યુરોપિયન યુનિયન અને ભારતના સંદર્ભે એકીકરણના પડકારો

આનંદ પિલ્લાઈ Wednesday 29th June 2016 11:01 EDT
 
 

ઈયુ રેફરન્ડમના પરિણામે યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ યુરોપની રચના સંદર્ભે બ્રિટિશ મતદારોની મૂળભૂત ચિંતા ઉજાગર કરી છે.

પ્રતિષ્ઠિત પ્રતીક સમાન સર વિન્સ્ટન ચર્ચિલે તેમના ૧૯૪૬ના પ્રસિદ્ધ ઝ્યુરિચ સંબોધનમાં યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ યુરોપની રચનાની હાકલ કરી હતી અને તેમણે ૧૯૪૮માં હેગ ખાતે પ્રથમ યુરોપિયન ફેડરલ કોંગ્રેસનું અધ્યક્ષસ્થાન પણ સંભાળ્યું હતું. તેઓ અખંડ યુરોપના પાયારુપ પ્રણેતાઓમાંના એક હતા. તેમણે એવા વિચારો અને ઘટનાઓને ગતિશીલ બનાવ્યા હતા, જે આગળ જઈને યુરોપિયન યુનિયનમાં વિકસવાના હતા.

ઝ્યુરિચ સંબોધનમાં ચર્ચિલે કહ્યું હતું કે ‘હું આજે તમને યુરોપની કરૂણતા વિશે જણાવવા માગુ છું. આ ઉમદા ખંડ.... જો યુરોપ તેના સામાન્ય વારસાની ભાગીદારી કરવામાં એક સંપ રહ્યો હોત તો ખુશી, સમૃદ્ધિ અને ૩૦૦થી ૪૦૦ મિલિયન લોકો માણી શકે તેવા ગૌરવનો કોઈ પાર રહ્યો ન હોત.... આપણે પ્રાદેશિક માળખામાં યુરોપિયન પરિવારનું નવસર્જન કરવું જોઈએ જેને આપણે યુનાઇટેડ સ્ટેટસ ઓફ યુરોપ કહી શકીએ. આ દિશામાં પ્રથમ વ્યવહારું પગલું કાઉન્સિલ ઓફ યુરોપની રચના કરવાનું રહેશે. જો યુરોપના તમામ રાજ્યો સંઘમાં જોડાવા ઇચ્છતા ન હોય અથવા તો જોડાઈ ન શકે તો આપણે જેઓ જોડાવા માગતા હોય અને જોડાઈ શકે તેવા હોય તેમને એકત્ર અને સંયુક્ત કરવાની દિશામાં આગળ વધવું જોઈએ.’

યુરોપિયન કાઉન્સિલની સ્થાપના મે ૫, ૧૯૪૯ના દિવસે થઈ હતી. બે વર્ષ પછી ૧૯૫૧માં સમગ્ર યુરોપ માટે કોલસા અને સ્ટીલ માટે ઔદ્યોગિક સમૃદ્ધિ થઈ હતી. જેનાથી તહસનહસ થઈ ગયેલાં યુરોપના પુનઃ નિર્માણના બ્લોક્સ સર્જાયા હતા. (યુરોપિયન કોલ એન્ડ સ્ટીલ કોમ્યુનિટીની સ્થાપના કરતી સંધિ પર એપ્રિલ ૧૮, ૧૯૫૧ના દિવસે હસ્તાક્ષર થયાં હતાં.) આ ઔદ્યોગિક સમજૂતી વ્યાપકપણે માર્ચ ૨૫, ૧૯૫૭માં યુરોપિયન ઈકોનોમિક કોમ્યુનિટીની સ્થાપનાનો પાયો બની હતી.

એ સમયે યુકેને યુરોપિયન ઇકોનોમિક કોમ્યુનિટીમાં સ્થાન આપવા સામે ફ્રાન્સને થોડો વાંધો હતો. આથી, યુકેએ ૧૯૬૧માં તેમાં જોડાવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ફ્રાન્સનો અવરોધ ફરી નડ્યો હતો. (યુકેને જાન્યુઆરી ૨૨, ૧૯૭૨ના દિવસે યુરોપિયન ઇકોનોમિક કોમ્યુનિટીમાં સ્થાન મળ્યું હતું.) આ સમયે પણ કેટલાક બ્રિટિશરો પણ તેમનો દેશ યુરોપિયન યુનિયનમાં જોડાય તેવા વિચાર અંગે થોડા નાખુશ હતા.

બ્રિટિશ પ્રાઈમ મિનિસ્ટર સર એડવર્ડ હીથ ૧૯૭૨માં યુરોપિયન કોમન માર્કેટમાં સામેલ થવાની બ્રિટનની સંધિ પર સહી કરવા આવી પહોંચ્યા ત્યારે તેમના ચહેરા પર શાહી પણ ફેંકવામાં આવી હતી.

યુકેના યુરોપિયન કોમ્યુનિટીમાં સામેલ થવા અંગે ૧૯૭૩ના નવા વર્ષના દિવસે સત્તાવાર માન્યતા પ્રાપ્ત થઈ હતી. પરંતુ બ્રિટનમાં તેનો વિવાદ રહ્યો જ હતો અને ૧૯૭૫ સુધીમાં તો બ્રિટિશરો તેના વિશે એટલા મૂંઝવણમાં હતા કે તેમણે પ્રવેશ મેળવ્યા પછી થોડા જ સમયમાં યુરોપિયન કોમ્યુનિટીમાંથી બહાર નીકળવું કે નહીં તેના વિશે નેશનલ રેફરન્ડમ યોજ્યો હતો. ૧૯૭૫નો આ રેફરન્ડમ (શું યુકેએ યુરોપિયન કોમ્યુનિટીમાં રહેવું જોઈએ?) અપેક્ષા મુજબ રસાકસીભર્યો (હા- ૬૭.૨૩ ટકા અને ના- ૩૨.૭૭ ટકા) ન હતો. આ પછી ૪૩ વર્ષો સુધી બ્રિટન વિન્સ્ટન ચર્ચિલના યુનાઇટેડ સ્ટેટ ઓફ યુરોપના સ્વપ્નની આધારશિલા બની રહ્યું હતું. યુરોપને એક સાંકળે બાંધી શકે તેવા વિચારમાં આર્થિક એકીકરણ સાથે યુરોપમાં શાંતિની ખાતરીનો- યુરોપિયન દેશો એકબીજાને દુશ્મન તરીકે નિહાળી ન શકે અને તેમની વચ્ચે યુદ્ધનો વિચાર પણ ન આવે તે રીતે તેઓ એકબીજા સાથે સંકળાયેલા હોય અને યુરોપમાં ફરી કદી યુદ્ધ કરવાનું તેમને પોષાય પણ નહીં તેવો - વિચાર મહત્ત્વપૂર્ણ રહ્યો હતો. વર્ષો દરમિયાન આ વિચાર પ્રાથમિક ઔદ્યોગિક સહમતિથી માંડીને ટ્રેડ ઝોન અને ૨૮ દેશોની રાજકીય ભાગીદારીમાંથી વિશાળ અર્થતંત્રમાં પરિવર્તિત થયો હતો જે વિશ્વમાં સૌથી મોટા અર્થતંત્ર તરીકેના દરજ્જામાં ચીન અને યુએસ સામે હોડ લગાવી શકે.

પરંતુ જુન ૨૩, ૨૦૧૬ના રોજ આ બધુ જ બદલાઈ ગયું. બ્રિટને ઈયુ છોડવાનો નિર્ણય લઈ લીધો. આ યુરોપિયન યુનિયન બીજા વિશ્વયુદ્ધની રાખમાંથી સર્જાયું હતું અને કદાચ વિશ્વને ત્રીજા વિશ્વયુદ્ધથી દૂર રાખ્યું હતું. ઈયુના ઇતિહાસમાં કોઈપણ દેશ યુનિયનમાં જોડાયા પછી તેમાંથી કદી બહાર ગયો નથી.

બ્રેક્ઝિટ વોટ કદાચ ચર્ચિલના મહાન સ્વપ્નને નિષ્ફળ બનાવનારો બની રહેશે

યુરોપને સાથે જોડી રાખવામાં ઈકોનોમિક્સ અત્યંત નબળું પુરવાર થયું છે. આ રેફરન્ડમના પરિણામો બ્રિટનને અણધારી પરિસ્થિતિઓ તરફ દોરી જશે. જો યુરોપને બ્રેક્ઝિટના પરિણામે સફળતા સાંપડશે તો ઘણા ઈયુ દેશો પણ યુકેના માર્ગે આગળ વધી શકે છે એટલે કે તેઓ બ્રિટન કર્યું તેમ પોતાના દેશમાં રેફરન્ડમ યોજી શકે અને ઈયુમાંથી બહાર જઈ શકે આ ઉપરાંત એવી પણ પ્રબળ શક્યતા છે કે સ્કોટલેન્ડ પણ બીજા સ્વાતંત્ર્ય રેફરન્ડમની માગણી કરે અને તે સિંગલ માર્કેટની સુવિધા ઈચ્છતું હોવાથી બ્રિટન સાથે છેડો ફાડે. નોર્ધન આયર્લેન્ડ પણ મુખ્ય આયર્લેન્ડ સાથે જોડાય તેવી શક્યતા છે. ટૂંકમાં કહીએ તો યુરોપિયન યુનિયન અને યુનાઇટેડ કિંગડમનું વિભાજન થઈ શકે છે.

અખંડ રાષ્ટ્રનો ભારતીય અનુભવ

ઈસુ પહેલાંની ત્રીજી સદીમાં મહાન વિદ્વાન આચાર્ય ચાણક્ય દ્વારા અખંડ ભારત (યુનાઇટેડ ઈન્ડિયા)નો વિચાર લોકપ્રિય બનાવાયો હતો. તેમને વિદેશી આક્રમણખોરોથી ભારતને બચાવવા માટે જરૂરી અખંડ ભારતનું સ્વપ્ન વાસ્તવિક બનાવી શકે તેવી ક્ષમતા યુવા રાજા ચંદ્રગુપ્તમાં દેખાઈ હતી. આ ચંદ્રગુપ્તે અફઘાનિસ્તાનથી બંગાળના ઉપસાગર અને હિમાલયની તળેટીથી હિંદ મહાસાગર સુધી વિશાળ સામ્રાજયની સ્થાપના કરી હતી.

ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સત્તા બ્રિટિશ ક્રાઉન દ્વારા હસ્તગત કરી લેવાઈ ત્યારે બ્રિટિશ ભારત અનેક રજવાડાંઓ અને બ્રિટિશ ભારતીય પ્રાંતોમાં વિભાજિત હતું. બ્રિટિશ ભારતીય પ્રાંતો બ્રિટિશ સરકારના સીધા અંકુશ હેઠળ હતાં.

રાજવીઓ દ્વારા શાસન હેઠળના અનેક મોટા અને નાના રાજ્યો પ્રિન્સલી સ્ટેટ્સ એટલે કે રજવાડાં તરીકે ઓળખાતા હતા અને જ્યાં સુધી તેઓ બ્રિટિશ હકુમત સ્વીકારતા રહ્યાં ત્યાં સુધી તેઓ તેમની આંતરિક બાબતોમાં થોડા ઘણા પ્રમાણમાં અંકુશ ધરાવતાં હતાં.

