મહાત્મા ગાંધી પહેલાં ૪૫ વર્ષે ૧૮૨૪માં મોરબી નજીક ટંકારામાં બ્રાહ્મણ પરિવારમાં જન્મેળા મૂળશંકર જે પછીથી દયાનંદ સરસ્વતી નામે જાણીતા થયા તેમનો આજે દેશ-પરદેશમાં હિંદુઓમાં, ભારતીય સંસ્કૃતિ જીવતી રાખવામાં મહત્ત્વનો ફાળો છે. સંખ્યાબંધ આફ્રિકન દેશો, ફીજી, અમેરિકા યુરોપમાં દેશોમાં હજી તેમની પ્રવૃત્તિ અને સ્મૃતિ છે.
શિવભક્ત અને પોલીસ ખાતામાં કામ કરતા પિતાના એ પુત્ર. શિવરાત્રિના દિવસે પરિવાર મંદિરમાં જાગરણ કરતો હતો ત્યારે બાળ મૂળશંકરે શિવલિંગ પર ચઢાવેલો પ્રસાદ નિર્ભય બનીને ખાતો ઉંદર જોયો. થયું મૂર્તિ પોતાનું રક્ષણ કરવા અસમર્થ છે તો તે એના ભક્તો કે માણસોનું રક્ષણ શી રીતે કરશે? આમ બાળપણમાં મૂર્તિપૂજા પ્રત્યે અશ્રદ્ધા જન્મી. મૂર્તિને બદલે સત્ય શું એ શોધવાની તિતિક્ષામાં પછી યુવાવયે ગૃહત્યાગ કર્યો. પગપાળા નર્મદા કિનારે પહોંચ્યા. સંતો, સાધકો અને સાધુઓમાં ભળ્યા અને અંતે દંડીસ્વામીએ દીક્ષા આપતાં દયાનંદ સરસ્વતી બન્યા. હિમાલયમાં ઠેર ઠેર ફર્યા. સાધુ, અઘોરી, તપસ્વીઓને મળ્યા. કહેવતા મહંતો-સાધુઓનો ભ્રષ્ટાચાર જોયો. દંભ જોયો. પ્રવાસમાં દેશની ગરીબી જોઈ. માન્યું કે માનસિક ગરીબી, શારીરિક દુર્બળતા, જ્ઞાનની ગરીબ દૂર કરવાથી જ દેશનો ઉદ્ધાર થશે. મોક્ષની વાત મરણ પછી, જીવતેજીવ માનવી સુખી થાય એ જ મોક્ષ. માનવીને સુખી કરવા, સમગ્ર ભારતને સુખી કરવા તેમણે ૧૮૭૫માં મુંબઈમાં એક સંગઠન સ્થાપ્યું તે આર્યસમાજ.
આર્યસમાજનો પાયાનો સિદ્ધાંત મૂર્તિપૂજાનો વિરોધ. આર્યસમાજ માને ભગવાન એક છે. સર્વોપરી છે અને નિરાકાર છે. ભાતભાતની મૂર્તિ અને તેના દ્વારા જુદા જુદા ભગવાન કુસંપનું નિમિત્ત બને. એકતા તૂટે. મૂર્તિઓ અને જુદા જુદા ભગવાનને નિમિત્ત સામાન્ય પ્રજાનું શોષણ થાય. ચમત્કારની વાતો દ્વારા અંધશ્રદ્ધા અને વહેમ વધે. આમાંથી કુરિવાજો અને શોષણ વધે. મૂર્તિપૂજા અને બહુ દેવવાદથી જેમ એકતા તૂટે તેવી જ રીતે નાતજાતના ભેદભાવ અને આભડછેટને કારણે પણ દેશની એકતા તૂટે અને વિદેશી શાસન વધુ દૃઢ થાય. આથી તેમણે અસ્પૃશ્યતા નિવારણ અને નાતજાતના ભેદભાવનો વિરોધ કર્યો. ગાંધીજી પહેલાં અસ્પૃશ્યતા નિવારણ અને નાતજાતનો વિરોધ કરીને દયાનંદ સરસ્વતીએ ગાંધીજીને રાહ અને કામ સરળ બનાવ્યું.
ગાંધીજીના પહેલાં હિંદી ભાષાને મહત્ત્વ આપનાર દયાનંદ સરસ્વતી હતા. આવું જ બીજું કામ સ્વાવલંબન અને સ્વદેશીનું સમર્થન દયાનંદ સરસ્વતીના આર્યસમાજનું લક્ષણ હતું.
મહાત્મા ગાંધીની જેમ સ્ત્રીઓની સમાનતા અને ઉદ્ધારનું નક્કર કાર્ય સ્વામીજીનું હતું. તેમણે વિધવા-વિવાહનું સમર્થન કર્યું. સ્ત્રીશિક્ષણની હિમાયત કરી. આર્યસમાજે મહિલાઓ માટેનાં ગુરુકૂળ કર્યાં, જેમાં છોકરીઓને ઘોડેસવારી, તીરંદાજી, લાઠીદાવ, ભાલાફેંક વગેરે શીખવાડાતું. સંગીત, ભરતગૂંથણ, રસોઈવિદ્યા, ગૃહ સુશોભન એવા વિષયો તો ખરા જ! ગાંધીજી ઘડતર માટે કેળવણીમાં માનતા. યુવકો અને યુવતીઓને ઉપયોગી કેળવણીની પ્રવૃત્તિની નવા જમાનામાં આર્યસમાજે પહેલ કરી. તન અને મન ઘડાય અને ક્યારેય લાચારી ભોગવવી ના પડે એવા શિક્ષણની પહેલ કરી.
સ્વામી દયાનંદ સરસ્વતી સાદગીને વરેલા હતા. સુદૃઢ કાયા, સાદગી અને સદાચાર જ માનવીને સુખી બનાવવામાં મહત્ત્વ ધરાવે છે તે સ્વામીજીએ જીવી બતાવ્યું.
મહાત્મા ગાંધી હંમેશા સત્યના આગ્રહી હતા. તેમણે તેમની આત્મકથાનું નામ ‘સત્યના પ્રયોગો’ રાખ્યું હતું. જીવનભર તેમણે પોતે જે સત્ય માન્યું તે નીડર બનીને કહેતા રહ્યા. તેમના પહેલાં બે પેઢીએ થયેલા દયાનંદ સરસ્વતીએ ‘સત્યાર્થ પ્રકાશ’ લખ્યું. વેદોમાં મૂર્તિપૂજા ના હોવાથી મોટા મોટા ગાદીપતિ, આચાર્યો અને રાજાઓની સમક્ષ એ નીડરતાથી તેનો વિરોધ કરતા. કોઈની શેહમાં ના અંજાતા. સાચું લાગે તે કહેવાની નીડરતાનો એક દાખલો પૂરતો છે. જોધપુરના મહરાજા જશવંતસિંહની મુલાકાતે ગયા. મહારાજા નન્હીજાન નામની રખાતમાં રચ્યાપચ્યા હતા. અચાનક સ્વામીજી આવતાં નન્હીજાનને પાલખીમાં બેસાડી વિદાય કરતાં પાલખી એક તરફ નમતાં મહારાજાએ તેને ટેકો આપ્યો. સ્વામીજીએ આ જોતાં સાંજની સભામાં કહ્યું, ‘સિંહની ગુફામાં કૂતરી પેસી ગઈ છે અને રાજ કરે છે.’ આનો ડંખ રાખીને તેણે રસોઈયાને ૧૦૦૦ રૂપિયા આપીને દૂધમાં ઝેર નંખાવ્યું. સ્વામીજીને જાણ થતાં તેમણે રસોઈયાને પૈસા આપીને વિદાય કર્યો જેથી એ સજામાંથી બચે. મહાત્મા ગાંધીએ ગોળીબાર પછી અંતિમ ક્ષણે ‘હે રામ!’ કહ્યું હતું. સ્વામીજી કે ગાંધીજીને હત્યારા તરફ વેરભાવ ના હતો.
ગાંધીજી કહેતા, ‘મેં અગાઉ કહ્યા પછી બીજી વાર જૂદું કહ્યું હોય તો તે સાચું લાગે તો માનજો.’ સ્વામીજીએ એમનું ધર્મપુસ્તક ‘સત્યાર્થ પ્રકાશ’ લખ્યું. છતાં કહે છે કે ‘હું વેદનો સંદેશો આપું છું. મારો નહીં. મારા વિચારોને યોગ્ય લાગે તો જ માનજો. મારો ફોટો કોઈ મંદિરમાં મૂકીને તેની આગળ દીવો કે અગરબત્તી ના કરશો.’
ગાંધીજી અને દયાનંદ સરસ્વતી બંનેની હત્યા થઈ. બંને વ્યક્તિપૂજાના વિરોધી હતા. ગાંધીજી પહેલા દયાનંદ સરસ્વતીએ જે કેડી કંડારી તે પર ચાલવું ગાંધીજી માટે સરળ થયું.