હાલમાં સંસ્કાર નગરી વડોદરાથી નાની બહેન અલકાબહેનને ત્યાં કોવેન્ટ્રી-યુ.કે. ફરવા આવેલ કોકિલાબહેનની મુલાકાત કવયત્રી ભારતીબહેન વોરાએ કરાવી. ૨૦૨૦માં કોવીદ-૧૯ની ચૂંગાલમાં દુનિયા ફસાઇ ગઇ અને ભલભલા હાલી ગયા ત્યારે આઠ દાયકાં વટાવી ગયેલ કોકિલબહેને વડોદરામાં બેઠાં બેઠાં માતૃભાષા ગુજરાતીને ગૂંજતી કરવા સાહિત્ય ફોરમ જેવી સંસ્થાને જન્મ આપ્યો. અમેરિકા સ્થિત પુત્ર કૌશલ, પુત્રવધૂ જ્યોતિ અને રીન્કી -પિન્કી બે દિકરીઓની પ્રેરણા તેમજ બહેન અલકાના સાથથી વર્ચ્યુઅલ કાર્યક્રમના મંડાણ થયા ૨૧ મે ૨૦૨૦ના રોજ. મરાઠી લેખક મકરન્દ મૂસળેએ આ ગુજરાતી સાહિત્ય ફોરમના પ્રથમ વક્તા તરીકે શુભારંભ કર્યો. એ બીજમાંથી વટવૃક્ષ બની દેશ-વિદેશમાં એના ૫૭ ચેપ્ટર, ૧૭૦૦થી વધુ સભ્ય અને ૧૧૭ એપિસોડનો આંક સાહિત્ય ફોરમે પાર કર્યો છે. યુ ટ્યુબ પર પણ આ એપિસોડ જોઇ શકાય છે. આ સિધ્ધિ દાદ માગી લે છે. આ વિચાર બીજના મૂળમાં કોકિલાબહેનના સંસ્કાર બીજ તરફ એક નજર કરીએ. સંસ્કારી કુટુંબ, અનુકૂળ સંજોગો અને આનંદી વાતાવરણમાં મુંબઇમાં ઉછેર થયો. એ જમાનામાં માતા-પિતા પણ આધુનિક વિચાર સરણી વાળા. દિકરા-દિકરીના ભેદ રાખ્યા વિના દિકરીનો સંગીતનો શોખ પોષવા ઘરે સંગીત શિક્ષક શીખવવા આવતા. શાળામાં ચિત્રકળા, ટેબલ ટેનિસ જેવા વિષયોમાં ભાગ લઇ કેટલાય ઇનામો મેળવેલ. ૧૭-૧૮ વર્ષની વયે લગ્ન લેવાયા. ૧૯૫૩માં એસ.એસ.સી. પરીક્ષા પણ લગ્ન પછી આપી. નસીબે ય યારી આપી. પતિદેવ પોતે એસ.એસ.સી. જ પાસ પણ પત્નીને વધુ અભ્યાસ માટેની તક આપી.
કોકિલાબહેને એમ.એ., બી. એડ.ની ડીગ્રી ૧૯૭૬માં મેળવી. ફિલોસોફી અને સાયકોલોજી સાથે ગુજરાત યુનિવર્સિટીમાંથી એક્સટર્નલ વિદ્યાર્થી તરીકે બી.એ.ની પરીક્ષા પાસ કરી વિદ્યાગૌરી નિલકંઠ સુવર્ણ ચંદ્રક મેળવ્યો. ત્યારથી વાર્તા લખવાનો શોખ વિકસ્યો. બી.એ. સુધી અંગ્રજી માધ્યમમાં ભણ્યાં હોવા છતાં માતૃભાષા ગુજરાતી રગેરગમાં વહેતી એટલે જ એમ.એ.ની ડીગ્રી ગુજરાતી અને સંસ્કૃત વિષયોમાં મેળવી. ત્યાંથી એમની સાહિત્યની સફર શરૂ થઇ. ત્રણ બાળકો, ગૃહિણી અને નોકરી એમ ત્રણ ત્રણ જવાબદારી નિભાવી જીવનની સમતુલા જાળવી શક્યાં. પતિ બેન્કમાં નોકરી કરે એથી જ્યાં બદલી થાય ત્યાં જવાનું અને ત્યાં અભ્યાસ આગળ વધારવાનો. છોકરાઓની સંભાળ લઇ શકાય એ માટે શિક્ષિકા બનવાનું પસંદ કર્યું જેથી રજામાં બાળકોને કોણ રાખે?નો સવાલ ન મૂંઝવે. ત્રણેય સંતાનો ગુજરાતી માધ્યમમાં ભણ્યાં પણ અંગ્રેજી પર સારૂં પ્રભુત્વ ધરાવે છે. સારૂં શિક્ષણ મેળવી સરસ સેટલ થયાં છે. કોકિલાબહેનના મતે અંગ્રજીનું જ્ઞાન મેળવવું જોઇએ પરંતુ માતૃભાષા ભૂલાવી ન જોઇએ. ખરેખર તો "અંગ્રેજી સારી પણ ગુજરાતી મારી" આ ગર્વ દરેક ગુજરાતીને હોવું જોઇએ.
સાહિત્ય ફોરમનો દર અઠવાડિયે રવિવારે ભારતના સમય મુજબ રાતના ૯ વાગે એક કલાકનો વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાય છે. જેમાં દેશ-વિદેશના ગુજરાતી ભાષાપ્રેમીઓ જોડાય છે. દર સપ્તાહે નવા નવા વક્તાઓ સાથે નવા નવા વિષયો પર વાર્તાલાપ યોજાય છે. જો કે હજુ એમાં આપણો યુવા વર્ગનું પ્રમાણ નહિંવત્ છે. તેઓ એમાં વધુ સંખ્યામાં જોડાય એવા પ્રયાસો ચાલુ છે.
સદા સદાબહાર રહેવા શું કરવું? પ્રશ્નનો ઉત્તર આપતાં કોકિલાબહેને જણાવ્યું કે, "મારો સૌ વડિલોને એક જ સંદેશ છે કે, તમે ધારો એ સિધ્ધ કરી શકો છો. એમાં ઉમરનો બાધ નડતો નથી. મનમાં ઉમંગ અને તનમાં તંદુરસ્તી હોય તો કશું અશક્ય નથી. કોઇપણ ઉમરે નવું સાહસ કરી શકાય છે" એ મારા સંદેશ વિશે સૌ વાચકો વિચારે અને આગેકૂચ કરે એવી શુભકામના".
સાહિત્ય ફોરમની વેબસાઇટ www.gujaratisahity.org