સી. પટેલને પબ્લિક સર્વિસ કમિશને યોગ્યતાના ધોરણે નવસારીમાં એગ્રીકલ્ચર એન્જિનિયર તરીકે નિમણુક આપી.
નવસારીમાં ત્યારે ડેપ્યુટી ડાયરેક્ટર એવા સાત ધોરણનો અભ્યાસ કરેલા સરદારજી સમક્ષ ઉપસ્થિત થયા. ૧૧ માસની નોકરી પછી સ્વતંત્ર રીતે સંશોધનની તક દેખાતાં તેમણે સરકારી નોકરી છોડીને જ્યોતિ લિમિટેડ નામની ખાનગી કંપનીમાં નોકરી સ્વીકારી. કૃષિ ઉપયોગી એવાં ભાતભાતનાં ઉપકરણોનું ઉત્પાદન અને સતત સંશોધન એ એની વિશિષ્ટતા હતી. એન. સી. પટેલને અહીં તેમના કૌશલ વિકાસની તક મળી. ટપક પદ્ધતિ અને ફૂવારા પદ્ધતિથી સિંચાઈમાં તેમણે ભાતભાતના અખતરા કર્યા. ઈઝરાયલની આવી પદ્ધતિનો અભ્યાસ કર્યો. આ પછી તેમણે જુદા જુદા પાક માટે અનુકૂળ પદ્ધતિ નક્કી કરીને ઉપકરણોમાં જરૂરી સુધારાવધારા કર્યાં.
જ્યોતિ લિમિટેડમાં બે નવાં ઉપકરણોનું સંશોધન કરીને ઉત્પાદન કરાવીને બજારમાં મૂક્યાં. આમાં એક તે ડાંગર માટેનું થ્રેસર. ડાંગરના આખા પૂળા મશીનમાં મૂકતાં ડાંગર છૂટી પડે અને પૂળા ઘાસ તરીકે સલામત રહે. મગફળીના વેલામાંથી મગફળી જૂદું પાડતું થ્રેસર તેમણે ભારતમાં સૌપ્રથમ બજારમાં મૂક્યું. આ બધાને કારણે જ્યોતિ લિમિટેડમાં તેમનો પગાર બમણો થવાની તક ઊભી થઈ તે જ અરસામાં કૃષિ યુનિવર્સિટીમાં એસોસિએટ પ્રોફેસરની જાહેરાત આવી. યોગ્યતાના ધોરણે તેમની પસંદગી થવાની તક હતી. શું કરવું એની દ્વિધામાં તેમણે વિદ્યાગુરુ ડો. એ. સી. પંડ્યાની સલાહ લીધી. તેમણે કહ્યું, ‘આપણે જે મેળવ્યું છે તે આપીને સમાજને ઉપયોગી બનવું. પૈસા સામે ના જોવાય.’ શ્રદ્ધેય ગુરુની સલાહ ગાંઠે બાંધીને તેમણે જ્યોતિ લિમિટેડ છોડીને નવી નોકરી સ્વીકારી. આ પછી તે કામ અને નિષ્ઠાથી આગળ વધતા ગયા અને ખૂબ પ્રતિષ્ઠા પામ્યા. ડો. એન. સી. પટેલ આમ ગુજરાતને શોભાવતું ઘરેણું બન્યા!