લઘુવાર્તા, વાર્તા, નવલકથા કે સમાચાર. લેખન કે વાચનનું સ્વરૂપ કોઈ પણ હોય, પરંતુ એમાં કોઈને કોઈ પાત્રો તો હોય જ છે. પુસ્તક ‘મહોતું’ માટે દિલ્હીના યુવા ગૌરવ પુરસ્કાર સહિત આઠ નામાંકિત સન્માન મેળવી ચૂકેલા ગુજરાતી લેખક રામ મોરી કહે છે કે, મારી કોઈ પણ વાર્તા એ માત્ર ઇમેજિનેશન પર જ આધારિત હોતી નથી. એમાંના મોટાભાગના કેરેક્ટરને મેં માણસ તરીકે મારી આસપાસ જોયાં જ હોય છે પછી જ એ સુધારા વધારા કે ઉમેરા સાથે લખાયાં છે.
રામની જેમ જ ગુજરાતી લેખક સ્વ. અશ્વિની ભટ્ટ પણ કહેતા હતા કે મારા મોટાભાગના પુસ્તકોમાં કેરેક્ટર જ શું જગ્યાઓ પણ મેં જોયા પછી એના પરથી પ્રેરણા લઈને પુસ્તકમાં તેનું વર્ણન કર્યું હોય છે. સામાન્ય રીતે કોઈ પણ વાર્તાકાર તેની આજુબાજુમાં જે બને છે એમાંથી જ પ્રેરણા લઈને કે એના પડઘા સ્વરૂપે તેની વાર્તાના પાત્રો રચતા હોય છે. ઘણા લેખકો તેને વાસ્તવિક સ્વરૂપે જ રજૂ કરે છે તો ઘણા તેમાં પોતાની કલ્પનાના રંગોનો ઉમેરો કરીને તેને વાર્તા પ્રમાણે વળાંક આપીને ગ્લોરિફાય કરે છે. જોકે આજકાલ વિશ્વમાં એક નવો જ ટ્રેન્ડ શરૂ થયો છે. આ ટ્રેન્ડ છે જીવતી વાર્તાઓ વાંચવાનો. તમે વિચારશો કે જીવતી વાર્તા એટલે કે સત્ય ઘટનાઓ? તો તેનાથી થોડું આગળ છે આ પગલું. જે હ્યુમન લાયબ્રેરી કહેવાય છે. એ વાતને જરાય નકારી ન શકાય કે દરેક વ્યક્તિનું જીવન તે જન્મે ત્યારથી જ નહીં તેણે જન્મ પણ ન લીધો હોય ત્યારની ઘટનાઓથી જોડાયેલું હોય છે.
સામાન્ય રીતે દરેક વ્યક્તિના જીવનમાં સેંકડો વાર્તાઓ રોજ જીવાતી હોય છે. એટલે કે દરેક વ્યક્તિનું જીવન કલ્પના પણ ન કરી શકાય એવા ઉતારચડાવની દાસ્તાન ધરાવતું હોય છે. આમાંના કેટલાંક તેને શબ્દ સ્વરૂપે ઉતારી શકે છે. એવા તો મોટાભાગના લેખકો જ હોય છે અથવા લેખન ક્ષેત્ર સાથે જોડાયેલા હોય એવા જ લોકો હોય છે, પણ જે લોકો પોતાની વાર્તા પોતે લખી શકતા નથી એવા લોકો વંચાય છે હ્યુમન લાયબ્રેરીમાં.
દરેક વ્યક્તિની પોતાની કહાની કે કહાનીઓ લોકો સુધી પહોંચી તેમને પ્રેરણા, પ્રોત્સાહન કે માર્ગદર્શન આપી શકે છે. જોકે મોટાભાગના લોકો તેને વ્યક્ત કરી શકતા નથી. આજના ઝડપી જમાનામાં તેમને પોતાને અંગત વ્યક્તિઓ સામે પણ વ્યક્ત થવાનો સમય પણ મળતો નથી. આવા લોકો માટેનો એક સરળ કોન્સેપ્ટ છે હ્યુમન લાયબ્રેરી.
આ હ્યુમન લાયબ્રેરીમાં કોઈ પણ વ્યક્તિને પ્રસ્તુત થવાની તક મળે છે. હ્યુમન લાયબ્રેરીની સંકલ્પના વર્ષ ૨૦૦૦માં સૌ પ્રથમ વખત ડેન્માર્કના કેપનહેગનમાં અસ્તિત્વમાં આવી હતી. ડેન્માર્કના રોની એબરગેલ દ્વારા હ્યુમન લાઈબ્રેરી મુવમેન્ટની શરૂઆત કરવામાં આવી હતી. વર્ષ ૨૦૦૦ પછી તો આ ઓર્ગેનાઈઝેશન ‘ધ હ્યુમન લાયબ્રેરી’ના નામે જ ઇન્ટરનેશનલ લેવલ સુધી પસંદગી પામ્યું છે અને કેટલાય લોકો તેમાં જોડાતા જાય છે. વૈશ્વિક સ્તરે આ ચળવળ ફેલાઈ રહી છે. ધ હ્યુમન લાયબ્રેરી નામે જ હવે તો આશરે ૮૦ દેશોમાં ઇવેન્ટ્સ થાય છે.
ઇવેન્ટમાં કોઈ પણ વ્યક્તિ સ્વયં પોતાની કથા રજૂ કરે છે અને વાચકો તેમને સાંભળે તથા તેમના જીવન વિશે ચર્ચા કરે છે.
ભારતમાં દિલ્હી, ગુડગાંવ અને મુંબઈમાં પણ આ પ્રકારની હ્યુમન લાયબ્રેરીનો આરંભ કરવામાં આવ્યો છે. દિલ્હીમાં હ્યુમન લાયબ્રેરીની ઇવેન્ટમાં કોઈ પણ માણસ પોતાની જીવન કહાની રજૂ કરે અને લોકો એટલે કે વાચકો તે સાંભળે એની સાથે સાથે વાચકો વચ્ચે પરસ્પર પુસ્તકોની આપ લે પણ કરવામાં આવે છે.
મુંબઈમાં હ્યુમન લાયબ્રેરીની શરૂઆત અદાલીબ કુરેશીએ કરી છે. મહાનગરી મુંબઈમાં આ કોન્સેપ્ટને ખૂબ જ સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે.
કુરેશીનું કહેવું છે કે હ્યુમન બુક વાંચ્યા પછી ઘણા લોકોએ પોતાનું જીવન બદલાયા હોવાની કબૂલાત કરી છે. સામાન્ય રીતે તો દરેક વ્યક્તિની પોતાની આગવી કથા હોવાથી દરેક હ્યુમન બુક બની શકે છે. આમ છતાં હ્યુમન બુક બનવા માટે સાઈન અપ કર્યા બાદ ટૂંકો ઈન્ટરવ્યુ લઈને જ હ્યુમન બુકની પસંદગી કરવામાં આવે છે.
આ જ પ્રમાણે વાચકો આવે ત્યારે તેમને શીર્ષક ધરાવતું કેટલોગ આપીને તેમાંથી હ્યુમન બુકની પસંદગી કરીને તે વાંચવા ૩૦ મિનિટનો સમય આપવામાં આવે છે. જોકે મોટેભાગે આ સમય ક્યારેક તો કલાકો સુધી લંબાઈ જાય છે અને જીવતી વાર્તા જેવા વ્યક્તિઓની અભિવ્યક્તિ ચાલ્યા જ કરે છે. હ્યુમન લાઈબ્રેરીનો મુખ્ય હેતુ તો સમાજમાં પ્રવર્તતી નકારાત્મક્તા, પૂર્વગ્રહો કે માન્યતાઓ દૂર કરવાનો છે. મુંબઈની હ્યુમન લાઈબ્રેરીમાં ગયા વર્ષે ૯૦ માનવ પુસ્તકનું પઠન કરાયું હતું અને આ દ્વારા સંબંધિત વ્યક્તિની અંગત વેદના, લાગણીઓને વાચા મળી હતી. જોકે વાચકે આ પુસ્તકને કોઈપણ પ્રકારનું મુલ્યાંકન કરવાનું ન્યાય તોળવાનો હોતો નથી. તેમણે સહૃદયી બનીને સમસંવેદના અનુભવવાની તથા પ્રેરણા કે માર્ગદર્શન મેળવાનું હોય છે. ઘરેલુ હિંસાનો ભોગ બનનાર કે ચોક્કસ પ્રકારના દેખાવના આગ્રહને કારણે હેરાન થનારા, ગરીબી કે અન્ય કારણસર સમાજની ઉપેક્ષાના ભોગ બનનારાઓ અથવા આગવી અનુભૂતિ દ્વારા જીવનને વળાંક આપનારાઓ હ્યુમન બુક તરીકે વધુ પસંદગી પામે છે. તેઓના સંઘર્ષને હ્યુમન બુકમાં સ્થાન મળવાથી તેઓના મનનો ભાર પણ હળવો થવાનો અને કોઈની પાસે ઠલવાઈ જવાનો મોકો મળે છે.