यः स्तोकेनापि संतोषं कुरुते मन्दधीर्जनः।
तस्य भाग्यविहीनस्य दत्ता श्रीरपि मार्ज्यते ।।
(ભાવાનુવાદઃ જે મંદબુદ્ધિવાળો માણસ થોડાંથી પણ સંતોષ પામે છે, તે અભાગિયાની (નસીબે) આપેલી લક્ષ્મી પણ ધોવાઈ જાય છે.)
કહેવાયું છે કે ‘સંતોષ સુખ કી ખાન, સંતોષ નરક કી પહેચાન’ ત્યારે આ સુભાષિત તો કંઈ જુદુ જ કહે છે! જેમ પર્વતથી સાગર સુધીની નદીની યાત્રામાં જાતજાતનાં રંગો ભળતા જાય છે ને એ બધા જ નદી તરીકે ઓળખાય છે તે જ પ્રમાણે માનવજાતિના ઇતિહાસમાં પણ બનેલું દેખાય છે. માનવમાત્રની પ્રગતિના બે બહુ મોટા ચાલક બળ છે - સંતોષ અને અસંતોષ.
યુવાન કે યુવતી સમજણા થાય અને પોતાના સ્વપ્નોની દિશામાં દોટ લગાવે છે. ન મળેલું અને ઇચ્છેલું મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી દે છે. તેમાંથી કોઈક સ્વપ્નદૃષ્ટા ધીરુભાઈ અંબાણી કે માર્ક ઝુકરબર્ક બનવા ભાગ્યશાળી બને છે તો કોઈક માર્ગમાં જ ખોવાઈ જાય છે અને કેટલાંક કમનસીબ તો એવા અટવાય છે કે તેમને આત્મહત્યા જેવા પગલાંઓ ખેંચે છે. આમ કેમ થતું હશે?
જીવનનાં વર્ષો એ ખરેખર તો સીડીના પગથિયા છે જેને એક પછી એક ચઢતા જવાનાં હોય છે. જ્યારે આખી સીડી ચડી જવાય ત્યારે જીવનમાં ઇતિ સિદ્ધમનો ભાવ પ્રગટે છે. પણ ત્યાં સુધી? ત્યાં સુધી સંતોષ અને અસંતોષનાં વૈવિધ્યપૂર્ણ સ્વરૂપો (કે ભૂતાવળો?) માનવને ખેંચતા રહે છે.
દરેક પગથિયે, દરેક સફળતાએ માનવને કશુંક પ્રાપ્ત તો થતું જ હોય છે પણ ત્યાં અટકી જવાતું નથી! કારણ કે ‘સફર અભી બાકી હૈ!’ જે પ્રાપ્ત થયું છે તે કંઈ સો ટકા થોડું પ્રાપ્ત થયું હોય? પણ ત્યાં માનવે સંતોષ માનીને મનમાં કલેશ આવવા દેવાનો નથી. ‘જે મળ્યું તે ખરું’ એ સંતોષ દાખવવાનો છે. પાંચ હજાર પાઉન્ડની નોકરીની અપેક્ષા હોય ને બે હજાર પાઉન્ડની નોકરી મળે તો દુઃખ જ થાય. પણ તેથી કંઇ બે હજાર પાઉન્ડની નોકરીનો આનંદ તો ન જ જવા દેવાય ને! ત્યાર પછીનું પગથિયું અગત્યનું છે. સુભાષિતકાર કહે છે તેમ આટલે અટકી જવાનું નથી. હવે વધુ સારી સ્થિતિ પ્રાપ્ત કરવાનું સ્વપ્નું સેવવાનું છે, આ માટે પુરુષાર્થ કરવાનો છે. તો જ જીવન પ્રગતિના પંથે આગળ ધપી શકે. જીવનના જે પગથિયે કંઈક પ્રાપ્ત થાય અને જો માનવ સંતોષ માની લે તો તો બાપદાદાની વારસાઈ લક્ષ્મી પણ ધોવાઈ જાય, ખોવાઈ જાય. સુભાષિતકારે વાપરેલો ‘મંદબુદ્ધિ’ શબ્દ બહુસંકેત આપે છે. સંતોષરૂપી મોહમાં જાગતો માણસ ન જ ફસાય, નહીંતર તે ‘મંદબુદ્ધિ’ સાબિત થાય.