સાડા પાંચ દસકાનો ન્યૂ યોર્કનિવાસ પણ જેના ભારતીય સંસ્કૃતિ પ્રત્યેના લગાવને લેશમાત્ર લૂણો નથી લગાડી શક્યો તે સેવાભાવી, નિર્લોભી અને પ્રવૃત્તિરત મહિલા છે પૂર્ણિમા દેસાઈ.
સંસ્કૃતિ પ્રત્યેના અસીમ પ્રેમને લીધે ભેખધારી બનેલા પૂર્ણિમા દેસાઈ બીજા પાસે હાથ લાંબો કર્યા સિવાય, ફંડફાળા વિના સ્વખર્ચે વિદેશમાં પ્રવૃત્તિશીલ એકલ વીરાંગના છે. તેઓ ન્યૂ યોર્કમાં વિવિધ સંસ્થાઓ પોતે સ્થાપીને સ્વખર્ચે સંચાલન કરે છે. જીવનના સાત દસકા વટાવ્યા હોવા છતાં એમનો જુસ્સો, જુવાની અને પ્રવૃત્તિ યથાવત્ છે.
આપણે માતૃદેવો ભવઃ, પિતૃદેવો ભવઃનું પોપટિયા રટણ કરીએ છીએ. આચારજીવી પૂર્ણિમાબહેને સ્વખર્ચે મા ભાનુમતીબહેનની સ્મૃતિમાં દેવાલય બનાવડાવ્યું છે. જેમાં સર્વ દેવોને પ્રતિષ્ઠિત કર્યા છે. આ દેવો જાણે કે આપણને કહી રહ્યા છે, ‘બધા દેવો એક સાથે કાયમ બેસે છે અને લડતા ઝઘડતા નથી, તો માણસો પણ આમ કરી શકે છે.’
પિતા દિનકરભાઈ દેસાઈને નામે તેમણે શ્રીનિકેતન સંસ્થા સ્થાપી છે. તેમાં સિનિયર સિટીઝન સેન્ટર કર્યું છે. ચુનંદા કલાકારોને તેઓ સ્વખર્ચે ન્યૂ યોર્ક - ન્યૂ જર્સીના જુદા જુદા સિનિયર સિટીઝન સેન્ટર્સમાં લઈ જાય છે અને ત્યાં તેમના સંગીતના અને અન્ય કાર્યક્રમો ગોઠવે છે.
નાનીમા મણિબહેનના નામે તેઓ સિવણના અને હોમ સાયન્સના નિઃશુલ્ક વર્ગો ચલાવે છે. આમાં પોતાનાં જ સાધનો અને શિક્ષકને પગાર પણ તે ચૂકવે છે.
૧૯૮૮માં પૂર્ણિમાબહેને શિક્ષાયતન કલ્ચરલ સેન્ટરની સ્થાપના કરી. તેઓ તેનાં પ્રમુખ છે. અહીં સંગીતના નિઃશુલ્ક વર્ગ ચલાવાય છે. આ માટે શિક્ષકનો પગાર તે પોતે ચૂકવે છે. શિક્ષાયતન પૂર્ણિમાબહેનના દાદા લાલભાઈ દેસાઈએ આરંભેલ ‘અભ્યુદય વાર્ષિક’ પ્રગટ કરે છે, તેમાં બાળકો લખે તેથી તેમની અભિવ્યક્તિ અને આત્મશ્રદ્ધા વિકસે છે. શિક્ષાયતને રાષ્ટ્રાંજલિ, શિવાંજલિ, વેદાંજલિ, દેવાંજલિ, પુષ્પાંજલિ વગેરે કાવ્યસંપુટની સંગીત સીડીનું પ્રકાશન કર્યું છે. શિક્ષાયતનના ઉપક્રમે વિદેશના સારા સંગીતકાર અને વાદ્યકારના કાર્યક્રમો અવારનવાર ગોઠવાય છે.
