પ્રિય વાચકમિત્રો,
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ભારતીય પાર્લામેન્ટ સમક્ષ મૂકેલાં સિટિઝનશિપ એમેન્ડમેન્ટ બિલ (CAB)ને પસાર થયાને મહિનાથી વધુ સમય વીતી ગયો છે. આ સમાચારે વિશ્વભરમાં હલચલ મચાવી છે. ભારતમાં આ મુદ્દે દેખાવો, વિરોધ અને કમનસીબે ઘણા સ્થળે હિંસા પણ યથાવત છે. આજે ટોરોન્ટોમાં પણ CAB વિવાદનો મુદ્દો બની રહ્યો છે. વાસ્તવમાં, કેનેડામાં બિલ વિરુદ્ધ શાંતિમય વિરોધ અને દેખાવો જોવાં મળેલાં છે. હવે વધુ વિરોધપૂર્ણ દેખાવો ન હોવાં છતાં, આ મુદ્દો રોજિંદા જીવનમાં વિવાદનો હિસ્સો બની જ રહ્યો છે. તે એવા તબક્કે પહોંચ્યો છે કે તમે માત્ર ભારતીય ઉપખંડના હોવાથી જ મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ ‘દેશના મુસ્લિમો સાથે શું કરવાનો ઈરાદો રાખે છે’ની લાંબી ચર્ચાઓ શરૂ થઈ જાય છે.
કેનેડામાં ભારતીય ડાયસ્પોરાની નોંધપાત્ર વસ્તી છે. આથી, ભારતમાં કશું પગલાં લેવાય તેના તત્કાળ પડઘા ગ્રેટ નોર્થના નગરો અને ઉપનગરોમાં પડવાનું શરૂ થઈ જ જાય છે. માત્ર કોમ્યુનિટી નહિ, મુખ્ય પ્રવાહના રાજકારણીઓ પણ વિવાદમાં જોડાઈ જાય છે. વિપક્ષના નેતા, ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી ()ના જગમીત સિંહે પણ ટ્વીટર મારફત CAB વિરુદ્ધ ઉભરો ઠાલવ્યો છે. તેમણે લખ્યું કે,‘ભારત સરકારનો નવે સિટિઝનશિપ એમેન્ડમેન્ટ કાયદો હેતુપૂર્વક મુસ્લિમો અને અન્ય લઘુમતી કોમ્યુનિટીઓ સાથે ભેદભાવ કરે છે. આ ખોટું જ છે અને તેને વખોડવો જ જોઈએ. વધતા તિરસ્કાર અને ધ્રૂવીકરણના સમયમાં સરકારોએ લોકોને વિભાજિત કરવા નહિ પણ, એકસંપ કરવા કામ કરવું જોઈએ.’
આ બિલની જાહેરાત થઈ ત્યારથી જ ચાલી રહેલાં મોટા નાટકો સંદર્ભે આજ સુધી મેં મોં બંધ જ રાખ્યું છે. આ જોગવાઈમાં મુસ્લિમોને દૂર રખાયા તે હકીકત મને ગમી છે? ના, જરા પણ નહિ. મને લાગે છે કે મુસ્લિમ પ્રભુત્વના દેશોમાં મુસ્લિમો પરના અત્યાચારોને વિશ્વ ઓછાં આંકી રહ્યું છે.
જોકે, બહુમતી વિરોધીઓમાં અન્ય મોટાં જૂથોની હાજરી જણાતી નથી અને તેનાથી મને લાગી આવે છે. CAB અથવા કહીએ તો ‘અમિત શાહના CAB’માં શ્રી લંકાના તામિલ નિર્વાસિતો અથવા તિબેટના બૌદ્ધ શરણાર્થીઓનો ઉલ્લેખ જ નથી. જો આપણે ભેદભાવની કાગારોળ મચાવતા હોઈએ તો, આ કોમ્યુનિટીઓનો સમાવેશ ન થવા વિશે કોઈ અવાજ શા માટે ઉઠાવાતો નથી?
જરા વિચારો! CAA વિરોધી દેખાવોથી પ્રેરાઈને દેશના કાશ્મીરી હિન્દુઓએ તેમના વતન – ધ વેલીમાં પોતાના અધિકારોની માગણી સાથે વિરોધો યોજ્યા. નાનકડા ઈંડાના પ્રોફાઈલ પિક્ચર સાથે કોઈએ અધકચરા જ્ઞાનના આધારે ટ્વીટ મોકલ્યું તેને લઈ શેરીઓમાં ઉતરી પડવાના પરિણામો વિશે એક મિનિટ વિચારો તો ખરા. ભારતીય કેનેડિયનો કેનેડામાં બીજા ક્રમનું સૌથી વિશાળ ઈમિગ્રન્ટ જૂથ છે જેમાં, અડધાથી વધુ તો સિટિઝન અથવા પરમેનન્ટ રેસિડેન્ટ તરીકે અહીં વસે છે અને બાકીના વિદ્યાર્થીઓ છે. તેમનો પ્રભાવ સમગ્ર દેશમાં અને પડોશના યુએસમાં પણ પડે છે. ભારતમાં આ બિલની વિરુદ્ધ સંખ્યાબંધ પિટિશનોની સુનાવણી ૨૨ જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટમાં હાથ પર લેવાઈ હતી. તમારે ખુશ થઈ જવાની જરૂર નથી કારણકે સરકારને સાંભળ્યા વિના મોદી-શાહના CAB બિલ પર મનાઈહુકમ આપવાનો ઈનકાર કરી દીધો છે. આથી, કોણ નાગરિકતા માટે અરજી કરી શકે છે તે સંબંધિત નિયમો તેમજ અન્ય વિગતો હોમ મિનિસ્ટ્રી જાહેર કરી શકે છે.
એક વાત તો સાચી છે કે નોર્થઈસ્ટમાં અપેક્ષિત વિરોધો સાથે કામ પાર પાડવા સરકારે સારી તૈયારી કરવી જોઈતી હતી. બીજી વાત એ છે કે ભાજપને મત આપનારા ખરેખર અંધ છે? ચૂંટણીઓ દરમિયાન જ પાર્ટી મેનિફેસ્ટોમાં CAB ને સામેલ કરી મોદી અને શાહે પોતાના ઈરાદાનો સંકેત આપી દીધો હતો. આ સિવાય પણ મોદી ૨૦૧૪માં પ્રથમ સત્તા પર આવ્યા ત્યારથી આ બાબતે સંકેતો મળતા જ રહ્યા છે. એક રીતે તો, મોદીને મત આપનારાએ શા માટે ખુશ ન થવું જોઈએ કે ચૂંટાયેલી સરકાર ચૂંટણી દરમિયાન આપેલા વચનો પર કામ કરી રહી છે? વિપક્ષના નબળા અને અસંબદ્ધ પ્રભાવ વિશે મને વધુ બોલાવશો નહિ. તેમણે તો સામાન્ય દેખાવોને પાંગળા અને ગૂંચવાડાપૂર્ણ બનાવી દીધા છે. આનાથી તદ્દન વિપરીત, તમે આ મુદ્દે ભાજપની ચોક્કસતા અને મક્કમતાને જોઈ શકો છો.
જ્યાં સુધી ભારત સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કે પગલાં ભારતીય બંધારણને સુસંગત મૂળભૂત કાયદાને અનુરુપ રહે ત્યાં સુધી વધારે કશું કહેવા જેવું નથી. હવે એક માત્ર માર્ગ તમારો મત આપવાની આગામી તક સુધી રાહ જોવાનો જ રહે છે.
અન્ય કોઈ પણ પગલાંની માફક જ CAB નો અમલ પણ મોદી-શાહની ધડાકા સાથેની શૈલીમાં જ કરાયો છે. ‘નમો’એ સત્તાના સૂત્રો સંભાળ્યાને લગભગ છ વર્ષ થવા આવ્યા છે અને આમ છતાં, તેમના દરેક પગલાથી લોકોમાં હલચલ મચી જાય છે. વર્તમાન વિપક્ષને ધ્યાનમાં રાખી મારે તમને એક સૂચન કરવાનું છે કે જો તમે ખરેખર આશ્ચર્ય પામવા ઈચ્છતા હો તો આગામી ચૂંટણીમાં રાહુલ ગાંધીને મત આપજો.