1905ના ગુજરાતી પત્રકારનું પુનરાગમન

ઘટના દર્પણ

- વિષ્ણુ પંડ્યા Wednesday 28th February 2024 05:19 EST
 
 

યોગાનુયોગ જી.એમ.ડી.સી આ વર્ષે કચ્છના માંડવીમાં દરિયાકિનારે આવેલા ક્રાંતિતીર્થની નવી સજાવટ કરી રહ્યું છે. આ સ્મારક અહીની લીમડાવાળી ગલીના નાનકડા ઘરમાં જનમેલા અને છેક ઈંગ્લેન્ડ, ફ્રાંસ તેમ જ જીનીવામાં સ્થાયી થઈને ભારતીય સ્વાતંત્ર્ય સંઘર્ષ માટે જિંદગીના છેલ્લા દિવસ સુધી અજેય રહેલા કચ્છી ભાનુશાલી પંડિત શ્યામજી કૃષ્ણવર્માની સ્મૃતિમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે, જીનીવાથી ક્રાંતિકાર દંપતીના અસ્થિ લાવીને સ્મારક બનાવવામાં આવ્યું. લોકો અહી સ્વયંભૂ અંજલિ આપીને પ્રેરિત થાય છે. હવે તેના પુન:નિર્માણમાં ક્રાંતિકારોના જીવન અને કર્મ, લંડનમાં 1905 માં ઊભું કરવામાં આવેલ ઈન્ડિયા હાઉસની યથાતથ ઇમારત, મ્યુઝિયમ અને લાઇટ એન્ડ સાઉન્ડ જેવાં આકર્ષણો ઉમેરાયા છે, જે નવી યુવા પેઢીને માટે પ્રેરક બનશે.
 રસપ્રદ વાત એ પણ છે કે આ નિમિત્તે બીજા એક ગુજરાતી પત્રકાર (જેને ગુજરાત મુખ્યત્વે મહાગુજરાત આંદોલનના સૂત્રધાર ઇન્દુચાચાના નામે ઓળખે છે) ઇંદુલાલ યાગ્નિકે છેક લંડન-પેરિસમાં બેસીને , 1935માં લખેલી આ બીજા ક્રાંતિકાર પત્રકાર પંડિત શ્યામજી કૃષ્ણવર્માનું જીવન ચરિત્ર લખ્યું, અને તે 1950 માં છપાયું હતું તેનો મૂળ અંગ્રેજીમાથી પહેલીવાર ગુજરાતી અનુવાદ પ્રકાશિત થઈ રહ્યો છે.
મોટો સવાલ તો છે કે આઝાદીના આટલાં વર્ષો સુધી તેનો અનુવાદ થયો નહિ તે છે. જયંતિ દલાલે ગતિ સામયિકમાં તે છાપયનો ઉલ્લેખ અંગ્રેજી પુસ્તકની પ્રસ્તાવનામાં લેખકે કર્યો છે. પણ તેનું પુસ્તક?
1968ના એક દિવસે ભદ્રની ઇંપિરિયલ બેકરીની ઉપર આવેલા ઓરડામાં એક પથારી અને એક લખવાનું ટેબલ એટલો તેમનો વૈભવી નિવાસ હતો, ત્યાં જઈને તેમને મળીને શ્યામજીના સ્મારક માટે વધુ સક્રિય થાઓ એવી ઈચ્છા વ્યક્ત કરી ત્યારે તેમણે રૂઢ ભાષામાં નિરાશા પ્રકટ કરી હતી કે એમાં કાંઇ નહિ વળે... એ તેમના અનુભવનો સાર હતો. આજે જુઓ ને,મેહમ દાવાદના છેવાડે આવેલા તેમના નિવાસ અને આશ્રમની કેવી ખરાબ હાલત છે?
...પણ શ્યામજી-સ્મરણનું એવું નસીબ નથી એવું આશ્વાસન લઈ શકાય. ઇંદુલાલનું લખેલું શ્યામજી જીવનચરિત્ર ગુજરાતી વાંચકોને હવે સાંપડશે. તેની અંગ્રેજી આવૃત્તિ પણ પછીથી પ્રકાશિત થઈ હોવાનું જાણમાં નથી. હમણાં વિશ્વ પુસ્તક મેળો થયો ત્યાં દિલ્હીમાં બેત્રણ પ્રકાશકોને પુછ્યછયું પણ જવાબ ન-કારમાં હતો.
એક બીજું ઐતિહાસિક પ્રકાશન પણ ગુજરાતી પત્રકારત્વના વૈશ્વિક પ્રદાનનો અંદાજ આપશે. લંડનથી 1905માં એક અંગ્રેજી સામયિક પ્રકાશિત થયું તે ઇંડિયન સોશ્યોલોજિસ્ટ. આ સામયિકના તંત્રી શ્યામજી કૃષ્ણવર્માએ લંડન, પેરિસ અને જીનીવા એમ ત્રણ સ્થળાંતર સાથે છેક 1922 સુધી જીવંત રાખ્યું. દુનિયાભરના ક્રાંતિકારો. ઉદારવાદી પશ્ચિમી વિવેચકો, પત્રકારો, રાજકીય સમીક્ષકો અને હાઉસ ઓફ લોર્ડઝથી માંડીને આઈરિશ અને ઇજિપ્સીયન આંદોલનકરીઓ સુધી તે લોકપ્રિય રહ્યું.
આપણાં આંતરરાષ્ટ્રીય ખ્યાત સમાજશાસ્ત્રી એ. એમ. શાહે “ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલી” માં પોતાના લેખમાં સૌ પ્રથમ સ્વીકાર કર્યો કે આ અખબારનું સમાજશાસ્ત્રીય દ્રષ્ટિથી ભારતના કોઈ સમાજશાસ્ત્રીએ મૂલ્યાંકન જ કર્યું નથી!”
