આ નેતાઓમાં નીતિન ગડકરી, સુષ્મા સ્વરાજ, ઉમા ભારતી જેવા ભાજપ સરકારના વરિષ્ઠ પ્રધાનોથી માંડીને ભાજપના જ પીઢ નેતા લાલ કૃષ્ણ અડવાણી, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમ સિંહ યાદવ જેવા ટોચના સામેલ છે. પક્ષવાર જૂઓ તો, ભાજપના સૌથી વધુ ૨૦૯ સાંસદોએ તેમની સંપત્તિ જાહેર કરવાનું ટાળ્યું છે જ્યારે કોંગ્રેસના ૩૧ સાંસદો ચૂંટણી પંચનો આદેશ ઘોળીને પી ગયા છે. આ છે આપણા લોકપ્રતિનિધિઓ! જેઓ સંસદમાં બેસીને આપણા જેવા આમ આદમીઓ માટે કાયદાઓ ઘડે છે તેમને જ ચૂંટણી પંચની જોગવાઇઓની દરકાર નથી. ભારતીય નેતાઓની નફટાઇ અને ચૂંટણી પંચની નરમાઇની વાત નીકળી જ છે ત્યારે પડોશી દેશ પાકિસ્તાનના ચૂંટણી પંચે તાજેતરમાં લીધેલા આકરાં પગલાંનો ખાસ ઉલ્લેખ કરવો રહ્યો.
આપણે સહુ જાણીએ છીએ કે પાકિસ્તાનની છાપ ખાસ કંઇ સારી નથી. સતત અશાંતિ, અસ્થિરતા અને અરાજકતામાં અટવાતા આ દેશમાં જ્યાં આતંકવાદીઓ, કટ્ટરપંથીઓ અને લશ્કરનું જ શાસન ચાલતું હોય ત્યાં લોકશાહી પાંગરે પણ કઇ રીતે? આવાં પાકિસ્તાનમાં કંઇક સારું બને ત્યારે આશ્ચર્ય પણ થાય, અને તેની નોંધ લેવાનું પણ મન થાય. બીજી કોઇ બાબતમાં ભલે પાકિસ્તાનનું અનુકરણ કરવું હિતાવહ ન હોય, પણ તાજેતરમાં ત્યાંના ચૂંટણી પંચે જે સાહસિક પગલું ભરી બતાવ્યું છે તે ભારતે જરૂર અનુસરવા જેવું છે. પાકિસ્તાનના ચૂંટણી પંચે ત્યાંના ૨૧૧ જેટલાં સાંસદો અને પ્રાંતીય સભાઓના સભ્યોને તેમની સંપત્તિની વિગતો જાહેર ન કરવા બદલ કામચલાઉ સસ્પેન્ડ કર્યા છે. ચૂંટણી પંચના આ પગલાંએ, પાકિસ્તાનમાં લોકશાહીને મજાક સમજનારા પરિબળોને ચોંકાવી દીધા છે.
ભારતના ચૂંટણી પંચે છેલ્લા કેટલાંક વર્ષોમાં પોતાની ઘણી સારી શાખ ઊભી કરી છે અને એવાં ઘણા યશસ્વી કામો કરી બતાવ્યાં છે કે જે આઝાદી પછીનાં શરૂઆતનાં વર્ષોમાં જોવા પણ મળતાં નહોતાં. ચૂંટણી પંચ લોકપ્રતિનિધિઓની પસંદગી લોકશાહી ઢબે થાય તેમાં ખૂબ જ સક્રિય ભૂમિકા ભજવતું હોવા છતાં હકીકત એ છે કે ઘણી બાબતોમાં આજેય તે નબળું હોવાનું જોવા મળે છે. ચૂંટણીમાં આજે પણ રૂપિયાની બોલબાલા જોવા મળે છે. ચૂંટણીપ્રચારમાં પંચે નક્કી કરેલી મર્યાદાથી અનેકગણો ખર્ચ થતો જોવા મળે છે. સહુ કોઇની નજર સામે જ કરોડો રૂપિયા ખર્ચવા છતાં ઉમેદવારો કાનૂની છીંડાનો ઉપયોગ કરીને બચતા રહે છે. આવું જ વલણ પોતાની મિલકત અને ગુનાઇત રેકર્ડની જાહેરાત વેળા જોવા મળે છે. ચૂંટણી પંચ આ બધું જાણે-સમજે છે, પણ તેની સત્તા મર્યાદિત હોવાથી તે આવા લોકોને નોટિસ મોકલી આપે છે અને પછી મામલો કાનૂની ચક્કરમાં અટવાતો રહે છે.
પાકિસ્તાનના ચૂંટણી પંચે જે પગલું ભર્યું છે તે સાહસિક હોવાનું એટલે પણ માનવું રહ્યું કે ત્યાં લોકશાહી અને તાનાશાહી વચ્ચે ભારે ખેંચતાણ ચાલતી રહે છે. પાકિસ્તાનમાં ચૂંટણી પંચની વિશેષ ભૂમિકા બહુ મર્યાદિત જોવા મળે છે. આવી ચુસ્ત અને અંકુશિત સત્તા વચ્ચે પણ ચૂંટણી પંચ જો હિંમત બતાવીને, પાકિસ્તાન કાયદાનું પાલન નહીં કરનારા લોકપ્રતિનિધિઓ સામે શિસ્તનો દંડો ઉઠાવી શકતું હોય તો તે તો બહુ મોટી વાત છે. ભારતના ચૂંટણી પંચે આમાંથી શીખ લેવા જેવી તો છે જ. ચૂંટણી પંચ કોઇ પણ દેશનું હોય, લોકપ્રતિનિધિઓ તેમનું આચરણ શુદ્ધ રાખે તે માટે કાયદાનો કડપ હોવો જરૂરી છે. લોકતંત્રનું અસ્તિત્વ અને સાચી ઓળખ ટકાવવા માટે ભારતના ચૂંટણી પંચે પણ આકરું વલણ અપનાવવું જ રહ્યું.