મુક્તજીવનદાસ સ્વામીબાપાઃ પુરુષોત્તમદાસ પટેલ

દેશવિદેશે ગુજરાત

પ્રા. ચંદ્રકાંત પટેલ Monday 25th June 2018 05:02 EDT
 
 

અમદાવાદના મણિનગર વિસ્તારમાં ૧૯૬૬માં ભગવાન સ્વામીનારાયણ અને સંત મુક્તજીવનદાસની મૂર્તિઓની શોભાયાત્રામાં હજારો હરિભક્તો હતા. આ શોભાયાત્રા કૃષ્ણબાગ નજીક આવતાં મૂર્તિઓમાંથી પરસેવાના ટીપાં ટપકવા લાગ્યાં. મૂર્તિ એ જ ભગવાન માનતા લોકો માટે ચમત્કાર હતો. બરાબર આ જ સમયે નૈરોબીમાં નીકળેલી શોભાયાત્રામાં મુક્તજીવનદાસજી સદેહે હતા. ઠંડી હતી અને બધાંએ ગરમ કપડાં પહેર્યાં હતા, છતાં મુક્તજીવનદાસજીને પરસેવો થતો હતો અને અવારનવાર મોં લૂછવું પડતું હતું. ભક્તોને થતું સ્વામીબાપાને ઠંડીમાં પરસેવો કેમ થતો હશે? મુક્તજીવનદાસજીને તેમના સત્સંગીઓ જીવનપ્રાણ સ્વામીબાપાના નામે સંબોધતા. તેમના નામે આવા ઘણા ચમત્કાર ચર્ચાય છે.

