મંદિર એક એવું સુંદર મનોહર સ્થાન છે જેમાં આપણે પ્રભુના દિવ્ય સ્વરૂપનાં દર્શનાર્થે જઇએ છીએ. એમાં સ્થાપિત મનોહારી મૂર્તિનાં સુંદર મુખારવિંદનાં દર્શન કરી આપણના મનને ઘણી જ શાંતિ મળે છે, સાથે સાથે દિવ્ય આનંદ અનુભવીએ છીએ. મંદિરે ભગવાનનાં દર્શને આવતાં આપણે આપણું ઘર ભૂલી જઇએ છીએ અને મનની બધી જ વ્યથા દૂર થાય છે.
મંદિરે જતા આપણને ભગવાનનાં ગુણાનુવાદ, સત્સંગ, કથાવાર્તા, કિર્તન અને ભગવાનની મહિમાનાં, સંતો દ્વારા પ્રવચનોનો દુર્લભ લાભ પ્રાપ્ત થાય છે. આપણો ધર્મ, આપણી સંસ્કૃિત, પરંપરા અને આપણી ભાષા સચવાય રહે એ માટે મંદિરે નિયમિતપણે સભામાં આવવાથી લાભ પ્રાપ્ત થાય છે.જીવનમાં સત્સંગ, ભક્તિ અને સંતોના સમાગમની જરૂર છે.
શરૂઆતમાં ઇસ્લીંગટનમાં BAPS સ્વામિનારાયણ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. એ પછી નીસડનના મેડોવ ગાર્થ પર જ્યાં હાલમાં "શાયોના રેસ્ટોરન્ટ અને શાયોના શોપ્સ" છે તે જગ્યાએ મંદિરની સ્થાપના કરવામાં આવી. ત્યારબાદ એની બાજુમાં જ વિશાળ જગ્યાએ પૂ. પ્રમુખસ્વામી મહારાજશ્રીના વરદહસ્તે ૧૯૯૫માં અદભૂત શિખરબધ્ધ મંદિરની સ્થાપના કરવામાં આવી. આ મંદિરે આવવાથી સત્સંગ-કિર્તન અને ભક્તિમય જ્ઞાનથી, સંતોના સંગથી અને પૂ. સ્વામીબાપાના આશીર્વાદથી તેમજ અમારા પ.પૂ.ગુરૂદેવ સ્વામી શ્રી સત્યમિત્રાનંદ ગિરીજી મહારાજના આશીર્વાદથી અમારા જીવનમાં ઘણું જ પરિવર્તન થયું છે અને ભક્તિમાર્ગમાં અમે આગળ આવ્યાં છીએ, અમારું જીવન ભક્તિમયી બનતાં ધન્યતા અનુભવીએ છીએ. વાર તહેવારે મંદિરમાં ઘણા જ ઉત્સાહ અને ધામધૂમથી આપણા પર્વ, ઉત્સવો ઉજવાય છે જેમાં નાનાં બાળકો, યુવાનો પણ ખુબ જ ઉમંગભેર ભાગ લે છે. દિવાળી અને નૂતન વર્ષના પાવન પ્રસંગે હરિભક્તો અને વોલીંટીયર ભાઇ-બહેનો નિ:સ્વાર્થભાવે રાતદિવસ ઘણી મહેનત કરીને, સૌના સહયોગ સાથે સુંદર, મનોહારી, ભવ્ય અન્નકૂટની સજાવટ કરે છે. એ ભવ્યાતિભવ્ય મનોહારી અન્નકૂટના દર્શને હજારોની સંખ્યામાં દૂર દૂરથી જનમેદની ઉમટે છે. અમે ઘણા જ આનંદ વિભોર બની ભગવાન સમક્ષ સજાવેલા અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવીએ છીએ, અમારું દિલ ખુબ જ ભાવવિભોર બને છે.
પ્ર.બ્ર. પૂ. યોગીબાપાના સંકલ્પને સાકાર બનાવી પ્ર.બ્ર. પૂ. પ્રમુખસ્વામીએ નીસડનના આ મંદિરને વિશ્વની એક અજાયબી સમું દેવસ્થાન બનાવ્યું છે. આ સંગેમરમરના શિખરબધ્ધ મંદિરના થાંભલા અને ઘૂમ્મટને આપણા ભારતીય શિલ્પકારોએ અદભૂત રીતે કોતરકામ કરી કંડાર્યા છે એટલું જ નહિ પણ લાકડાની હવેલીમાં જે રીતે અજાયબી પમાડે એવું કોતરકામ કર્યું છે એ જોઇ સૌ કોઇ આશ્ચર્યચક્તિ બને છે. એનો વિશાળ સભાખંડ જેમાં એકસાથે ૨૫૦૦-૩૦૦૦ હરિભક્તો બેસી શકે છે એના સુંદર, સુશોભિત ભવ્ય સ્ટેજ પર સંતોની પરંપરાની મૂર્તિઓ અને ભગવાનશ્રી સહજાનંદ સ્વામીની મનોહારી મૂર્તિઓને સુંદર શણગારથી સજાવવામાં આવી છે. સાથે સાથે અા મંદિરમાં સુવેનિયર શોપ, હિન્દુઇઝમ એકઝીબીશન, નીલકંઠ મહારાજનો અભિષેક હોલની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરે આ સપ્તાહે ૨૫ વર્ષ (રજત જયંતિ)ની ઉજવણીનું ઓનલાઇન પ્રસારણ કરીને સૌ સત્સંગીઓને ઘેરબેઠાં પૂજા-સત્સંગનો જે લાભ આપ્યો એથી સૌ ધન્યતા અનુભવે છે.