लालने बहवः दोषः ताडने बहवः गुणा
तस्मात् पुत्रं च शिष्यं च ताडयेत् न तुं लालयेत्
(ભાવાર્થઃ લાડ કરવામાં પણ ઘણા દોષો રહેલાં છે. જ્યારે શિક્ષા (સજા) કરવામાં ઘણાં ગુણ પણ રહેલાં છે. માટે પુત્ર અને શિષ્યને શિક્ષા કરવી યોગ્ય છે. નહીં કે કાયમ લાડ કરવા.)
સુભાષિત અર્થાત્ સારી રીતે કહેવાયેલી વાત. પણ કઈ વાત? તો કહેવું પડે કે એ વાત જે જીવનસત્ય પ્રકાશિત કરી દેતી હોય. જરૂરી પડે તે ટોર્ચ જેવું કામ આપીને સઘળું પ્રકાશિત કરી મુકતી હોય.
યુગોયુગોથી ભારતીય સંસ્કૃતિ અને ભારતીય સમાજ, કાળની હળવી કે ભારે થપાટો સહન કરતા કરતા પણ અડીખમ ઊભા છે. શા કારણે? તેનાં મુખ્ય કારણો એકથી વધુ છે, પરંતુ મુખ્ય કારણોમાંનું એક છે માતા-પિતા અને બાળકોના સંબંધ. ભારતમાં પેરન્ટિંગના ક્લાસ હજુ ક્યાંક જ દેખાય છે, પરંતુ સારો બાળઊછેર માતા-પિતા માટે યજ્ઞકાર્ય મનાયું છે. આથી જ સમજણા બાળકની હાજરીમાં માતા-પિતા સ્વયં ચોક્કસ મર્યાદાઓમાં જ વર્તન કરે છે. અને તે આવશ્યક પણ મનાયું છે.
આપણે ત્યાં માતાપિતા સમયોચિત ઠપકો આપે એ સ્વીકૃત સત્ય છે. બાળકને ખુદને ખ્યાલ હોય જ છે કે મારું અયોગ્ય વર્તન મારાં માતાપિતાને નહીં જ ગમે. આમ તો દરેક માતા-પિતા માટે બાળક ‘દેવનું દીધેલ’ હોય છે. બાળકનો બોલ માતા-પિતા માટે બ્રહ્મવાક્ય બની જતો હોય છે, પણ જેવું બાળક સમજણું થાય કે સમજુ માતા-પિતા લાડનું પ્રમાણ ઘટાડીને તેને ઘડવા માટેનાં જરૂરી સૂચનો આપે છે, કારણ કે તેઓ સમજે છે કે આ જ એ સમય છે કે જ્યારે માતા-પિતા બાળકને ઘડી શકે. સારો નાગરિક અને સુસંસ્કૃત માનવ બનાવી શકે. જરૂર પડે તો શિક્ષારૂપી હથિયાર વાપરીને પણ.
કુંભાર ક્યારેય માટીને ટીપ્યા વગર ઘાટ ઘડી શકે ખરો? તો પછી માનવબાળને પણ યોગ્ય ઘાટ આપવા માટે તાડન, ઠપકો, ઈત્યાદી શિક્ષા અનિવાર્ય બને છે. જેમ અનાજ પ્રાપ્તિ માટે ખેતર ખેડવું અનિવાર્ય છે તે જ રીતે સારા માનવ તરીકેના ઘડતર માટે માતા-પિતા કે શિક્ષકે કડક હાથે કામ લેવું જ રહ્યું. વળી, આ રીતે કડક હાથે કામ લેવાની પ્રક્રિયા માતા-પિતા કે શિક્ષકનો હક્ક પણ છે અને ફરજ પણ છે. અહીં માતા-પિતા જેટલો જ હક્ક શિક્ષકનો પણ સ્વીકારાયો છે તે નોંધનીય છે. કારણ કે બાળક ભલે વધુ કલાક માતા-પિતા પાસે રહેતું હોય, તેના સુકોમળ મન ઉપર અમીટ છાપ તો પડે જ છે શિક્ષકની.
આમ, પ્રાચીન કાળથી ભારતમાં પુત્ર (સંતાન) અને શિષ્ય આ બંને કેવળ લાડના અધિકાર મનાયા નથી. તાડનના પણ અધિકારી મનાયા છે. કેવળ લાડ નહીં, પણ સમયસંજોગો અનુસારનું તાડન માનવબાળને અનેક પાઠો શીખવી જાય છે. આજ કારણસર આગળ જતા માતા-પિતા કે સંતાનોના સંબંધો પણ સચવાઈ રહે છે ને એક સ્વસ્થ સમાજનું નિર્માણ થાય છે. કારણ કે લાડ અને શિક્ષા એક જ સિક્કાની બે બાજુઓ છે.