જો કે તેના અંકો ક્યાંય પ્રાપ્ત થતાં ના હોવાનું એક કારણ જરૂર દર્શાવી શકાય. પણ તો પછી સંશોધનનો અર્થ શું? એ જ ને કે કોઈ અંધાર ખૂણે ગોપિત આવા મૂલ્યવાન દસ્તાવેજોને શોધી કાઢવા. છેવટે એ થયું. શરૂઆતમાં તેના પ્રથમ ત્રણ વર્ષ, 1905,1906, 1907ના અંકો મુંબઈના ભાઈ મંગળ ભાનુશાલીએ મેળવ્યા. તેનું તો પ્રકાશન થયું, પણ પછી, બીજા અંકો? કારણ કે પછીના વર્ષોમાં પંડિતજીએ ધૂવાધાર પ્રવૃત્તિનો માહોલ સર્જ્યો હતો. હીંડમેન જેવા ઉદારવાદી અંગ્રેજ, ગાય-દ-અલ્દ્રેડજેવો આઈરિશ પત્રકાર, ફ્રીમેન અને સાથીદારો, વીરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય, લાલા હરદયાલ, બેરિસ્ટર સરદાર સિંહ રાણા, મેડમ કામા, જે.એમ. પરિખના સહયોગથી હોમરૂલની પ્રથમ સ્થાપના જ લંડનમાં થઈ. ઈન્ડિયા હાઉસમાં 1857ની ક્રાંતિની ભવ્ય ઉજવણી થઈ. વીર સાવરકરે ઈન્ડિયા લાઈબ્રેરી ખંખોલીને “ભારતના પ્રથમ સ્વાતંત્ર્યસમર 1857” પુસ્તક રચ્યું તે છપાયા પહેલા જ પ્રતિબંધિત થયું. ભારતમાં તે ભગતસિંહ અને સાથીદારોએ પ્રકાશિત કર્યું, પેરિસમાં છપાયું. મદનલાલ ધિંગરા પણ ઈન્ડિયા હાઉસનો છાત્ર. યાદ રહે કે અહી રહેનારા બધા વિદ્યાર્થીઓને શ્યામજી અને બેરિસ્ટર રાણાની છાત્રવૃત્તિ મળતી હતી. છાત્રવૃત્તિની પહેલી શરત હતી કે તેઓ બ્રિટિશ માલિકોની નોકરી નહિ કરે. ધિંગરાએ કરઝન વાયલીને જાહેર સમારંભમાં ઠાર માર્યો અને હસતાં ચહરે ફાંસી પર ચઢી ગયો. આ અને આવી અસંખ્ય ઘટનાઓ-યુરોપ, અમેરિકા, એશિયા અને ભારતની- આ સામયિકમાં વિગતે જોવા મળે છે. કહો કે 1905 થી 1922ના વર્ષોનો સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત સંઘર્ષ અને રાજનીતિનો ઇતિહાસ મળી રહે છે. એટ્લે તો રશિયન પત્રકાર મેકસિમ ગોર્કીએ કહ્યું, “શ્યામજી તો ભારતના મેઝીની હતા!
સ્વતંત્રતાના 50 વર્ષો સુધી તો આ બધુ ધૂળમાં દટાયેલું રહ્યું. પછી પવન પલટાયો. તેમાં વિસ્મૃત શ્યામજીનું સ્મારક થયું. પુણેમાં સાવરકર સંગ્રહાલય થયું. પંજાબમાં ગદર સંગ્રહાલય બન્યું. ઉધમસિંહ, જેને પેન્તોવિલા જેલમાં ફાંસી મળી હતી તેના અસ્થિ ભારત લાવવામાં આવ્યા. ધિંગરાનું સ્મારક બન્યું. લાલ કિલ્લા પરથી આઝાદ હિન્દ સરકારની સ્મૃતિ ઉજવવામાં આવી.
શ્યામજીના ઇંડિયન સોસયોલોજિસ્ટ ના તમામ અંકો અંગ્રેજીમાં છે, તે યથાતથ રીતે ગ્રંથના આકારે પ્રસિદ્ધ થશે. એજ રીતે યાગ્નિકનું શ્યામજી પર લખાયેલું જીવંચરિત. એ અંગ્રેજીમથી ગુજરાતીમાં પ્રાપ્ત થશે.
એક ત્રીજા મહાન ગુજરાતીનું સ્મરણ અચૂક કરવું જોઈએ તે બેરિસ્ટર સરદારસિંહ રાણાનું. આંતર રાષ્ટ્રીય સ્તરે તેઓ ટાગોરથી સુભાષ સુધીના સંપર્કોમાં હતા. તેમણે જ ઇંદુલાલને 1930ની 31મી માર્ચે વિદાય પામેલા આજીવન સાથી શ્યામજીના મહાન પ્રદાનની સમગ્ર દસ્તાવેજી વિગતો પૂરી પાડી અને આ પુસ્તક માટે પ્રેરિત કર્યા. બોલો, 73 વશ પૂર્વેનું એક પુસ્તક અને સવાસો વર્ષ પૂર્વેનું પત્રકારત્વ-બંનેમાં ગુજરાતી પ્રદાન, યાદ કરવા જોઈએ કે નહિ?


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter