વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે યોજાયેલા ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમને લીધે અમદાવાદનું મોટેરા સ્ટેડિયમ ખુબ ચર્ચામાં આવી ગયું. એક લાખ અને દશ હજાર લોકોને સમાવવાની ક્ષમતા ધરાવતું આ સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. (આમ તો ઉત્તર કોરિયાનું મે ડે સ્ટેડિયમ સૌથી મોટું છે, પરંતુ તે ક્રિકેટ માટે નથી.) વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો લંડનના વેમ્બલી સ્ટેડિયમમાં થયેલો ૬૦ હજાર જેટલા પ્રેક્ષકોનો કાર્યક્રમ હોય કે અમેરિકાના હ્યુસ્ટન ખાતે થયેલો ‘હાઉડી મોદી’ જેવો ૮૦ હજારથી વધારે લોકોની જનમેદની વાળો કાર્યક્રમ હોય, તેના જલવા કૈંક અલગ જ હોય છે. આ બધાથી એક ડગલું આગળ ચાલીને મોટેરા સ્ટેડિયમ ખાતે લગભગ સવા લાખ લોકો, સ્ટેડિયમની કેપેસીટી કરતા પણ વધારે, ‘નમસ્તે ટ્રમ્પ’માં હાજર હતા.
સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ તેનું અધિકૃત નામ છે, પરંતુ તે અમદાવાદના મોટેરા ગામમાં આવેલું હોવાથી લોકો તેને મોટેરા સ્ટેડિયમ તરીકે જ ઓળખે છે. ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમની ક્ષમતા ૯૫ હજાર દર્શકોની હતી અને હવે તે બીજા ક્રમે આવે ગયું છે. મોટેરા સ્ટેડિયમની ક્ષમતા ૫૪ હજારથી વધારીને એક લાખ દશ હજાર દર્શકો સુધી કરવાનો કોન્ટ્રેકટ ભારતની લાર્સન એન્ડ ટુબ્રો કંપનીને મળ્યો હતો અને તેના માટે આર્કિટેક્ટ ઓસ્ટ્રેલિયન કંપની પોપ્યુલસ હતી. વિશ્વમાં સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ તરીકેનો વિક્રમ નોંધાવ્યો તેની પહેલા પણ આ સ્ટેડિયમ ક્રિકેટની કેટલીક વિશેષ ક્ષણો માટે જાણીતું છે. આ જ સ્ટેડિયમમાં ભારતના ત્રણ દિગ્ગજોએ પોતાના વિક્રમ બનાવેલા. સુનિલ ગાવસ્કરે પોતાના ૧૦,૦૦૦ રન અહીં પુરા કરેલા. કપિલ દેવે રિચાર્ડ હેડલીનો ટેસ્ટ વિકેટનો રેકોર્ટ અહીં તોડેલો. સચિન તેંડુલકરે ૧૮,૦૦૦ રનનો અંક પણ અહીં પાર કરેલો.
ભારત અને અમેરિકાના મજબૂત સંબંધોને વધારે સુદૃઢ બનાવવા પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ પ્રથમ વખત ભારતમાં ‘સ્ટેન્ડ અલોન’ વિઝિટ કરીને સહકારની ભાવના દર્શાવી છે. વિશ્વની સૌથી સમૃદ્ધ અને સૌથી મોટી લોકોશાહીઓ વચ્ચે કેટલાય ક્ષેત્રોમાં સહકાર પ્રવર્તે છે અને આ મુલાકાતથી તેમને વધારે વેગ મળશે. ભારતની કોમર્સ અને ઇન્ડસ્ટ્રી મિનિસ્ટ્રીના આંકડા અનુસાર ભારત અને અમેરિકાનો દ્વિપક્ષીય વ્યાપાર લગભગ ૮૮ બિલિયન ડોલરનો છે. તે માત્ર માલસામાનનો વ્યાપાર છે. સેવા ક્ષેત્રનો વ્યાપાર અલગ. આ પૈકી ભારતનો નિકાસ બાવન બિલિયન ડોલર અને આયાત ૩૬ બિલિયન ડોલર જેટલા છે. સરવાળે જોઈએ તો માલસામાનનો વ્યાપાર ભારતની તરફેણમાં છે. અમેરિકાના સરકારી આંકડા અનુસાર ભારત અને અમેરિકાનો સેવા ક્ષેત્રનો વ્યાપાર ૨૦૧૮માં લગભગ ૫૫ બિલિયન ડોલરનો હતો જેમાં ભારતનો સર્વિસ એક્સપોર્ટ ૩૦ બિલિયન ડોલર અને ઈમ્પોર્ટ ૨૫ બિલિયન ડોલર રહ્યો. અહીં પણ સર્વિસ સેક્ટરનો દ્વિપક્ષીય વ્યાપાર ભારતની તરફેણમાં રહ્યો છે. ઉપરાંત ૨૦૦૫માં થયેલા ભારત અને અમેરિકાના પરમાણુ ક્ષેત્રના સહકારે ભારત માટે નવી સીમાઓ ખોલી આપેલી. બંને દેશો વચ્ચે સુરક્ષા અને સરંજામ ક્ષેત્રે પણ મજબૂત વ્યાપારી અને રાજકીય સંબંધો વિકસ્યા છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારતની આ મુલાકાત અને ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત બંને દેશ માટે એક સીમાચિહનરૂપ બની રહેશે.
(અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)