ગુજરાતી ભાષામાં કહેવત છે કે બારે બુદ્ધિ અને સોળે શાન. આ વયના તમામ બાળકો આજના શૈક્ષણિક મહત્ત્વના યુગમાં કારકિર્દી બાબતે સજાગ હોવા ખૂબ જ જરૂરી છે. તેઓને સાચું માર્ગદર્શન મળી રહે તેવા પ્રયાસો સાથે ખુશાલી દવેનું પુસ્તક ‘કરિયર કોલિંગ’ આવ્યું છે. ખુશાલી ‘ગુજરાત સમાચાર’ (યુકે)માં સિનિયર સબ એડિટર તરીકે ફરજ પણ બજાવે છે.
આ પુસ્તકની પ્રસ્તાવના જાણીતા પત્રકાર અને લેખક કૃષ્ણકાંત ઉનડકટ દ્વારા લખવામાં આવી છે. તેઓ પુસ્તકની પ્રસ્તાવનામાં લખે છે કે, આ પુસ્તકમાં લખાયેલી ભાષા શીરાની માફક દરેકના ગળે ઉતરી જાય એવી છે. ખુશાલીના પુસ્તકમાં કરિયર માટે મૂંઝવતા પ્રશ્નોના ઉકેલ જ નથી મળતા, પણ જીવનમાં આગળ વધવાની એક લાજવાબ પ્રેરણા પણ મળે છે. આ પુસ્તક જિંદગી જીવતા પણ શીખવે છે.
પુસ્તકમાં એક જગ્યાએ લખ્યું છે કે, સફળતા એટલે જે ઇચ્છીએ તે મેળવવું, જે મેળવીએ તે આનંદપૂર્વક માણવું અને જે માણીએ છીએ તેની વહેંચણી કરવી. આમ જુઓ તો આ વાત માત્ર સફળતાને જ નહીં, સંબંધ અને જિંદગીને પણ એટલી જ લાગુ પડે છે. આપણા શબ્દો દ્વારા કોઇને સાચી દિશા મળે તો શબ્દો સાર્થક બને છે, આ આખું પુસ્તક સાર્થક બનવાની ક્ષમતા ધરાવે છે.
નવેમ્બર, ૨૦૧૮માં ‘કરિયર કોલિંગ’ના લોકાર્પણ પછી તાજેતરમાં ૧૮, ૧૯, ૨૦ જાન્યુઆરી, ૨૦૧૯ દરમિયાન વડોદરામાં યોજાયેલા ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલમાં પણ ‘કરિયર કોલિંગ’ રિલોન્ચ થયું હતું.
‘કરિયર કોલિંગ’નું પ્રકાશન નવભારત સાહિત્ય મંદિર દ્વારા કરાયું છે અને પુસ્તકની મૂળ કિંમત રૂ. ૧૩૫ છે. જોકે અહીં દર્શાવેલી લિંક પર ૧૫ ટકા ડિસ્કાઉન્ટ સાથે રૂ. ૧૧૫માં ઓનલાઈન બુકિંગ કરાવી શકો છો.
https://navbharatonline.com/career-calling.html