૨૬મી જાન્યુઆરી ૨૦૨૦ના રોજ ભારતનો ૭૧મો પ્રજાસત્તાક દિવસ ઉજવાયો. તેના સંદર્ભે ભરતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે ૨૫મી જાન્યુઆરીની સંધ્યાએ દેશના નામ એક પારંપરિક સંદેશ આપ્યો. આ સંદેશમાં તેમણે સરકારના કાર્યો અને હવે પછીના લક્ષ્ય અંગે વિવરણ કર્યું.
બંધારણ જ્યારે સ્વીકારાયું ત્યારે તેમાં ૩૯૫ અનુચ્છેદ એટલે કે આર્ટિકલ્સ હતા, જેને ૨૨ ભાગોમાં વહેંચવામાં આવેલા હતા. આ ઉપરાંત ૮ શિડયુલ હતા. સંવિધાન સભાના ૨૮૪ સભ્યોએ બંધારણ પર હસ્તાક્ષર કર્યા અને તે ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના રોજ અમલમાં આવ્યું તેની પહેલા ૨૬મી નવેમ્બર ૧૯૪૯ના રોજ તેને સ્વીકારવામાં આવેલુ. બે વર્ષ ૧૧ મહિના અને ૧૭ દિવસની મહેનત પછી આ બંધારણ તૈયાર થયું. શરૂઆતમાં તેમાં આમુખ ઉપરાંત ૨૨ ભાગોમાં વહેંચાયેલા ૩૮૫ આર્ટિકલ્સ અને ૮ શિડયુલ હતા. આજે આ બંધારણ આમુખ ઉપરાંત ૨૫ ભાગ અને ૪૪૮ આર્ટિકલ્સ ધરાવે છે. તથા શિડ્યુલની સંખ્યા પણ ૮થી વધીને ૧૨ થઈ ગઈ છે. ઉપરાંત પાંચ એપેન્ડીસ પણ ઉમેરવામાં આવ્યા છે. આજ સુધીમાં કુલ ૧૦૩થી વધારે બંધારણીય સુધારાઓ પણ થયા છે. બાબાસાહેબ આંબેડકર કે જેઓ બંધારણીય કમિટીના ચેરમેન હતા તેમને ભારતીય બંધારણના આર્કિટેક્ટ કહેવામાં આવે છે.
ભારતે ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે બંધારણનો અમલ શરૂ કર્યો. ત્યારથી લઈને આજ સુધી એટલે કે ૭૦ વર્ષ પરત્વે સંવિધાનનું મૂલ્ય સાચવ્યું છે. તેના ઉપલક્ષમાં એ જાણવું રસપ્રદ બનશે કે ભારતીય બંધારણ વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ છે. તે ભરતને એક સંઘ જાહેર કરે છે એટલે કે અનેક રાજ્યોનો બનેલો સંઘ. તેમાં રાજ્યો અને કેન્દ્રની સત્તા વહેંચણી અંગે જોગવાઈ છે. પંચાયતી રાજના સમાવેશ અંગેના પ્રાવધાન પણ બંધારણમાં છે.
ભારતમાં બંધારણીય વડા રાષ્ટ્રપતિ ચુંટાયેલા હોય છે એટલે ભારત પ્રજાસત્તાક રાજ્ય છે અને વિશ્વની સૌથી મોટી લોકશાહી પણ છે. ભારતે વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિની હરણફાળ ભરી છે અને આ ૭૦ વર્ષની સફરમાં તો ભારતે ચંદ્ર અને મંગળ જેવા સુધી પોતાના રોકેટ મોકલી દીધા છે. ચંદ્રાયાન અને મંગળયાનની સફળતા એ ભારતને વિશ્વના ટોચના દેશોની હરોળમાં પહોંચાડયું છે. ભારતના ૩ કરોડથી વધારે લોકો વિશ્વના ૧૯૦ દેશોમાં જઈને વસ્યા છે અને ત્યાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. ૨૬મી જાન્યુઆરીના દિવસે આ ત્રણ કરોડથી વધારે ભારતીય મૂળના લોકો જ્યાં જ્યાં વસે છે ત્યાં પણ તિરંગો ફરકાવે છે અને ભારતનું ગૌરવ વધારે છે. (અભિવ્યક્ત મંતવ્યો લેખકની અંગત છે.)