હા, બરાબર આજના દિવસે, 1975ની રાતે ભરતવાસીઓએ પહેલીવાર આંતરિક કટોકટી અને પ્રિ-સેન્સરશીપનો પહેલીવાર અનુભવ કર્યો, બંધારણમાં આપેલી જોગવાઈના નામે ચારે તરફ ભય અને ભ્રમના હથોડાથી લોકતંત્રને ઘાયલ કરવાનો આ પહેલો અનુભવ હતો, કદાચ, પહેલો અને છેલ્લો.
તેના વિષે લખાયું તો ઘણું છે, હજુ પણ લખાય છે. જયપ્રકાશ નારાયણ, મોરારજી દેસાઇ, નારાયણ દેસાઇ, લાલકૃષ્ણ અડવાણી, પુરુષોત્તમ માવલંકર, એસ.એમ. જોશી, એન.એ. પાલખીવાળા, ચંદ્રકાન્ત દરૂ,શંકર દયાલ સિંહ, ચંદ્રશેખર, ઉમા વાસુદેવ, બિપિન ચંદ્ર, બિશન ટંડન, બી.જી. વર્ગીઝ, સોમનાથ ચેટરજી, સોલી સોરાબજી, ખુશવંત સિંઘ, પી.એન.ધર, માઈકલ હેંડર્સન, બી.વિવેકાનંદન, જે.એ.નાઇક, ફલી એસ.નરીમાન, બલરાજ મધોક, ડી.એન. માંકેકર, કુમી કપૂર અને નરેંદ્ર મોદી: આટલા લેખકોએ કટોકટીને પુસ્તકોમાં આલેખી છે. રસપ્રદ વાત એ છે કે આમાના ઘણા કટોકટી દરમિયાન વ્યાપક રીતે લાદવામાં આવેલા “મીસા”( ધ મેઇન્ટન્સ ઓફ ઇન્ટરનલ સિક્યુરિટી એક્ટ, 1971) હેઠળ બે વર્ષ સુધી જેલોમાં રહ્યા હતા. મોદી જેવા ભૂગર્ભવાસી હતા. અટલ બિહારી વાજપેયીને ગલત ઈંજેક્ષન આપવામાં આવ્યું તેથી બીમાર થયા, હોસ્પીટલમાં સારવાર માટે રાખવામા આવ્યા ત્યારે બાજુના મૃતદેહ-ખંડમાં સંભળાતા સ્વજનોના ચીત્કારોથી કાવ્ય લખ્યું, “દૂર કહી કોઈ રોતા હૈ.. “ તે પહેલાનું તેમનું ગીત “ટૂટ શકતે હૈ, મગર હમ ઝૂક નહિ શકતે.. “ જેલની બહારના સંઘર્ષનું પ્રેરણા ગીત બની ગયું હતું. “કૈદી કવિરાય કી કુંડલિયા” તેમનો હિન્દી કાવ્યના કુંડળી-પ્રકારનો સંગ્રહ છે.
એ દિવસો હતા જ સેન્સરશીપના. ડી’પેનહા નામના પૂર્વ અધિકારીને તેનું સુકાન સોંપાયું હતું. પરિણામ? કેટલાંક અખબારોનું વીજ-જોડાણ કાપી નાખવામાં આવ્યું. 4 જુલાઈ 1975ના એક અભૂતપૂર્વ સેન્સરશીપ ગાઈડ લાઇન્સ જાહેર કરવામાં આવી. અંદાજે ભારતમાં 37,000 પ્રકાશનો (અખબાર, સામયિક, પુસ્તક સહિત) પર તે લાગુ પાડવામાં આવી. ઠેરઠેર રાજ્યોમાં સેન્સર ઓફિસો સ્થાપવામાં આવી. પત્રકારત્વના અનુભવનો અભાવ હોવા છતાં કેટલાક ટ્રાફિક અધિકારીઓને આ કામ માટે બેસાડવામાં આવ્યા. માહિતી પ્રધાન વિદ્યાચરણ શુકલે અમદાવાદની ખામોશ પત્રકાર પરિષદમાં કહ્યું કે સેન્સરશીપને લીધે અફવાઓ અટકી ગઈ છે એટ્લે તે જરૂરી છે. ખરેખર? મનુષ્યને જ્યાં માહિતીનો અંધારપટ હોય ત્યાં જુદા રસ્તાઓથી માહિતી મેળવવાની ઉત્સુકતા વધે છે. તેવું જ થયું. બીબીસીના સંવાદદાતાના કહેવા પ્રમાણે “ભારતીય પત્રકારત્વ જૂની વસ્તુઓનું સંગ્રહાલય બની ગયું હતું”. ટ્રેન સમયસર ચાલે છે, કર્મચારી બરાબર નિયમિત કામ કરે છે. અસમાજીકો જેલમાં છે. વીસ મુદ્દાનો કાર્યક્ર્મ દેશની દિશા બદ્લાવી રહ્યો છે વગેરે, વગેરે અહેવાલો.એટ્લે શરૂ થયા ભૂગર્ભ-પત્રો! બરાબર રશિયન સામ્યવાદી સ્ટેલિન શાસન દરમિયાન ત્યાં “સેમિઝ્દાત” નામે ભૂગર્ભ પત્રિકાઓ શરૂ થઈ તેવું જ અહી બન્યું. જે ભૂગર્ભ પત્રો પ્રકાશિત થયા ગુજરાતીથી કન્નડ, પંજાબીથી તેલુગુ.. તમામ ભાષાઓમાં જીવના જોખમે તે છપાયા. તેના કેટલાંક નામો જનતા સમાચાર. જનતા છાપું, સત્યાગ્રહ સમાચાર, મુક્ત વાણી, દાંડિયો, જનજાગૃતિ, નિર્ભય, લોકશક્તિ, ચિનગારી, વંદેમાતરમ, અરુણોદય, જનસંઘર્ષ, વજ્રયુદ્ધમ., જન વાણી, જનતા સમાચાર, દર્પણ, સ્ટ્રગલ અને બીજા. લોકોના હાથમાં ચૂપચાપ પહોંચતા. એકથી બીજે. વિદેશે પહોંચી ગયેલા મકરંદ દેસાઇ, રામ જેઠમલાની, સુબ્રમણ્યમ સ્વામિ, અંજલિ પંડ્યા વગેરેએ સત્ય વાણી શરૂ કરું તે વિદેશોના રાજકીય નેતાઓ, અખબારો, અને ભારતમાં પહોંચતું હતું. તેને લીધે 50 જેટલા નોબલ વિજેતાઓએ ન્યુયોર્ક ટાઇમ્સમાં પૂરા પાનામાં ઈંદિરાજીને કટોકટી ઉઠાવી લેવાની અપીલ કરી. ભારતમાં ભૂગર્ભ પ્રવૃત્તિનું સંચાલન જે કેટલાક હાથોમાં હતું તેમના એક આજે વડાપ્રધાન છે!