મુક્તજીવનદાસજી ખેડાના મૂળજીભાઈ પટેલ જે મહીજ ગામમાં તલાટી હતા તેમના પુત્ર. મુક્તજીવનદાસનું નામ પુરુષોત્તમદાસ. મૂળજીભાઈ અને ઈચ્છાબહેનનો એક પુત્ર બાળપણમાં મરણ પામેલ. ઈચ્છાબહેનની પુત્રની પ્રબળ ઝંખના એક યોગીના આશીર્વાદે પૂરી થઈ અને ૧૯૦૭માં પુરુષોત્તમદાસનો જન્મ થયો.
નાનપણમાં બાળ પુરુષોત્તમદાસ મિત્રો સાથે વાત્રક તટે રમવા જાય. નદીની રેતીમાં મંદિર બનાવી, મૂર્તિ પધરાવી, ધૂપ-દીપથી પ્રભુને રાજી કરવા મથતા. મિત્રો રેતીના ઢગલાનું સિંહાસન કલ્પીને બાળ પુરુષોત્તમને તેની પર બેસાડે. પુરુષોત્તમ સ્વામીનારાયણ ભગવાન અને તેના અવતારોની વાત કહે. નિશાળમાં તે ચાંદલો કરીને જાય. રોજ મંદિરની આરતીમાં અચૂક હાજર રહે અને સુમધુર કંઠે ભજનો ગાય.
અમદાવાદમાં હાઈસ્કૂલમાં ભણવા ગયા. છાત્રાલયમાં રહ્યા. આજ્ઞાપાલક, નિયમપાલક અને હોંશિયાર પુરુષોત્તમ ગૃહપતિના માનીતા હતા. મેટ્રિક થઈને મુંબઈમાં કાપડના વેપારીની પેઢીએ નોકરીમાં રહ્યા. ઉઘરાણીનું કામ મીઠી ભાષામાં કરે અને સારી વસૂલાત લાવે. આથી બીજા વેપારી વધારે પગારે રાખવા માગે. પુરુષોત્તમદાસ જૂના શેઠને વફાદાર રહ્યા. શેઠ અપુત્ર તેથી તેઓ પુરુષોત્તમદાસને દત્તક લેવા ઈચ્છતા પણ ધનલોભથી એ દત્તક જવા તૈયાર ના થયા.
પુરુષોત્તમ મુંબઈમાં રોજ મંદિરમાં હરિદર્શને જતા. જાતે બનાવીને જમતા. મંદિરમાં હરિભક્તોએ તેમના સત્સંગમાં જોડાવા આમંત્રણ આપ્યું. પુરુષોત્તમ બીજા દિવસે નક્કી સમયે સત્સંગમાં પહોંચ્યાં. અહીં કથા પૂરી થતાં દરેકે યાદ રહ્યું હોય તે બોલવાનો રિવાજ. પહેલા દિવસે પુરુષોત્તમે સમગ્ર કથાનો સાર કહ્યો. આથી એમને જ કથા વાંચવાનું કહ્યું. પુરુષોત્તમે પૂછ્યું, ‘આ કોણે લખ્યું છે?’ જવાબ મળ્યો, ઈશ્વરચરણદાસજીએ...
સત્સંગમાં ઈશ્વરચરણદાસજીએ લખેલી કથા વાંચતાં પુરુષોત્તમ ભાવમાં ભીંજાયાં. તેમણે મનોમન ઈશ્વરચરણને ગુરુ માન્યા. તેમની નોકરી મુંબઈમાં હતી. જાણ્યું ઈશ્વરચરણદાસજી અમદાવાદ સરસપુર મંડળના ગાદીપતિ છે. પુરુષોત્તમદાસજીને હવે ગુરુ દર્શનની લગની લાગી. શેઠ પાસેથી ગુરુ દર્શને જવાની રજા ન મળતાં તેમણે જવાનું મુલત્વી રાખ્યું.
જોકે, ગુરુ ઈશ્વરચરણદાસજીને મળવાની ઉત્કટ લાગણીને લીધે નોકરી છોડીને તેઓ ગુરુના દર્શને પહોંચ્યાં. આ પછી તેમણે ગુરુને કહ્યું, ‘હવે આફ્રિકા જવાની ઈચ્છા છે.’ ગુરુ કહે, ‘આફ્રિકા જવાનું ઘણી વાર થશે. હાલ તો અહીં રોકાઈ જાવ.’
ખેડામાં વાયરે વાત ફેલાઈ કે, ‘મૂળજીભાઈનો દીકરો પુરુષોત્તમદાસ સાધુ થનાર છે.’ ગામના પાટીદારો અને સગાંને પુરુષોત્તમદાસ સાધુ થાય તેમાં પોતાનું ગૌરવ લાગ્યું. બધાંએ ભેગા થઈને સન્માન કરીને ભાવભરી વિદાય આપી. ઈશ્વરચરણદાસજીએ પુરુષોત્તમદાસને સાધુ તરીકે દીક્ષા આપીને ‘મુક્તજીવનદાસજી’ નામ આપ્યું.
મુક્તજીવનદાસજી હવે દુન્યવી પળોજણમાંથી મુક્ત થયા. સ્વામી મુક્તજીવનદાસજી તરીકે જાણીતા થયા. ગુરુની આજ્ઞાથી ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રનાં ગામોમાં ધર્મપ્રસારાર્થે ઘૂમવા લાગ્યા. શિક્ષાપત્રી મુજબ જીવવાનો બોધ એ જ એમનો ધ્યેયમંત્ર. ‘હરિજ્ઞાનમૃત’ નામનો કાવ્યસંગ્રહ સરળ અને હૃદયસ્પર્શી ભાષામાં રચ્યો. તેની ઉદાહરણરૂપ પંક્તિઓ આ રહી.

‘નાની મોટી શ્રીજી આજ્ઞા, શૂરવીર થઈને પાળે રે,
કામક્રોધાદિ અંતરશત્રુ ગુરુમુખી થઈ ટાળે રે.’

માત્ર થોડા શબ્દોમાં જ સમગ્ર સંપ્રદાય નીચોડ આમ રજૂ કરતા.
મુક્તજીવનદાસજીનાં પ્રવચન સરળ, હૃદયસ્પર્શી અને લોકભોગ્ય હતાં. આથી તેમના અનુયાયી વધતા ગયાં. તેઓ કરાચીમાં ધર્મપ્રચાર માટે ગયા. તેમના અનુયાયી વધતાં બીજી વાર ગયાં. ત્યાં વચનામૃતનું પારાયણ સાત દિવસ માટે યોજ્યું. વધતી લોકપ્રિયતાથી તેજોદ્વેષીઓ પણ વધ્યા. તેમણે મંદિરમાં આવા પારાયણની પ્રણાલિકા નથી માટે વિરોધ કર્યો છતાં તેમણે નીડર બનીને પારાયણ પૂરું કર્યું. તેઓ આ પછી ભુજ ગયા અને ગામડાં ખૂંદ્યા. નવા નવા અનુયાયીઓ વધ્યા. આથી તેમની સામે સ્વામીનારાયણ સંપ્રદાયમાં અદેખાઈ વધતી ગઈ. ગુરુ ઈશ્વચરણદાસજી આ જાણતા હતા. તેમણે મુક્તજીવનદાસજીને આદેશ આપ્યો, ‘તારે કોઈની સાથે ભળ્યા વિના સત્સંગ અને મહાસભા સાચવવાના છે. સિદ્ધાંતમાં કદી સમાધાન ના કરતો.’
ઈશ્વચરણદાસજી બીમાર થયા ત્યારે મુક્તજીવનદાસજી કડીના મંદિરમાં સાધુ તરીકે સેવા કરતા હતા. ઈશ્વરચરણદાસજીની બીમારી વખતે મુક્તજીવનદાસજીએ એમની ખૂબ સેવા કરી હતી. ૧૯૪૨માં ઈશ્વરચરણદાસજીની વિદાય પછી મુક્તજીવનદાસજીએ સંપ્રદાયની જવાબદારી ઊઠાવી.
મુક્તજીવનદાસજીએ આ પછી ધર્મપ્રચારની ઝુંબેશ વેગીલી બનાવી. ગુજરાત અને ગુજરાત બહાર વસતા ગુજરાતીઓનો સંપર્ક કેળવ્યો. આને લીધે ગુરુના અવસાન પછી માત્ર બે જ વર્ષમાં મણિનગરમાં એમનું પ્રથમ મંદિર કર્યું. મંદિરની સાથે છાત્રાલય કર્યું. આને કારણે ગામડે વસતા અથવા જેને ભણવાની ભૂખ છે પણ રહેવા-જમવાની સગવડ નથી એવા વિદ્યાર્થીઓને છાત્રાલયમાં રાખતા. મુક્તજીવનદાસજી છાત્રાલયના વિદ્યાર્થીઓ અને સત્સંગીઓના જીવન અને આત્મા સાથે એવા ઓતપ્રોત થઈ ગયા કે બધા એમને જીવનપ્રાણ સ્વામીબાપા કહેતા થઈ ગયા.
મુક્તજીવનદાસજીની જીવનયાત્રામાં ૫૦ વર્ષ પૂરાં થતાં તેમની સુવર્ણજયંતી ઊજવાતાં જે ધન ભેગું થયું તેમાંથી મુક્તજીવન ટ્રસ્ટ રચાયું. ટ્રસ્ટમાં આવેલું ધન શિક્ષણકાર્યમાં વાપરવાની યોજના કરી. આમાંથી જ સ્વામીનારાયણ કોલેજ, સ્વામીનારાયણ હાઈસ્કૂલ વગેરે થયાં. સ્વામીનારાયણ સંપ્રદાયમાં સૌપ્રથમ ઉચ્ચ શિક્ષણ માટે પૈસા ખર્ચવાનો યશ મુક્તજીવનદાસજીને ઘટે છે. આ પછી મુક્તજીવનદાસજીની પ્લેટિનમ જયંતી ઊજવાઈ. તે નિમિત્તે ખૂબ ધન આવ્યું. ભારતમાં પ્લેટિનમથી તોળાયેલા પ્રથમ વ્યક્તિ અને સમગ્ર વિશ્વમાં તેઓ બીજી વ્યક્તિ હતા.
મુક્તજીવનદાસજીના નામે મોટાં દાન મળ્યા. અનુયાયીઓ તેમને સહજાનંદ સ્વામીનો અવતાર માનતા થયા પણ તે ના ફૂલાયા. ત્રણ વાગ્યે ઊઠીને એ ધ્યાન ધરતા પછી ભલે ટ્રેઈન, કાર, વિમાન કે ગાડાનો પ્રવાસ હોય.
૧૯૭૨માં તેમનો દેહાંત થયો. પછી પુરુષોત્તમપ્રિયદાસજી ગાદીપતિ બન્યા. તેમણે વિકાસયાત્રા ચાલુ રાખી. અમેરિકા, ઈંગ્લેન્ડમાં ભવ્ય મંદિર બનાવ્યાં. એક મંદિર નૈરોબીમાં હતું જ! દેશ-પરદેશમાં મુક્તજીવનદાસજીના લાખો અનુયાયીઓ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter