રક્ષાબંધનનું ઐતિહાસિક મહત્ત્વ અને સાચો અર્થ

સુરેશ અને ભાવના પટેલ Tuesday 13th August 2024 13:53 EDT
 

સમગ્ર વિશ્વમાં રક્ષાબંધનનો પવિત્ર હિન્દુ તહેવાર દિવ્ય અને આધ્યાત્મિક માર્ગે આશીર્વાદ પ્રાપ્ત કરવા વિવિધ પૂજાપાઠ સાથે ઉત્સવના ઉત્સાહ સાથે ઉજવાય છે. આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 19 ઓગસ્ટ, 2024ના દિવસે આવે છે.

રક્ષાબંધનનો તહેવાર ઐતિહાસિક મહત્ત્વ પણ ધરાવે છે. હિન્દુ પુરાણો અને ઈતિહાસ અનુસાર લગભગ 5000 કરતાં વધુ વર્ષ પહેલા રાણી દ્રૌપદીએ લડાઈમાં પડેલા જખમમાંથી લોહી વહેતું અટકાવવા ભગવાન શ્રી કૃષ્ણના કાંડા પર પોતાની સાડી ફાડીને ટુકડો બાંધ્યો હતો. દ્રૌપદીની આ ચેષ્ટાથી પ્રસન્ન થયેલા કૃષ્ણે જ્યારે પણ જરૂર પડે ત્યારે તેની રક્ષા કરવાનું વચન આપ્યું હતું.

આ પવિત્ર દિવસે બહેન-ભાઈના ગાઢ સંબંધોના પ્રતીકરૂપે બહેન તેના ભાઈના કાંડા પર રાખી બાંધે છે જ્યારે ભાઈઓ તેમને બદલામાં ભેટ અને સહાયનું વચન આપે છે. આ સંબંધ માત્ર જન્મ થકી સગપણનો હોય તે આવશ્યક નથી. દરેક બહેન તેમના ભાઈની પસંદગી કરી શકે છે. આ ઉત્સવ ભાઈ-બહેનના શાશ્વત પ્રેમનું પ્રતીક છે જેમાં લોહીનો સંબંધ જરૂરી રહેતો નથી. પિતરાઈઓ, નણંદ-ભાભી, ફોઈ અને ભત્રીજા તેમજ આવા ઘણા સંબંધો થકી પણ આ તહેવાર ઉજવાય છે.

ભૂતકાળમાં રક્ષાબંધન તહેવારની ઊજવણી ભાઈ અને બહેનના સંબંધો પૂરતી મર્યાદિત રહી હતી. વર્તમાન અલગ છે. શું તમે નથી માનતા કે આપણા જીવનમાં અલગ અલગ લોકો સાથે આપણા સંબંધો વિશેષ મહત્ત્વ ધરાવે છે અને તેમાંના દરેક આપણી રક્ષા કરવા હાજર રહે છે. આ બધા લોકો આપણી રક્ષાનું કવચ છે. આથી આ બધા જ લોકો સાથે રક્ષાબંધનની ઊજવણી કરીએ તે જ રક્ષાબંધનનો સાચો અર્થ છે. પેરન્ટ્સ, ગ્રાન્ડપેરન્ટ્સ, શ્રેષ્ઠ મિત્રો, સૈનિકો, શિક્ષકો, પડોશીઓ, સહકાર્યકરો, સંતાનો અને ગ્રાન્ડચિલ્ડ્રન અને આ યાદી વધતી જ જઈ શકે છે.

સામાન્ય રીતે ભાઈ પરણેલો હોય અને દૂર રહેતો હોય તો શક્ય હોય તો બહેન ભાઈના ઘેર જાય છે અથવા પોસ્ટ દ્વારા રાખી કાર્ડ સાથે રાખી મોકલી આપે છે. બદલામાં ભાઈ તેમના સ્નેહના પ્રતીકરૂપે બહેનને ભેટ અથવા નાણા મોકલી આપે છે, સાથે જ જરૂર પડે બહેનના રક્ષણનું વચન આપે છે!

અમે ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના વિશ્વભરમાં ફેલાયેલા વાચકો અને તેમના સમર્પિત સ્ટાફ અને તેમના પરિવારોને પવિત્ર, આનંદી અને દિવ્ય રક્ષાબંધન અને શ્રાવણ માસની શુભેચ્છા પાઠવીએ છીએ.

સુરેશ અને ભાવના પટેલ

મારખમ, કેનેડા


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter