યાદ કરીએ, 16 વર્ષ અગાઉ 2008ની 26 નવેમ્બરે પાકિસ્તાની રાજ્યપ્રાયોજિત ત્રાસવાદીઓએ ઘૃણાના કાયરતાપૂર્વક કાર્યમાં મુંબઈના નિર્દોષ લોકો પર હુમલો કર્યો હતો. આ હુમલાઓ છત્રપતિ શિવાજી મહારાજ રેલવે સ્ટેશન, લીઓપોલ્ડ કાફે અને હોસ્પિટલો પર કરાયા હતા. હુમલાનો આતંક નરીમાન હાઉસ (જ્યુઈશ ચાબાડ) અને વૈભવી હોટેલ્સ - ઓબેરોય ટ્રાઈડન્ટ, તાજ મહાલ પેલેસ અને ટાવર તાજ હોટેલ સહિતના લોકેશન્સ પર પણ છવાયેલો રહ્યો હતો.
મારા મતે, આજના દિવસ સુધી પણ આ હુમલાના પીડિતોને સાચો ન્યાય મળ્યો નથી. તત્કાલીન પ્રાઈમ મિનિસ્ટર ડો. મનમોહન સિંહના નબળા નેતૃત્વ હેઠળ આપણે નિહાળ્યું કે આવા ત્રાસવાદી હુમલાઓ માટે ભારતની તૈયારીની અકાર્યક્ષમતાને દર્શાવતી ઘટનાઓ ખૂલતી રહી હતી. કોંગ્રેસ પાર્ટી તો હંમેશાંથી તેની મતબેન્ક કટ્ટર ઈસ્લામવાદીઓની તરફેણ કરતી રહી છે. તેમણે કટ્ટરવાદીઓ અને આ કિસ્સામાં ત્રાસવાદીઓનું તુષ્ટિકરણ જ કર્યું છે. અને તેઓ અમેરિકાના ઉટપટાંગ તરંગો પર માથુ નમાવતા જ આવ્યા છે જેઓ આખરે પાકિસ્તાનના નિષ્ફળ રાષ્ટ્રના પપેટ માસ્ટર (કઠપૂતળી નચાવનારા માલિકો) જ છે.
મેં હુમલા કરાયેલા સ્થળોની મુલાકાત લીધી હતી. હું 2010ની 20 જાન્યુઆરીએ કેન્ટના પ્રિન્સ માઈકલની સાથે હતો જ્યારે અમે મુંબઈના ચાબાડ નરીમાન હાઉસની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં અમારી સાથે ઈઝરાયેલી કોન્સલ જનરલ ઓર્ના સાગિવ અને ચાબાડ મુંબઈ રીલિફ ફંડના ડાયરેક્ટર રેબી આવરાહામ બેર્કોવિટ્ઝ પણ હતા. અમે આ બહુમાળી ઈમારતના દરેક માળ પર ચાલી રહ્યા હતા ત્યારે દરેક દીવાલ, સ્ટેરકેસ અને છતોમાં બૂલેટ્સના સંખ્યાબંધ હોલ્સ નિહાળતા તમને આઘાત સિવાય અન્ય કોઈ લાગણી ન અનુભવાય. આવા સંપૂર્ણ નાશ પામેલા બિલ્ડિંગ પાછળ છોડી જવાનું થાય તેવી હિંસાની તીવ્રતાથી દરેક દેખીતી રીતે જ વ્યાકુળ નજરે પડતા હતા. અમે મેનોરાહ જોવા માટે છત પર પણ ગયા હતા. ભારતીય કમાન્ડોએ ઘેરાબંધીનો અંત લાવવા જે સ્થળે તેમનું હેલિકોપ્ટર ઉતાર્યું હતું ત્યાં જ મેનોરાહ ખડું હતું.
આ આતંકવાદી હુમલાઓમાં 165થી વધુ લોકોના મોત નીપજ્યા હતા અને 300થી વધુને ઈજા પહોંચી હતી. કોઈ પણ દેશે સહન કરવી પડી હોય તેવી આ ભારે કિંમત હતી. અમે પશ્ચિમી દેશોમાં નિહાળ્યું છે કે તેઓ કેવી રીતે આવી કરૂણાંતિકાઓની યાદ જોરશોરથી ઉપસાવે છે જેથી દેશે તેના દુશ્મનોની શેતાનિયત સામે કેટલાં બલિદાનો આપ્યા છે તેનું સ્મરણ નાગરિકોને થતું રહે. ભારત કટ્ટર ઈસ્લામવાદીઆના હાથે અને બ્રિટિશ રાજ દરમિયાન પણ તેના લાખો લોકોનો વિનાશ થયો તેના પોતાના ઈતિહાસ પ્રતિ કર્તવ્યમાં સતત નિષ્ફળ થતું રહ્યું છે. તેની ગુલામી, તેનું શોષણ-દુરુપયોગ અને લાખોની સંખ્યામાં પહોંચેલા મૃત્યુઆંકના ઈતિહાસને કદી વર્ણવાયો નથી કે યાદ કરાયો નથી. ભારત હજુ પણ તેના આક્રમણખોરોનો ઈતિહાસ શીખવે છે જ્યારે જેમણે આખરી કિંમત ચૂકવી છે તેમને ઘણી સહેલાઈથી વિસારે પાડી દેવાયા છે.
આથી જ, મને ઘણો આનંદ થયો જ્યારે ગયા વર્ષે જ્યારે વડા પ્રધાન મોદીએ કહ્યું કે,‘આ 26/11નો દિવસ આપણને નબળી અને અકાર્યક્ષમ સરકારો દેશને કેટલું નુકસાન પહોંચાડી શકે છે તેનું પણ સ્મરણ કરાવે છે. તમે 2014માં કોંગ્રેસની નબળી સરકારને દૂર કરી અને ભાજપની મજબૂત સરકારને ચૂંટી હતી જેના પરિણામે, આજે દેશમાંથી ત્રાસવાદનો ખાતમો બોલાવાઈ રહ્યો છે.’
આ લેખનું મથાળું, ‘26/11, રખેને આપણે ભૂલી જઈએ’ રખાયું છે. મને આશા છે કે આપણે તેને ભૂલીશું નહિ. હું આશા રાખું છું કે આપણે દર અને પ્રત્યેક વર્ષે આવી શેતાનિયતમાં તેની સંડોવણી બદલ આતંકવાદી પાકિસ્તાની રાષ્ટ્રનો પર્દાફાશ કરતા રહીશું. હું એવી આશા પણ રાખું કે ભારત આખરે રાષ્ટ્રીય સ્તરે સ્મરણ કરાવતા રહે તેવા ઈવેન્ટ્સનો આરંભ કરે તેમજ આપણે હોલોકાસ્ટ મેમોરિયલ ડે તરીકે જે રીતે ઈવેન્ટ્સ યોજાય છે તેમ મોટા પાયે ઈવેન્ટ્સ યોજાતા થાય. જો ભારત તેના પૂર્વજોના બલિદાનોને યાદ કરતા રહેવાનું તેની ભાવિ પેઢીઓને નહિ શીખવે તો અન્ય કોણ શીખવશે?
હું વિદેશપ્રધાન એસ. જયશંકર સાથે સહમત થાઉં છું જેમણે ગયા વર્ષે જણાવ્યું હતું કે,‘આ ભયાવહ કૃત્યોના આયોજન અને અમલી બનાવવા માટેના જવાબદારોને ન્યાયદેવી સમક્ષ ઉભા કરવાના અમારા પ્રયાસ સતત ચાલુ રહેશે.’ 16 વર્ષ વીતી ગયા છે અને તેઓ હજુ રાહ જૂએ છે. રાજકારણીઓ માટે શબ્દોને રમાડવા અને પરિસ્થિતિઓને સાચવી લેવાનું ઘણુ સરળ હોય છે પરંતુ, ખરેખર તો એક્શન લેવાનું આવશ્યક અને મહત્ત્વનું છે. ભારત પર હુમલાની કિંમત ચૂકવવાનું એટલું જોરદાર બનાવો કે ભારતને નુકસાન પહોંચાડનારા લોકો આવું ગાંડપણ હાથ ધરતા પહેલાં અસંખ્ય વખત વિચારતા થઈ જાય.
ઈસપ સાચું કહે છેઃ શેતાનિયતના બીજનો નાશ કરી નાખો અન્યથા તે તમારો વિનાશ કરવા માટે વધતું રહેશે’