માનવસર્જિત કૃત્રિમ બુદ્ધિ એટલે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ (એઆઇ). આજકાલ દુનિયામાં એઆઇની બોલબાલા છે. રોબોટ માનવનું કામ કરે પણ એ કામ થાય એમાં મુકેલી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના કારણે. અંતરિક્ષમાં માનવી પહોંચ્યો, હજીય વધુ પહોંચશે એ બધામાં માનવીએ સર્જેલી, મૂકેલી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના કારણે. વિશ્વમાં આજે કોમ્પ્યુટરીય જ્ઞાનની બોલબાલા છે. આ ક્ષેત્રમાં અમેરિકા મોખરે છે. અમેરિકામાં આ ક્ષેત્રે એક ગુજરાતી યુવક અમિત શેઠ આગેવાન છે.
સમગ્ર વિશ્વમાં કોમ્પ્યુટર ક્ષેત્રે પ્રથમ એકસોમાં અમિતનો નંબર છે. માત્ર અમેરિકાના જ કોમ્પ્યુટરવિદ્દમાં અમિત પ્રથમ ૭૦માં એક છે. ગુજરાતમાં રાજ્યશાસ્ત્રના પ્રખર અભ્યાસી એવા પ્રો. પ્રવિણ શેઠ અને સુરભીબહેનનો એ લાડકો દીકરો. અમદાવાદમાં ઊછર્યો, ભણ્યો. વિજ્ઞાન અને ગણિતશાસ્ત્રમાં હોંશિયાર છતાં માત્ર પુસ્તકિયા કીડા બની રહેવાને બદલે સંગીત રસિયો.
હાઈસ્કૂલમાં ભણતી વખતે અમિત સેટેલાઈટ સેન્ટરમાં અવારનવાર જતો. તેણે બનાવેલ સેટેલાઈટનું મોડેલ દિલ્હીના વિજ્ઞાનમેળામાં ભારતીય કક્ષાએ પસંદ થયેલું. આથી ત્યારે ‘ઈસરો’ના વડા યશપાલનો પરિચય અને સંબંધ થયો. પીલાની એન્જિનિયરિંગ કોલેજમાંથી ડિસ્ટીંક્શન સાથે એન્જિનિયર થયા પછી અમેરિકાની યુનિવર્સિટીઓમાં વધુ અભ્યાસ માટે જવા માટેની અરજીમાં યશપાલે ભલામણ કરી હતી. અમેરિકામાં એક સાથે પાંચ યુનિવર્સિટીમાં આસિસ્ટંટશિપ સહિત પ્રવેશ મળતાં, છેવટે ઓહાયો સ્ટેટ યુનિવર્સિટી કોલંબસમાં જવાનું સ્વીકાર્યું. અમદાવાદ રોટરી ક્લબે પણ એક વર્ષનો ખર્ચ - અભ્યાસ પછી ભારત પાછા આવવાની શરતે - મંજૂર કરેલ પણ તે સ્કોલરશિપ સ્વીકારી ન હતી.
અમિતે માત્ર દોઢ વર્ષમાં એમ.એસ. થઈને પછીનાં અઢી વર્ષમાં ડોક્ટરેટ કર્યું. આટલા ટૂંકા સમયમાં કરનારા જૂજ હોય. અમિતે આ પછી જુદા જુદા સ્થળે કામ કર્યું, અને હાલ ઓહાયોની રાઈટ યુનિવર્સિટીમાં એમિનન્ટ પ્રોફેસર છે. એમિનન્ટ એટલે મહાવિદ્વાન! સમગ્ર યુનિવર્સિટીમાં તેમની પાસે અન્ય કોઈ વિભાગ કરતાં વિદ્યાર્થી અને કર્મચારી ગણ છે. અત્યાર સુધી તેમની પાસે ભણીને ૩૦ જેટલા વિદ્યાર્થી પીએચ.ડી. થયા છે અને ૧૫ પીએચ.ડી. કરી રહ્યા છે.