પૂર્ણિમાબહેનનો જન્મ કોલકાતામાં થયો હતો. પિતા દિનકરભાઈ દેસાઈ મૂળે વાપીના. દિનકરભાઈ એમ.એ., એલ.એલ.બી. થઈને ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં લીગલ એડવાઈઝર હતા. માતા ભાનુબહેન પિતા લાલભાઈ ખંડુભાઈ દેસાઈ મોરારજીભાઈ દેસાઈના સહાધ્યાયી હતા અને ઓરિએન્ટલ જનરલ ઈન્સ્યુરન્સના જનરલ મેનેજર હતા.
પૂર્ણિમાબહેન કોલકાતા શાળામાં તેજસ્વી વિદ્યાર્થિની હતાં. નૃત્ય, નાટક, ગાયન જેવી લલિત કલાઓમાં રસ અને ભાગ લે. તેમને ક્યારેક સભાક્ષોભ ના નડે. જીવનભર આ ગુણ ચાલુ રહ્યો. કોલકાતામાં ભણીને બી.એ. ઓનર્સ થયાં પછી વધુ અભ્યાસ માટે દિલ્હી ગયાં. દિલ્હી યુનિવર્સિટીમાંથી પ્રથમ વર્ગમાં એમ.બી.એ. થયાં.
૧૯૭૨માં ફાર્માસિસ્ટ અશોકભાઈ દેસાઈ સાથે પરણ્યાં અને અશોકભાઈ સાથે અમેરિકા આવીને ન્યૂ યોર્ક વસ્યાં ત્યારથી ન્યૂ યોર્કવાસ બદલાયો નથી. ન્યૂ યોર્કમાં નોકરી માટે ઠેર ઠેર અરજી કરી પણ નોકરી ના મળી. કોઈકે સલાહ આપી કે વધારે ભણેલાં વધારે પગાર માગે માટે નોકરીમાં બોલાવતા નથી. આ પછી માત્ર હાઈસ્કૂલ શિક્ષણ જણાવીને અરજી કરતાં બેંકમાં તરત નોકરી મળી. બેંકમાં કાર્યનિષ્ઠા અને આવડત ઢાંક્યાં ના રહ્યાં. ઉપરી અધિકારીને ઊંચા અભ્યાસની ખબર પડતાં પ્રમોશન મળ્યું. ૧૯૭૭ સુધી નોકરી કરી. વધુ અભ્યાસની ઈચ્છા થતાં કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ અને રિયલ એસ્ટટનો અભ્યાસ કર્યો અને રિઅલ એસ્ટેટના વ્યવસાયમાં ઝંપલાવ્યું. ૨૩ જેટલા એપાર્ટમેન્ટની માલિકી થઈ. ભાડુઆતો પાસેથી જાતે જ ભાડું ઉઘરાવે. ભાડુઆતને પરિવારજન માની વર્તે. કોઈની સામે ભાડા અંગે કોર્ટમાં નથી ગયાં. ભાડુઆતના બાળકો સાથે સ્નેહથી વાતો કરે. ભાડુઆતોની મુશ્કેલી સમજે. તે નિવારવા માર્ગદર્શન આપે. ભાડુઆતોની બહેન કે મા બનીને વર્તે. બધાંનો પ્રેમ મળ્યો.
વિચાર્યું માત્ર પૈસા કમાઈશ - વહીવટ કરીશ તો જન્મ સાર્થક કરતી પ્રવૃત્તિ શી રીતે અને ક્યારે કરીશ? બધું વેચી દીધું. આ પૈસાથી જ તેમણે જનસેવાનો યજ્ઞ આરંભ્યો. પતિ અશોક દેસાઈનું ગયા વર્ષે અવસાન થયું. કહે છે, ‘અશોક મારા હૃદયમાં છે. તેને મારું કામ ગમે છે અને સાથ આપે છે.’ પૂર્ણિમાબહેનનું ભારતીય સંસ્કૃતિના ભેખધારીનું કામ ભારતીય મહિલાઓ માટે પ્રેરક છે.