ભગવદ્ ગીતાના 11મા અધ્યાય વિશ્વરૂપદર્શનમાં ભગવાન કૃષ્ણ પોતાનું દિવ્ય સ્વરૂપ દર્શાવે છે ત્યારે ભગવાનના મુખમાં અસંખ્ય બ્રહ્માંડ, તારા, સૂર્ય અને ગ્રહોનો વ્યાપ નિહાળીને અર્જૂન સ્તબ્ધ બની જાય છે. આ જ્ઞાન સનાતન ધર્મમાં છે કે આજે આપણે એલિયન્સ કે પરગ્રહવાસી કહીએ છેએ તેવા સજીવો પણ અસ્તિત્વ ધરાવે છે પરંતુ, વિજ્ઞાન તેને પ્રતિપાદિત કરી શક્યું નથી. જોકે, આનંદના સમાચાર એ છે કે ભારતીય એસ્ટ્રોફીઝિસિસ્ટ ડો. નિક્કુ મધુસૂદનના નેતૃત્વ હેઠળ ખગોળશાસ્ત્રીઓની ટીમે અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા)ના અતિ શક્તિશાળી જેમ્સ વેબ ટેલિસ્કોપ (JWST)ની મદદથી પહેલી વખત આપણી સૌરમાળાની બહારના ગ્રહ પર જીવન હોવાના વધુ વિશ્વસનીય સંકેતો મેળવ્યા છે. ડો. નિક્કુની ટીમે પૃથ્વીથી 124 પ્રકાશવર્ષના અંતરે એટલે કે 700 ટ્રિલિયન માઈલ દૂર એક એક્ઝોપ્લેનેટ K 2-18 b શોધી કાઢ્યો છે
જેમ્સ વેબ ટેલિસ્કોપ પાસેથી મળેલા ડેટાના આધારે K 2-18 b એક્ઝોપ્લેનેટના વાતાવરણનો અભ્યાસ કરતા તેના વાતાવરણમાં DMS (ડાઈમિથાઈલ સલ્ફાઈડ) અને DADS (ઈમિથાઈલ ડાયસલ્ફાઈડ) અણુઓની હાજરી વર્તાઈ હતી. રસપ્રદ બાબત એ છે કે આ પ્રકારના અણુ ફક્ત જૈવિક ક્રિયાથી જ પેદા થતા રસાયણના સંકેત આપે છે. આપણી પૃથ્વીના સમુદ્રોમાં શેવાળ (અલ્ગાઈ) પ્રકારની વનસ્પતિ ડાયમિથાઈલ સલ્ફાઈડ રસાયણ પેદા કરે છે જે જીવનની હાજરી દર્શાવે છે. આના પરથી ધારણા કરી શકાય કે એક્ઝોપ્લેનેટ K 2-18 b પર પણ શેવાળ જેવું પ્રાથમિક જીવન હોઈ શકે છે. ડાઈમિથાઈલ સલ્ફાઈડ અને ડાઈમિથાઈલ ડાયસલ્ફાઈડ વાયુઓ સમુદ્રની અંદર રહેલાં ફાઈટોપ્લાન્કટન અને બેક્ટેરિયા દ્વારા પેદા કરવામાં આવે છે. એસ્ટ્રોફિઝિકલ જર્નલ લેટર્સમાં પ્રકાશિત સંશોધન અનુસાર ઉપલબ્ધ ડેટાના વિશ્લેષણના આધારે પરિણામો 99.7 ટકા વિશ્વસનીય હોવાનું મનાય છે.ડેટાનું વિશ્લેષણ કરવામાં 12 મહિના લાગ્યા હતા.
