બીજી તરફ, બિહાર, ઉત્તર પ્રદેશ સહિતના જે રાજ્યોમાં ચૂંટણીઓ તોળાઇ રહી છે ત્યાં રાજકીય શતરંજ બિછાવવાની શરૂઆત થઇ ગયાનો પણ સંકેત આપે છે. જોકે વિસ્તરણમાં સૌથી ધ્યાનાકર્ષક બાબત છે મનોહર પાર્રિકર અને સુરેશ પ્રભુને અપાયેલું કેબિનેટ પ્રધાનપદું. પાર્રિકરને ગોવાનું મુખ્ય પ્રધાનપદ છોડાવી સંરક્ષણ મંત્રાલય સોંપાયું છે જ્યારે સુરેશ પ્રભુને રેલવે પ્રધાન બનાવાયા છે. પ્રભુ તો પ્રધાનમંડળ વિસ્તરણના ચાર-પાંચ કલાક પૂર્વે જ શિવ સેના છોડીને ભાજપમાં જોડાયા હતા! સક્ષમ પ્રશાસકની છાપ ધરાવતા આ બન્ને નેતા એટલી સ્વચ્છ ઇમેજ ધરાવે છે કે વિરોધીએ પણ તેમની સામે આંગળી ઉઠાવતા પહેલાં બે વખત વિચારવું પડે. અલબત્ત, પાર્રિકર કે પ્રભુ - બેમાંથી કોઇ પણ લોકસભા કે રાજ્યસભાના સભ્ય ન હોવાથી ટીકાકારોને એવું બોલવાનો મોકો મળી ગયો છે કે મોદીને તેમના ૩૩૬ સાથી સાંસદોમાંથી એક પણ વ્યક્તિ એવી ન મળી કે ‘સંસદ ગૃહ બહારથી’ પ્રધાન લાવવા પડ્યા? જોકે આ બન્ને નેતાની પસંદગીનું એક કારણ કદાચ એ છે કે પાર્રિકર આઇઆઇટી ગ્રેજ્યુએટ છે તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સુરેશ પ્રભુ આર્થિક બાબતોના નિષ્ણાત છે. મોદીએ સંરક્ષણ અને રેલવે જેવા મહત્ત્વના (અને ભ્રષ્ટાચાર માટે કુખ્યાત) મંત્રાલય માટે ઉચ્ચ શિક્ષિત અને ક્લિન ઇમેજ ધરાવતા નેતાઓ પસંદ કરીને બન્ને ક્ષેત્રોના વિકાસનો રાજમાર્ગ તૈયાર કરી નાખ્યો છે. એ વાત અલગ છે કે મોદીએ પ્રભુને પ્રધાનમંડળમાં સ્થાન આપીને પક્ષના અઢી દસકા જૂના સાથી - અને આમ પણ વંકાયેલા - શિવ સેનાને વધુ છંછેડવાનું કામ કર્યું છે. દિલ્હીના આ નિર્ણયની અસર મહારાષ્ટ્રના રાજકારણમાં જોવા મળે તો નવાઇ નહીં.
પ્રધાનમંડળનું વિસ્તરણ દર્શાવે છે કે એક કરતાં વધુ મહત્ત્વના મંત્રાલયો સંભાળતા કેટલાય પ્રધાનોનો કાર્યબોજ હળવો કરવાની સાથે સાથે રાજકીય સંતુલન સાધવાનો પણ પ્રયાસ થયો છે. ૨૧ નવા પ્રધાનોને સામેલ કરવામાં મોદીએ એ રાજ્યોને ખાસ નજરમાં રાખ્યા છે જ્યાં વિધાનસભા ચૂંટણીઓ તોળાઇ રહી છે. જેમ કે, બિહારમાં આવતા વર્ષે ચૂંટણીઓ યોજાવાની હોવાથી રાજીવ પ્રતાપ રુડી, ગિરિરાજ સિંહ અને રામ કૃપાલ યાદવ જેવા નેતાઓને પ્રધાનમંડળમાં સ્થાન અપાયું છે. લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપમાં જોડાયેલા રામ કૃપાલ યાદવ એક સમયે લાલુ પ્રસાદના ‘હનુમાન’ તરીકે ઓળખાતા હતા. હવે મોદી કેબિનેટમાં તેમનું સ્થાન બિહારમાં ભાજપની યાદવ મતબેન્ક મજબૂત બનાવશે. ભાજપે બિહારમાં લોકસભા ચૂંટણીમાં સારો દેખાવ કર્યો હતો, પરંતુ થોડાક સમય પછી જ યોજાયેલી પેટા-ચૂંટણીમાં પક્ષને નીતિશ-લાલુના ગઠબંધન સામે પછડાટ ખમવી પડી હતી. ભાજપ હવે રાજ્યમાં પાયો મજબૂત બનાવવા માગે છે.
દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં પણ બે વર્ષ પછી વિધાનસભા ચૂંટણીઓ યોજાશે. ભાજપે અહીં લોકસભા ચૂંટણીમાં અત્યાર સુધીમાં સર્વશ્રેષ્ઠ દેખાવ કરતાં ૮૦માંથી ૭૧ બેઠકો કબ્જે કરી હતી. હવે તેનું લક્ષ્ય રાજ્યમાં સત્તા હાંસલ કરવાનું છે. એક સમયે રાજ્યમાં ભારે વર્ચસ ધરાવતી માયાવતીની બસપા (બહુજન સમાજવાદી પાર્ટી) છેલ્લી લોકસભા ચૂંટણીમાં લગભગ કોરાણે ધકેલાઇ ગઇ છે અને હાલ રાજ્યમાં શાસન સંભાળતા મુલાયમ સિંહના સમાજવાદી પાર્ટી (સપા)ના શાસન સામે લોકોમાં અસંતોષ છે. આ સંજોગોમાં ભાજપ માટે જ્વલંત દેખાવ કરવાના ઉજળા સંજોગો છે. સ્વાભાવિક છે કે ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણી ભાજપ માટે સોનેરી તક લઇને આવશે. આથી મોદીએ અહીંથી મુખ્તાર અબ્બાસ નક્વી, મહેશ શર્મા, રામશંકર કઠેરિયા અને સાધ્વી નિરંજન જ્યોતિને પ્રધાન બનાવીને રાજકીય સમીકરણ સાધવાની કોશિશ કરી છે. હરિયાણામાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપમાં જોડાયેલા હરિયાણાના કદાવર જાટ નેતા ચૌધરી વિરેન્દ્ર સિંહના યોગદાનને પણ પ્રધાનપદ આપીને બિરદાવાયું છે. ઝારખંડમાં નવેમ્બર-ડિસેમ્બરમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની હોવાથી નરેન્દ્ર મોદીએ અહીંથી ભાજપના પીઢ નેતા યશવંત સિંહાના ઉચ્ચ શિક્ષિત પુત્રને સ્થાન આપીને પ્રદેશને પ્રતિનિધિત્વ આપવા પ્રયાસ કર્યો છે.
લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં ભાજપે બે બેઠકો હાંસલ કરીને રાજકીય વિશ્લેષકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. ભાજપના આ વિજયમાં ગાયકમાંથી રાજકીય નેતા બનેલા બાબુલ સુપ્રિયોનું મહત્ત્વનું પ્રદાન છે. એક સમયે સામ્યવાદીઓના અને હવે તૃણમૂલ કોંગ્રેસનો ગઢ ગણાતા પશ્ચિમ બંગાળમાં પોતાનો જનાધાર વિસ્તારવા ભાજપે કમર કસી છે તે વાતનો સંકેત સુપ્રિયોની પસંદગીમાં જોવા મળે છે. નરેન્દ્ર મોદીએ પ્રધાનમંડળના વિસ્તરણ વેળા દાખવેલી દૂરંદેશી કોંગ્રેસ સહિતના વિપક્ષની ઊંઘ હરામ કરી નાખે તો નવાઇ નહીં.