અમિત શેઠનું કોમ્પ્યુટર ક્ષેત્રે માનવજીવન અને સ્વાસ્થ્યને લગતાં નવી એપ બનાવવામાં પ્રદાન છે. આ ક્ષેત્રે તેમની નામના છે. એમણે સંખ્યાબંધ એપ ડેવલપ કરી છે તેના કેટલાંક નમૂના જોઈએ.
વજન ઘટાડવા કરાવેલી બેરિયાટ્રિક સર્જરી પછી જે તે વ્યક્તિનું ધ્યાન રાખનાર એપ તેમનું સર્જન છે. આ એપ વ્યક્તિની માહિતી ભેગી કરીને, મૂલ્યાંકન કરે તથા સાચવે, અને જરૂર હોય તો જાતે જ ડોક્ટરને લેવાનાં પગલાં સૂચવે. આવી રીતે દર્દીને પણ માર્ગદર્શન આપે.
બીજી એપ છે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં બધા પ્રકારે મદદ કરનારી. આને કારણે કુદરતી આફત વખતે સ્વયંસેવકોનું કામ ઝડપી, કાર્યક્ષમ અને સરળ બને છે. ટ્વિટરમાં આવતાં સંદેશા જાતે જ શોધીને ચેક કરે અને રાહત કામગીરી કરનારને પહોંચાડે. સંદેશો મોકલીને બેસી ના રહે, પણ અમલ થયો કે નહીં તેની ચકાસણી પણ કરે. કાટમાળમાં, પૂરમાં, ધરતીકંપમાં, ફસાયેલાના સંદેશા જાતે જ શોધીને પહોંચાડે.
આનો જાત અનુભવ વર્ણવતા અમિત શેઠ કહે છે, ‘સિંગાપોરમાં વસતાં એક ભારતીયના માતા ચેન્નાઈમાં હતાં. આ સમયે ભારે પૂર આવતાં ભાઈ માતાનો સંપર્ક ના સાધી શક્યા. ચિંતા થઈ. અમિતભાઈનો સંપર્ક સાધ્યો. એપથી તપાસ કરી અને જવાબ આપ્યો કે એમના વિસ્તારમાં જાનમાલની હાનિ નથી પણ વીજળીનો પૂરવઠો અટક્યો હોવાથી સંપર્ક થઈ શકતો નથી. ભાઈને ધરપત થઈ. આ એપનું નામ છે ટ્વિટરીસ. તે સોશ્યલ મીડિયાનું એનાલિસિસ કરીને ઉપયોગી સંકલન કરે છે.
કે-હેલ્થ નામની એપ અસ્થમાના દર્દીનું સતત ધ્યાન રાખે છે. એ જ્યાં રહે અથવા જાય ત્યાંના વાતાવરણનું સતત નિરીક્ષણ કરે અને દર્દી પર થતી અને થનાર અસર દર્દીને જણાવે છે. જરૂર પડ્યે ડોક્ટરને સીધી જાણ પણ કરે.
આ બધી એપના સંશોધન માટે અમિતને અત્યાર સુધી ૩૪૦ લાખ ડોલરની ગ્રાન્ટ મળી છે. ડો. અમિત શેઠના પુસ્તકો અને સંશોધન નિબંધોના કુલ મળીને ૬૦૦ જેટલાં પ્રકાશન છે. અમિતને ત્રણ-ત્રણ વિશ્વવિખ્યાત સંસ્થાની ફેલોશિપ પ્રાપ્ત છે. સંખ્યાબંધ દેશોમાં તેઓ કોન્ફરન્સમાં અને પરિસંવાદોમાં પ્રવચન માટે ગયા છે. ૫૬ જેટલી કોન્ફરન્સના તેઓ મુખ્ય વક્તા હતા. આવા અમિત શેઠ ગુજરાતનું ગૌરવ છે.