૧૯૩૩માં સૌરાષ્ટ્ર છોડીને વિશા ઓશવાળ જૈન પ્રેમચંદ રોટલાની શોધમાં કેન્યા આવ્યા. પહેલાં નોકરી કરી અને પછી ૧૯૪૦માં તાન્ઝાનિયાના મુસોમા નગરમાં દુકાન કરી. પ્રેમચંદ અને લીલાવતીનાં છ સંતાનોમાં ત્રીજા નંબરે મંજુલ. મા-બાપનો લાડકો ભણવામાં તેજસ્વી. એક વાર વાંચે કે સાંભળે તે યાદ રહી જાય. શાળાએથી આવીને પિતાને દુકાનમાં મદદ કરે.
મંજુલ કોલેજમાં દારેસલામ ભણવા ગયો. હોકીની ટીમનો કેપ્ટન બન્યો. રજાઓમાં ઘરે આવે પિતાને દુકાનમાં મદદરૂપ થાય. સારા નામની શ્યામવર્ણી યુવતી પોતાની નાનકડી દુકાન ચલાવે. કપડાં સીવે, રીપેર કરે. દુકાનમાં કાપડ રાખે અને ઓર્ડર પ્રમાણે ઘરાકને સીવીને આપે. મહેનતુ અને સદા હસતી સારા સૌજન્ય અને સ્નેહભર્યાં વર્તાવથી બધાંની મિત્ર. સારાને મંજુલનો પરિચય થયો. સારા સરકારી શાળાઓના બાળકોના ગણવેશ પૂરા પાડવા ટેન્ડર ભરે. અલ્પશિક્ષિત સારાને આમાં મંજુલની મદદ મળે. મંજુલનો પરગજુ સ્વભાવ, સમૃદ્ધ વેપારીનો પુત્ર છતાં વિવેકી. એ બધાથી સારા મંજુલ તરફ આકર્ષાઈ. વેકેશન આવે. મંજુલ આવે. સારાને મળે. વાતો કરે. ટેન્ડર ભરવામાં મદદ કરે. સારા મંજુલના પ્રેમમાં પડી. વેકેશનની રાહ જોતી થઈ. આમ વર્ષો વીત્યાં. સંબંધ ગાઢ થયો.
મંજુલ બીએસ.સી. થઈને આવ્યો. પિતાના ધંધામાં મદદ કરે. આ સમય દરમિયાન બંનેની નિકટતા વધી. મંજુલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થવા માટે લંડન જવાનું નક્કી કર્યું. સમાચાર જાણીને સારાને આઘાત લાગ્યો. વિચારે, ‘મંજુલ જશે અને ફરી ના પણ મળે.’ આમ વિચારીને એકલી એકલી રડે અને ઝૂરે. મંજુલને ‘ના જશો કે મને સાથે લઈ જાવ’ તેમ કહી ના શકે. અંતે જવાના સમય પહેલાં એક દિવસ ભાવવિભોર સારાએ મંજુલને કહ્યું, ‘તમારી ગેરહાજરીમાં હું જીવી શકું એવી સ્મૃતિભેટ આપો.’ બંને આવેશમય બની એકત્વ પામ્યાં. દિલથી જોડાયેલાં દેહથી જોડાયાં.
મંજુલે યુકેની વાટ પકડી. સારા તેના રિવાજ મુજબ એકલી રહીને પોતાની નાનકડી દુકાન ચલાવતી રહી. તેને પુત્રી જન્મી. નામ રાખ્યું પ્રતિમા.
૧૯૭૭માં મંજુલભાઈ સી.એસ. થઈને મુસોમા પાછા આવ્યા. પુત્રી તરીકે પ્રતિમાને સ્વીકારી. સારા શ્યમાવર્ણી. પ્રજાના રિવાજ મુજબ એકલી રહીને પોતાની દુકાન ચલાવે. અવારનવાર મળવા આવે. પિતા તરીકે મંજુલભાઈએ પુત્રીને પોષવા-ભણાવવા બધી જવાબદારી ઊપાડી.
૨૦૦૩માં સારાનું અવસાન થતાં મંજુલભાઈએ પ્રતિમાને લંડન ભણવા મોકલી. માસ્ટર ઓફ ફોરેન્સિક એકાઉન્ટની ડિગ્રી મેળવીને પ્રતિમા લંડનમાં નોકરીમાં સ્થિર થઈ છે. મંજુલભાઈ હવે તાન્ઝાનિયાને બદલે બોત્સવાનાના પાટનગર ગેબ્રોનમાં રહે છે. પ્રતિમા પિતાને મળવા અવારનવાર ગેબ્રોન આવે છે. આવે ત્યારે પિતાની પ્રેમપૂર્વક સેવા કરે છે.
મંજુલભાઈનું નમૂનેદાર ચારિત્ર્ય. તેઓ ફરી ક્યારેય ના પરણ્યા. મંજુલભાઈ સ્વામિનારાયણમાં શ્રદ્ધાવાન. પ્રમુખસ્વામી મહારાજમાં ભારે શ્રદ્ધા. ગેબ્રોનમાં બીએપીએસનું અદ્યતન, વિશાળ અને શિખરબંધ મંદિર કરવામાં એ આગેવાન. દાતા પણ ખરા અને મંત્રી, ખજાનચી, ટ્રસ્ટી વગેરે હોદ્દા પણ ખરા. પ્રતિમા સુંદર ગુજરાતી ભજનો ગાય છે. ગુજરાતી રસોઈ બનાવે છે. સ્વામીનારાયણ સંપ્રદાય એને બાપીકો લાગે છે. તેથી આવે ત્યારે મંદિરમાં સેવા કરે છે.
સી.એ. થઈને મંજુલભાઈને સારી નોકરી ન મળી તેથી મુસોમામાં પિતાની દુકાને એકાદ વર્ષ કામ કરેલું. આ પછી ૧૯૮૨માં તેમને લંડનની બોત્સવાના ઈન્ટરનેશનલ ઓડિટીંગ કંપનીમાં કામ મળતાં ગેબ્રોન આવ્યા. મંજુલભાઈના કામ અને સ્વભાવથી ખુશ મેનેજમેન્ટે ૧૯૮૯માં તેમને ઓડિટિંગ સિનિયર મેનેજર અને મેનેજમેન્ટ સર્વિસના ડાયરેક્ટર બનાવતાં માન અને સ્થાન વધ્યું. કંપની જેનું ઓડિટ કરતી હતી તે સિસેમો કંપનીએ પોતાના મોટા મકાન, માલ-સામાન સહિતનો સ્ટોર મંજુલભાઈને વેચી દીધો. તેમાં સીવવાના સંચા, ભાતભાતનાં તૈયાર કપડાં, કાપડ અને અનેક ચીજવસ્તુ હતાં. મંજુલભાઈની જોબ ચાલુ છે. પગારદાર માણસોથી તે કામ લે છે. વધારામાં સ્ટોરમાં ૨૬ જેટલાં માણસો કામ કરે છે.
મંજુલભાઈ દેખાવે વર્તાવે સાદા છે. દુઃખીને મદદ કરવા સદા તત્પર રહે છે. તેમનો અજાતશત્રુ સ્વભાવ છે. શુદ્ધ શાકાહારી અને વ્યસનરહિત છે. ધંધા સિવાયનો તેમનો સમય મંદિરમાં જાય છે. એના ભાતભાતના કાર્યક્રમોનું આયોજન કરે છે. મંદિરમાં અને સારાં કાર્યોમાં તન-મન-ધનથી પૂરો સહકાર આપે છે. પુત્રી પ્રતિમાને પિતાનો પ્રેમ છે. ભગવાં કપડાં વિનાના મંજુલભાઈ વાણી-વર્તન અને જીવનથી સાધુ શા શોભે છે.