જોકે, ડો. નિક્કુ મધુસુદને એવી સ્પષ્ટતા પણ કરી છે કે અમારું આ સંશોધન કાંઇ સચોટ પુરાવો નથી. અમે અમારા સંશોધનમાં બહુ કાળજી સાથે આગળ વધી રહ્યા છીએ. આમ છતાં, પરગ્રહ K 2-18 bના વાતાવરણમાં જે બે રસાયણનાં તત્વો હોવાનો સંકેત મળ્યો છે તેના દ્વારા આપણી સૌરમાળા બહાર પણ જીવ હોવાનો મજબૂત સંકેત તો જરૂર છે. પ્રોફેસર મધૂસૂદનના જણાવ્યા અનુસાર પૃથ્વી સિવાય અન્ય કોઈ ગ્રહ પર જીવન હોવાની સંભાવના વિશે આ સૌથી મજબૂત પુરાવા છે. જોકે, સંશોધન અને વિશ્લેષણો પછી એક અથવા બે વર્ષની અંદર આ સત્યની પુષ્ટિ કરી શકાશે.
આ અભ્યાસમાં નહિ સંકળાયેલા યુનિવર્સિટી ઓફ એસેક્સના DMS (ડાયમિથાઇલ સલ્ફાઇડ) નિષ્ણાત ડો. માઇકલ સ્ટેઇન્કે કહ્યું છે કે આ ગેસ ‘અબાયોટિક’ રીતે અથવા જીવન વિના, પણ અવકાશમાં ઉત્પન્ન થઈ શકે છે તેમ સૂચવતા તાજેતરના અભ્યાસોને ધ્યાનમાં રાખવા મહત્વપૂર્ણ છે. તેમણે શું બીજા ગ્રહ પર પૃથ્વી જેવું જીવન હોઈ શકે છે તે વિશે પેપર વાંચવા અને જોવા માટે ઉત્સાહ દર્શાવ્યો હતો.
એસ્ટ્રોફીઝિસિસ્ટ ડો. નિક્કુ મધુસૂદન કોણ છે?
કેમ્બ્રિજ યુનિવર્સિટીના ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોનોમીના ડો. નિક્કુ મધુસૂદને જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ ના ડેટાનો ઉપયોગ કરીને જાહેર કર્યું છે કે 124 પ્રકાશ વર્ષ દૂર એક તારાની આસપાસ ભ્રમણ કરતો પાણીથી ઢંકાયેલો ગ્રહ K2-18b શેવાળ જેવા સૂક્ષ્મજીવોથી ‘ભરપૂર’ હોઈ શકે છે. 1980 માં જન્મેલા ડો. નિક્કુ મધુસૂદને વારાણસીની ઈન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજીમાંથી બેચલર ઓફ ટેક્નોલોજીની ડિગ્રી મેળવ્યા પછી મેસેચ્યુએટ્સ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી અને પ્લેનેટરી સાયન્સમાં પીએચ.ડી. પણ પૂર્ણ કર્યું છે. મેસેચ્યુએટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાંથી અભ્યાસ કરતાં કરતાં તેમણે વિખ્યાત એક્ઝોપ્લેનેટ અંગેના સંશોધક ડો. સારા સેગર સાથે કામ કર્યુ હતું. હાલ તેઓ યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજમાં પ્રોફેસર તરીકે પણ સેવા આપવા સાથે એક્ઝોપ્લેનેટના વાતાવરણ અને તેની સરંચનાનો અભ્યાસ કરે છે. તેમનું સંશોધન મહદંશે જીવન માટે સાનુકૂળ સ્થિતિ હોય એવા હાઈડ્રોજનથી સમૃદ્ધ વાતાવરણ ધરાવતા સમુદ્ર સાથેના ગ્રહોનું છે.
K 2-18 b એક્ઝોપ્લેનેટ કેવો છે?
