લંડનઃ લેબર પાર્ટી દ્વારા ત્રીજી જૂન, 2024ના સોમવારે બ્રિટિશ ઈન્ડિયન બિઝનેસ રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પછી, અનેક બિઝનેસ અગ્રણીઓ તેમજ ઈન્ડસ્ટ્રી, વેપાર અને નાણાકીય એસોસિયેશનોના વડાઓની હાજરીમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે વાતચીતો થઈ હતી. લેબર પાર્ટીએ ભારત અને યુકે વચ્ચે દ્વિપક્ષી સંબંધો મજબૂત બનાવવા તેમજ અને વેપાર સમજૂતીને ફાસ્ટ ટ્રેક પર રાખવા માટે મક્કમતા દર્શાવી હતી. બ્રિટિશ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીઝને બ્રિટન અને ભારત વચ્ચે જીવંત સેતુ તરીકે વર્ણવાઈ હતી.
શેડો સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર બિઝનેસ એન્ડ ટ્રેડ તેમજ સ્ટેલિબ્રિજ, હાઈડ, મોસેલી,લોન્ગડેનડેલ એન્ડ ડુકિનફિલ્ડ માટે લેબર/કો-ઓપ ઉમેદવાર જોનાથન રેનોલ્ડ્સે જણાવ્યું હતું કે,‘ ભારત અને યુકે વચ્ચેના સંબંધો ઘણા મહત્ત્વના છે, અમે વેપાર સમજૂતી બાબતે વાટાઘાટોને વારસામાં મેળવીશું. વેપાર સમજૂતીમાં ઘણી સંભાવનાઓ છે અને તે સફળ થાય તેમ અમે ઈચ્છીએ છીએ. લેબર પાર્ટી મારફત ઘણી સારી સમજૂતી કરાશે. ભારત અમારા માટે મહત્ત્વપૂર્ણ છે. મેં શેડો સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર બિઝનેસ એન્ડ ટ્રેડનો કાર્યભાર સંભાળ્યા પછી સૌપ્રથ વિદેશ પ્રવાસ ભારતનો કર્યો હતો. ભારત સાથે આપણા દ્વિપક્ષી સંબંધો ઘણા મજબૂત છે અને યુકેના દરેક હિસ્સા માટે અર્થસભર છે.’
જોનાથને કહ્યું હતું કે,‘અમારી પાસે સિંગલ માર્કેટ માટે વ્યવહારુ અને વાસ્તવિક માર્ગ છે. યુકેની નિકાસો વધારવા, આયાતો હાંસલ કરવા, ઈન્વેસ્ટમેન્ટ્સ વધારવા, યુકેની સ્પર્ધાત્મક સરસાઈ, વૃદ્ધિ અને ઉત્પાદકતા મહત્તમ બનાવ, રોજગારને ઉત્તેજન આપવા અમારી પાસે અદ્યતન વેપાર અને ઈન્વેસ્ટમેન્ટ રણનીતિ લોન્ચ કરવાની અમારી યોજનાઓ તૈયાર છે. ગ્રીન ગ્રોથ, ફર્મ્સ યુકેમાં ઈન્વેસ્ટ કરી વિકાસ પામે તેવી ઈન્વેસ્ટમેન્ટ તકો સાથે વિશ્વનેતા તરીકે યુકેનો દરજ્જો હાંસલ કરવા અમે નેટ ઝીરો ઈન્વેસ્ટમેન્ટ પ્લાન પૂરો પાડીશું. સફળતા નોકરીઓનું સર્જન કરશે, વ્યાપક ઊર્જા સુરક્ષા અને ક્ષમતા પૂરા પાડશે, એનર્જી કોસ્ટ ઘટાડશે, ટેક્સની આવક વધારશે, જાહેર સેવાને ભંડોળો પૂરાં પાડશે અને ક્લાઈમેટ ઈમર્જન્સી ટાળવામાં મદદ કરશે. અમે 17 જુલાઈ 2024ના દિવસે નવી ઈન્ડસ્ટ્રી ભાગીદારી સાથે મેયોરલ ઈકોનોમિક કોમ્પેક્ટ લોન્ચ કરવા સાથે યુકે પૂરી પાડીશું. અમે જ્યારે પરિવર્તનની વાત કરીએ ત્યારે તેનો એ જ અર્થ રહે છે. અમે સુધારાઓ કરીશું અને અમે તેના માટે ગંભીર છીએ કારણકે અમે અમારી જાતને બદલી નાખી છે.’
શેડો મિનિસ્ટર ફોર સ્કિલ્સ તેમજ ફેલ્ધામ એન્ડ હેસ્ટન માટે લેબર/કો-ઓપ ઉમેદવાર સીમા મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, ‘આપણે બધા જાણીએ છીએ કે આ પરિવર્તનનો સમય છે. ટોરીઝે આપણા દેશને જે નુકસાન પહોંચાડ્યું છે, જીવનધોરણ નીચા ઉતર્યા છે, જે રીતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખખડી રહ્યા છે, NHS માટે રાહ જોવાની લાંબી કતારો, શાળાઓ તૂટી રહી છે તેમજ ભાવવધારા અને ગરીબીના પડકારો તરફ નિહાળશો ત્યારે તમને જાણ થશે કે પરિસ્થિતિ ખરાબ છે. આ ઈલેક્શન એક આશા અને પરિવર્તન માટે છે. તે જણાવે છે કે ટોરીઝની અરાજકતા યથાવત રાખવા અને લેબર પાર્ટી સાથે પરિવર્તન સાધવાની પસંદગીની એક તક છે.’
મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, ‘અમે બિઝનેસીસ સાથે ભાગીદારીમાં કામ કરવામાં માનીએ છીએ. સરકારે વહીવટ બંધ કરી દીધો હોવાથી આપણા દેશમાં ઘણા રોકાણો આવતાં અટકી ગયા છે. કોઈ નિર્ણયો લેવાતા નથી. કોઈ ઔદ્યોગિક રણનીતિ નથી, વિકાસ માટે કોઈ યોજના નથી. હવે બ્રિટનના પુનઃનિર્માણની તક છે. આથી જ, કેર સ્ટાર્મરે સરકાર માટે અમારા પાંચ મિશન્સમાં એક તરીકે તકો સામેના અવરોધોને હલ કરવા નિર્ણય લીધો છે. કૌશલ્યપૂર્ણ દેશનું નિર્માણ લાંબા ગાળા માટેની યોજના સિવાય થવાનું નથી. અમે ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળવા અને તમામ માટે તકોનું સર્જન કરવા શું કરીશું તે બાબતે કોમ્યુનિટીઓ સાથે કામ કરી રહ્યા છીએ. અમે બિઝનેસીસ માટે જરૂરી સ્થિતિસ્થાપકતા પૂરી પાડવા એપ્રેન્ટિસશિપ સ્તરે સુધારા કરીશું. આપણી પાસે આવશ્યક ક્વોલિફિકેશન્સ અને તકો હોય તેની ચોકસાઈ રાખવા ઈન્ડસ્ટ્રી સાથે ગાઢ રીતે કામ કરીશું. અમે આપણી એજ્યુકેશન સિસ્ટમ, બિઝનેસ અને ઈન્ડસ્ટ્રીઝ વચ્ચે મહત્ત્વના સંબંધોને મજબૂત બનાવીશું. આ પરિવર્તન માટે વ્યાપક ક્ષેત્ર છે. આપણી સ્કૂલ્સ અને કોલેજીસે ટોરીઝ શાસન હેઠળ સંઘર્ષ સહન કર્યો છે. પુખ્ત શીખનારાઓ અડધા થઈ ગયા છે અને ગત છ વર્ષમાં લઘુ અને મધ્યમ કદના બિઝનેસ એપ્રેન્ટિસિસમાં 49 ટકાનો ઘટાડો થયો છે. આ નિષ્ફળતાનો વિક્રમ છે.’
સીમાએ જણાવ્યું હતું કે,‘હું આભારી છું કે બ્રિટિશ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીઝ માત્ર નોકરીઓનું સર્જન કરી આપણા અર્થતંત્રને સપોર્ટ કરે છે એટલું જ નહિ, તેઓ બ્રિટન અને ભારત વચ્ચે જીવંત સેતુના હિસ્સા સમાન છે. આપણા માટે ભારત મહત્ત્વનું વેપાર રાષ્ટ્ર છે જે વિશ્વમાં ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવા તરફ જઈ રહ્યું છે. આપણી ડાયસ્પોરા કોમ્યુનિટીઓ મારફત ભારત સાથે આપણા સંબંધો પણ મહત્ત્વપૂર્ણ છે.
શેડો ઈકોનોમિક સેક્રેટરી યુ ટ્રેઝરી તેમજ હેમ્પસ્ટીડ એન્ડ હાઈગેટ માટે લેબર પાર્ટીના ઉમેદવાર તુલિપ સિદ્દિકે જણાવ્યું હતું કે,‘ આપણા અર્થતંત્રની વૃદ્ધિ માટે ફાઈનાન્સિયલ સર્વિસિસ સેક્ટરની ગર્ભિત સંભાવનાઓને કેવી રીતે ખોલી શકાય તેના પર કામ કરવા મેં ફાઈનાન્સિયલ સર્વિસિસ રીવ્યૂ કરાવ્યો હતો. અધોગતિના 14 વર્ષ પછી આ હવે ઘણું આવશ્યક છે. આપણા અર્થતંત્રની વૃદ્ધિ માટે આપણી ફાઈનાન્સિયલ સર્વિસિસનો અમે ઉપયોગ કરીશું. આપણને ચોક્કસતા અને સાતત્યની જરૂર છે. અમે તમને ખાતરી આપીએ છીએ કે ફાઈનાન્સિયલ સર્વિસિસ અને બિઝનેસીસને આપણા દેશમાં ઈન્વેસ્ટ કરવા માટે મુશ્કેલ બની રહે તેવા સતત સુધારાઓ કરીશું નહિ. અમારી એક સ્પષ્ટ મહેચ્છા નેટ ઝીરો સુધી પહોંચવાની છે. જો ભારત જેવા પાર્ટનર્સ પાસેથી ઈન્વેસ્ટમેન્ટ નહિ મેળવી શકીએ તો આમ કરી શકીશું નહિ. આપણે ફાઈનાન્સિયલ સર્વિસિસમાં AI માટે વૈશ્વિક માપદંડ હોય તેમ અમે ઈચ્છીએ છીએ. અમે ભારતથી ઈન્વેસ્ટર્સ અહીં આવે તેમ ઈચ્છીએ છીએ.’
લેબર પાર્ટીના વરિષ્ઠ નેતાઓ ગેરેથ થોમસ, વિરેન્દ્ર શર્મા, રાજેશ અગ્રવાલ, કૃપેશ હિરાણી AM , પ્રિમેશ પટેલ, લેબર ઈન્ડિયન્સ મૂવમેન્ટના અધ્યક્ષ ક્રિશ રાવલ OBE, કાઉન્સિલર શમા ટેટલર, કાઉન્સિલર સની બ્રાર, હર્ષ ઠાકર, ઉદય નાગારાજુ, ડિઅર્ડ્રે કોસ્ટિગાન, વિદ્યા અલકેશન, એન્ટ્રેપ્રીન્યોર્સ ભરત શાહ અને કૂલેશ શાહ, સામ પટેલ અને ઓશવાલ કોમ્યુનિટીના સભ્યો સહિતના મહાનુભાવો આ રિસેપ્શનમાં ઉપસ્થિત હતા.