..પણ તત્કાલિન કટોકટી અને સેન્સર શીપ બે વર્ષ સુધી ચાલ્યા. એક લાખ દસ હજાર વિપક્ષી નેતાઓ, કાર્યકર્તાઓ, સમાજવાદીઓ, જેપી આંદોલનકારો, વિદ્યાર્થીઓ, મહિલાઓ દેશની જુદીજુદી જેલોમાં રાખવામા આવ્યા. 45 પત્રકારોને અમાન્ય કરાયા. બે કાર્ટૂનિસ્ટ, છ કેમેરામેનનો તેમાં ઉમેરો કરવામાં આવ્યો. સાત વિદેશી સંવાદદાતાને હદપાર કરાયા. 29 વિદેશી પત્રકારોને ભારત પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો. હેબિયસ કોર્પસ જેને બંધારણ અને ન્યાયાલયની જીવનરેખા ગણવામાં આવે છે તેની સમગ્ર સુનાવણી 70 દિવસ ચાલી. 28 એપ્રિલ, 1976ના સર્વોચ્ચ અદાલતના પાંચમાથી ચાર ન્યાયમૂર્તિઓએ ચુકાદો આપ્યો કે કટોકટી દરમિયાન ન્યાયાલયમાં દાદ માગવાનો કોઈને અધિકાર નથી. એક માત્ર જસ્ટિસ હંસરાજ ખન્નાએ અલગ ચુકાદો આપીને કહ્યું કે દુનિયાની કોઈ સત્તા આ માનવીય મૂળ અધિકારોને નષ્ટ કરી શકે નહિ. ન્યાયતંત્રને નજરમાં રાખવાનું કામ સરકારે ચાલુ રાખ્યું. જસ્ટિસ ખન્નાને સર્વોચ્ચ અદાલતના વડા ન્યાયમૂર્તિ બનતા અટકાવી દેવામાં આવ્યા. દેશના ચૌદ ન્યાયમૂર્તિઓની બદલી કરી નાખવામાં આવી. તેમાં ગુજરાતનાં જસ્ટિસ મહેતા, શેઠ અને દીવાન પણ સામેલ કરવામાં આવ્યા. તેઓ કટોકટી અને સેન્સરશીપની વિરુદ્ધમાં ચુકાદા આપ્યા હતા. ઓપીનિયન, ઓર્ગેનાઇઝર,વિક્રમ, સેમિનાર, હિમ્મત,ઉત્થાન, હીતવાણી, સંયોજક, ન્યાયપથ, ખુશહાલ, મઝદૂર અવાઝ, એક જ્યોત, કરનાલ કી આવાજ, ચેતના,લોકલહર, કૌમી દર્દ, જત્થેદાર, પંજાબ કેસરી, હિન્દ સમાચાર.મરાઠી સાધના .. આમ ગણો તો આ ટચૂકડા અખબારો હતા, પણ લોકતંત્રના અવાજની લાજ રાખવામા શિખર બનીને રહ્યા. ગુજરાતમાં જ્યોર્જ ફર્નંડીઝની સાથે કથિત “બરોડા ડાયનેમાઈટ કેસ”માં પકડાયેલાઓમાં બે પત્રકારો વિક્રમ રાવ અને કિરીટ ભટ્ટ પણ હતા!
અમૃતકાલનો આ અંધારપટ બે વર્ષ સુધી ચાલ્યો. જૂન 1975ના આજના દિવસથી 1977ના જાન્યુઆરીના પહેલા સપ્તાહ સુધી તેનું સામ્રાજ્ય ચાલ્યું. લોકતંત્ર, અને સંવિધાનની એ સૌથી આકરી અગ્નિ પરીક્ષા હતી. ભાવનગરની જેલમાં એક અટકાયતી અમને પંડિત ઓમકારનાથજીનું ગીત સંભળાવતો. 1930ની ઐતિહાસિક સ્વાતંત્ર્ય લડાઈ વખતે ઓમકારનાથજીની એ “ભીષ્મ પ્રતિજ્ઞા”-
ગિરિસે ગીરાઓ, મઝધારમે બહાઓ/મહાસાગરમે ડૂબાઓ, કિન્તુ હાથ નહિ જોડેંગ/ ચિતામે ભી ખાખ હોતે , ટેક નહિ તોડેંગે!
અમૃતકાલના આજના અક્ષત લોકતંત્રની પાછળ આ શક્તિ સંકલ્પ છે.