આમ તો K 2-18 b એક્ઝોપ્લેનેટની શોધ 2015માં નાસાના કેપ્લર સ્પેસ ટેલિસ્કોપ દ્વારા થઇ છે. એક્ઝોપ્લેનેટ K 2-18 b તેના તારાની ફરતે 32.9 દિવસમાં એક ચક્કર મારે છે એટલે કે તેનું એક વર્ષ પૃથ્વીના 32.9 દિવસ જેટલું જ છે! એક્ઝોપ્લેનેટ K 2-18 bનું દળ પૃથ્વી કરતાં 8.92 ગણું અને કદ પૃથ્વીથી બમણું છે અને તેને સુપર અર્થની શ્રેણીમાં મુકાયો છે એટલે કે તેને આપણી પૃથ્વી જેવો જ ગ્રહ માની શકાય છે. આ એક્ઝોપ્લેનેટ એવો છે કે જ્યાં સમુદ્ર હશે અને તેના વાતાવરણમાં ઘટ્ટ હાઈડ્રોજન હશે. જો કે એ મહાસાગરનું નિશ્ચિત તાપમાન કેટલું હશે એ કહી ન શકાય પરંતુ, પૃથ્વી પરના સમુદ્રના તાપમાન કરતાં આ એક્ઝોપ્લેનેટ પરના સમુદ્રનું તાપમાન થોડું ઊંચું હશે તેમ માની શકાય. આ ગ્રહ હાયશન( હાયશન શબ્દ હાઇડ્રોજન અને ઓશન એમ બે શબ્દ પરથી આવ્યો છે) છે. એટલે કે K 2-18 b ગ્રહ જળથી ઘેરાયેલો હોય અને તેના વાતાવરણમાં હાઇડ્રોજનનું પ્રમાણ પણ હોવાની પૂરી શક્યતા છે. આ ગ્રહ તેના પિતૃ તારા કૂલ રેડ ડ્વાર્ફથી હેબિટેબલ ઝોન(જીવન પાંગરવાની શક્યતા ધરાવતો વિસ્તાર)માં છે. આ પિતૃ તારો આપણા સૂર્યના કદ કરતાં અડધા કદનો છે. પ્રથમ વખત 2023માં જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપના ડેટામાં આપણી સૌરમાળા બહારના પરગ્રહના વાતાવરણમાં કાર્બન-આધારિત અણુઓ મીથેન અને કાર્બન ડાયોક્સાઇડ મળી આવતાં ખગોળજીવવિજ્ઞાનીઓ K2-18b વિશે ઉત્સાહિત થયા હતા.રસપ્રદ બાબત તો એ છે કે 124 પ્રકાશ વર્ષના અંતરે આવેલા K 2-18 b સુધી પહોંચવુ હોય તો અત્યાર સુધીના સૌથી ઝડપી અવકાશયાન, પાર્કર સોલર પ્રોબનો ઉપયોગ કરીએ ત્યારે ત્યાં પહોંચવામાં 187,000 વર્ષ લાગશે.
શોધી કઢાયેલા પરગ્રહ-એક્ઝોપ્લેનેટની સંખ્યા 5869
રાત્રિના સમયે નરી આંખે જોઈ શકાતા તારાની સંખ્યા લગભગ 6000 છે અને નહિ દેખાતા તારા પણ ગણી ન શકાય તેવી સંખ્યામાં છે. આપણા સૂર્યની ફરતે સૌરમાળા છે તેમ બ્રહ્માંડમાં બિલિયન્સની સંખ્યામાં તારાઓ અને તેની ફરતે ગ્રહો પણ હોઈ શકે છે. આ ગ્રહો પરગ્રહ અર્થાત એક્ઝોપ્લેનેટ કહેવાય છે અને વિજ્ઞાનીઓએ અત્યાર સુધી કુલ 985 તારાઓની ફરતે મળેલી કુલ 4,377 ગ્રહમાળામાં 5,869 એક્ઝોપ્લેનેટ શોધી કાઢ્યા છે. આ સંખ્યા વધુ હોઈ શકે તેમ નાસા જણાવે છે ત્યારે અન્યત્ર જીવન હોવાની સંભાવના પણ વધી જ જાય છે.વર્ષોથી આપણા સંશોધકો બ્રહ્માંડમાં પૃથ્વી સિવાય અન્યત્ર જીવન સંભવ છે કે કેમ તેની તલાશ કરી રહ્યા છે. માનવી સિવાયના અન્ય સજીવો અથવા તો એલિયન્સ રહેતા હોય તેવા પરગ્રહમાં જીવન, પાણી, વનસ્પતિ છે કે કેમ તેની શોધ જારી રહી છે.