બ્રિટિશ પાર્લામેન્ટે માર્ચ, ૧૯૪૭માં ધ ઇન્ડિયન ઇન્ડિપેન્ડ્સ એક્ટ હેઠળ જાહેરાત કરી હતી કે તેઓ ભારતના તેમના શાસનનો અંત લાવશે તેની સાથે જ રજવાડાંઓ પર બ્રિટિશ ક્રાઉનની સત્તાનો પણ અંત આવશે. એનો અર્થ એવો હતો કે આ ૫૬૫ની સંખ્યા ધરાવતા રાજ્યો, તે બધા જ કાનૂની રીતે સ્વતંત્ર બની જશે. બ્રિટિશ સરકારે એવો નિર્ણય લીધો હતો કે રજવાડાં ક્યાં તો ભારત અથવા પાકિસ્તાનમાં જોડાવા માટે મુક્ત છે અથવા ઇચ્છે તો સ્વતંત્ર પણ રહી શકશે. આ નિર્ણય લોકો પર છોડાયો ન હતો પણ આ રજવાડાંઓના રાજવીઓ પર છોડાયો હતો. આ એક અતિ ગંભીર સમસ્યા હતી જે અખંડ ભારતના અસ્તિત્વ સામે જોખમરૂપ હતી.

વચગાળાની સરકારે નાના મોટાં રજવાડાઓમાં ભારતનું સંભવિત વિભાજન થવા સામે મક્કમ વલણ અપનાવ્યું હતું.

સદનસીબે સરદાર પટેલે આવા સંજોગોના જોખમોને ઓળખી લીધા હતા અને ભારતના આખરી વાઈસરોય લોર્ડ માઉન્ટબેટનની સંપૂર્ણ સહમતિ સાથે તેઓ આગળ વધ્યા હતા. વચગાળાની સરકારમાં ગૃહવિભાગ પટેલના હસ્તક હતો અને ભારતને અખંડ રાખવાના તેમના પ્રયાસમાં ભારતીય સનદી અધિકારી વી.પી.મેનનનો મજબૂત સાથ સાંપડ્યો હતો. વી.પી.મેનનના પુસ્તક ‘ધ સ્ટોરી ઓફ ધ ઇન્ટિગ્રેશન ઓફ ધ ઇન્ડિયન સ્ટેટ્સ’માં ભારતીય સંઘની રચના અંગે વિસ્તૃત જણાવાયું છે.

સરદાર પટેલ આઝાદી પછીના આ કટોકટીકાળ દરમિયાન ભારતના નાયબ વડા પ્રધાન અને ગૃહ પ્રધાન હતા. તેમણે ભારતીય રજવાડાંઓના શાસકો સાથે મક્કમ છતાં રાજદ્વારી કુનેહ સાથે વાટાઘાટો કરવામાં અને તેમને ભારતીય સંઘમાં લાવવામાં ઐતિહાસિક ભૂમિકા ભજવી હતી.

૧૫, ઓગસ્ટ ૧૯૪૭ પહેલાં શાંતિપૂર્ણ વાટોઘાટો થકી જે રાજ્યોની સરહદો ભારતની નવી સરહદો સાથે જોડાયેલી હતી તે તમામ રાજ્યોને ભારતીય સંઘમાં લાવી દેવાયા હતા. મોટાભાગના રાજ્યોના શાસકોએ ‘ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન’(જોડાણની સંધિ) તરીકે ઓળખાયેલા દસ્તાવેજ પર સહી કરી હતી. જેનો અર્થ એ હતો કે તેમનું રાજ્ય ભારતીય સંઘનો હિસ્સો બનવા માટે સંમત થયું છે.

જૂનાગઢ, હૈદરાબાદ, કાશ્મીર અને મણીપુર રજવાડાઓનું જોડાણ અન્યોની સરખામણીએ વધુ મુશ્કેલ પુરવાર થયું હતું.

મહત્ત્વની બાબત એ છે કે આ ૫૬૫ રજવાડાઓનું ભારતીય સંઘમાં એકીકરણ, જર્મનીમાં થયું તેનાથી વિપરીત આયોજન થકી કરાયું ન હતું. શાંતિ અને અહિંસા પર આધારિત સ્વાતંત્ર્ય આંદોલનમાં લોકો દ્વારા અભિવ્યક્ત ઈચ્છાથી આ શક્ય બન્યું હતું. ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ યુરોપના વિચારમાં લોકોની ઊંડી ઈચ્છાના આવા વાતાવરણનો સ્પષ્ટ અભાવ જણાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter