દિવાળીનું પર્વ લંડનમાં ખૂબ ધામધૂમથી ઉજવાયું. દિવાળીના દિવસે સવારે અનુપમ મિશન દ્વારા સંચાલિત સ્વામિનારાયણ મંદિરમાં અન્નકૂટ, આરતી અને પ્રસાદનો લ્હાવો મળ્યો. જયારે સાંજે સ્ટેન્મોરમાં આવેલા ભક્તિધામ મેનોર સ્વામિનારાયણ મંદિર ખાતે જવાનું થયું.
સેંકડોની સંખ્યામાં ભક્તોએ મંદિરમાં લક્ષ્મીપૂજન કર્યું, પ્રસાદ લીધો અને પછી લગભગ ૩૦ મિનિટ સુધી ભવ્ય આતશબાજીનો આનંદ માણ્યો. હજારો લોકો આ આતશબાજી જોવાં આવ્યા હતા. ભુજથી આવેલા કોઠારી સ્વામીએ સૌને દિવાળીના આશીર્વાદ પાઠવ્યા. મોટા ભાગના ભક્તો ગુજરાતી હતા. ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ તે કવિ ખબરદારની પંક્તિ અહીં તો સાક્ષાત સાચી થયેલી જણાઇ.
મંદિર તરફથી આયોજિત કરવામાં આવેલા આતશબાજીનો થીમ પણ ભારતીય રાષ્ટ્રધ્વજના ત્રણ રંગો દર્શાવતો હતો. કેસરી, સફેદ અને લીલા રંગથી આકાશ દિપી ઉઠ્યુ. વંદે માતરમ્ અને અન્ય દેશભક્તિ ગીતોની ધૂન પર આકાશમાં ઝગમગતા ફટાકડાથી બનતો તિરંગો પ્રકાશ જાણે વિદેશમાં પણ ભારતની ઉપસ્થિતિનો સાક્ષી બની રહ્યો. ફટાકડાનો અવાજ તો આસમાનમાં જાણે ભારતીય સંસ્કૃતિનો જયઘોષ હતો. રાવણના પરાજય બાદ રામ અયોધ્યા પરત આવ્યા ત્યારે કેવી રીતે નગરી શણગારાઈ હશે તેનું અનુમાન લગાવતા લોકોને રામાયણની કથાથી પરિચિત કરાવવા આતશબાજી શરૂ થાય તે પહેલા જ મોટી સ્ક્રીન પર પૂરી રામાયણને એનિમેટેડ ફોર્મમાં બતાવવામા આવી. પાંચેક મિનિટનો વીડિયો સૌને ગમ્યો. યુકેમાં જન્મેલા બાળકો માટે તે ખુબ ઉપયોગી બન્યો હશે તેવું માનું છું.
અને કુદરતની મહેરબાની જુઓ કે આકાશ એકદમ સાફ. દિવસ દરમિયાન પણ સુરજદેવની કૃપા રહી. એટલે બધા જ કાર્યક્રમો ખુબ સરસ રીતે થયા. આયોજકોએ ખુબ મહેનત કરી અને આટલા મોટા કાર્યક્રમને સંપન્ન કર્યો તથા મુલાકાતીઓએ ભક્તિભાવથી દિવાળીના પર્વ નિમિતે મંદિરે જઈને ભારતીય પરંપરા અને રીતરિવાજો જાળવી રાખ્યા તે બાબત જાણે ભારત અને યુકે વચાળે એક સેતુબંધ રચાયો હોય તેવી અનુભૂતિ કરાવે છે. એમ જ કહોને કે જાણે થેમ્સ અને ગંગાના જળનો પવિત્ર સંગમ સાંસ્કૃતિક રીતે થઈ ગયો.
દિવાળીનો આનંદોલ્લાસ અને ઉજાસનો પર્વ ભારતમાં ધામધૂમથી ઉજવાઈ રહ્યો હતો ત્યારે એક મહત્ત્વપૂર્ણ વાત યાદ આવે છે કે હવે ભારતના દરેક ગામડે વીજળી પહોંચી ગઈ છે. એટલે કે એકેય ગામ એવું રહ્યું નથી જ્યાં વીજળીનું કનેક્શન ન હોય. ગામડે ગામડું વીજળીના દીવાથી ઝગમગાટ થતું હોય તેવી દિવાળી ખરેખર જ દેશવાસીઓ માટે ખુશીનો માહોલ લાવી છે.
આપ સૌ વાચકોના જીવનમાં પણ સુખ, સમૃદ્ધિ, આનંદ, ઉલ્લાસ અને તંદુરસ્તી બની રહે તેવી પ્રાર્થના.
(અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)