72 હૂર, ઔરંગઝેબ, કેરાલા સ્ટોરી..... અરાજકતા અને રમખાણોનો ઇરાદો?

ઘટના દર્પણ

વિષ્ણુ પંડ્યા Wednesday 14th June 2023 07:41 EDT
 
 

એક પછી એક એવી ઘટનાઓ બની રહી છે કે તેના પર આપણી નજર ગયા વિના રહે નહિ. તેનું રાજકારણ પણ ખેલવાનું શરૂ થયું. છેક અમેરીકામાં જઈને રાહુલ ગાંધી એવું કહે કે ભારતમાં મુસ્લિમ અને બીજી લઘુમતી સલામત નથી. ત્યારે આ ઈરાદાઓનો અંદાજ આવે છે. એ પહેલા બીબીસીએ 2002 ની ડોક્યુમેન્ટરી બનાવીને વિવાદનો મધપૂડો છેડ્યો ત્યારે જ ઘણાને શંકા આવી કે મૂળ કારણ 2024માં નરેન્દ્ર મોદી, ભાજપ, એનડીએ સત્તા પર ના આવે તેવી ગણતરી સાથે આ બધુ થઈ રહ્યું છે.
...પણ આ માટે કોમવાદ, અલગાવવાદ , ત્રાસવાદ સાથે સમજૂતી કરી શકાય? રાષ્ટ્રપતિને જેમાં કોઈ વાંધો નહોતો તેવા મુદ્દે વિપક્ષો નવા સંસદ ભવનના ઉદઘાટનનો બહિષ્કાર કરે તે વાજબી છે? 2024 માં આ પક્ષોના સભ્યો ચૂંટાઈ આવે તો નવા ગૃહમાં નહીં બેસે?
સવાલો ઘણા છે, જવાબ અળવીતરા છે! ખૂણે ખાંચરે નવા અને નકામા મુદ્દાઓ ઊભા કરવામાં આવી રહ્યા છે.ઔરન્ગઝેબની તરફેણ કરતાં જુલૂસો મહારાષ્ટ્રમાં નીકળ્યા. સાવ યુવા છોકરાઓ તેમાં જોડાયા અને હિંસક તોફાનો કર્યા. તેના બચાવમાં મુસ્લિમ નેતાઓ અને ઓવેસી જેવા કટ્ટર મુસ્લિમ સંગઠનનો નેતા પણ કૂદી પડ્યો. આમાં વાંક તેમનો તો છે જ પણ તેનાથી અધિક નક્કી એજન્ડા સાથે કામ કરનારા કેટલાક ઈતિહાસકારોએ આજ સુધી કોલેજો યુનિવર્સિટીઓ શાળામાં જે અર્ધસત્ય ઇતિહાસ ભણાવવામાં આવ્યો તે છે. આજે પણ એવી “વિદ્વાન” દલીલો કરવામાં આવે છે કે મોહમ્મદ ગઝની કઈ મુર્તિ તોડવા સોમનાથ આવ્યો નહોતો, માત્ર લૂટફાટ કરી હતી, તેની સેનામાં હિન્દુઓ હતા, તે વિદ્વાન હતો.
ઔરંગઝેબ પણ સરળ શહેનશાહ હતો, તેણે મંદિરો બાંધાવ્યા હતા! ટીપુ સુલતાન તો અંગ્રેજોની સામે લડ્યો હતો, હિન્દુ સામે નહિ. ગુજરાતમાં મોહમ્મદ બેગડાના તો એટલા વખાણ થયાં કે તેના તમામ કુકર્મો ઢંકાઈ જાય! બાબરી મસ્જિદ અને જ્ઞાનવાપી વિષે પણ “સંશોધનો” ફેલાવવામાં આવી રહ્યા છે. કેરાલા સ્ટોરી વિષેનો ઉહાપોહ એવો છે કે તેમાં અધૂરી માહિતી છે, ઉશ્કેરણી કરે છે તેના પર પ્રતિબંધ મૂકવો જોઈએ. કોંગ્રેસી રાજ્યોએ તો તેવું કર્યું પણ ખરું. ખરેખર તો નાદાન કન્યાઓને ફસાવી, વટલાવીને તેનો ખતરનાક ઉપયોગ થઈ રહ્યો છે તેની દસ્તાવેજી કહાણી તેમાં છે. 30 વર્ષ પૂર્વે એક ઈસાઈ સાધ્વીએ પણ તેની કરમકહાણી લખી હતી કે મુસ્લિમ દેશોમાં લઈ જઈને આ યુવતીઓનું કેવું શોષણ કરવામાં આવે છે. બોલિવૂડ અભિનેતા નસીરુદ્દીન શાહને તો કેરલા કહાણી અને કશ્મીર ફાઇલ પર એવો ગુસ્સો આવ્યો કે તે વધુ જોવાય છે તે ગમ્યું નહિ “આ ટ્રેન્ડ ખરાબ છે” એવું કહીને ઉમેર્યું કે આપણે ત્યાં જર્મની નાઝી જેવુ વાતાવરણ થઈ રહ્યું છે. કેટલાક મહાનુભાવો તો કહી રહ્યા છે કે આ દેશ રહેવા જેવો નથી. એક કન્નડ સાહિત્યકારે 2014માં એવું કહ્યું હતું કે જો મોદી સત્તા પર આવશે તો હું દેશને છોડી ચાલ્યો જઈશ. એક નાગરિકે 2014 પછી તેને વિમાન ટિકિટ પણ મોકલી આપી હતી.!
અજમેર સેક્સ કૌભાંડમાં કેટલાક મૌલાનાઓ પણ હતા તે વિગતો ચર્ચાના છાપરે ચડી છે ત્યાં 72 હૂર ફિલ્મ આવી રહી છે તેના પર તો ટીવી ચેનલ પર સુધારવાદી અને કટ્ટર મુસ્લિમો જ હાથાપાઈ પર આવી ગયા અને ગાળાગાળી કરે છે. એવું કૈંક આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે ઇસ્લામિક માન્યતા મુજબ મર્દ લોકોને જન્નતમાં 72 હૂર -સુંદર સ્ત્રીઓ સાથે રહેવાનુ બનશે, હવે આ વાત પર કટ્ટર અને જડ માનસિકતા પર પ્રહાર શરૂ થયાં. હજુ હમણાં “હિજાબ” નો વિવાદ શરૂ થયો તે છેક ઈરાન સુધી પહોંચ્યો છે.
રાજકીય પક્ષોએ આવા તત્વોને પોતાનાથી અલગ પાડી દેવા જોઈએ પણ સત્તા મેળવવાની લાલચે એવું થતું નથી. કર્ણાટક ચૂટણીમાં તો કોંગ્રેસે અ-સંવૈધાનિક મુસ્લિમ અનામતને ચાલુ રાખીશું તેવું ઢંઢેરામાં વચન આપ્યું હતું. હવે તે પક્ષ જીત્યો છે એટ્લે તેવું કરશે.
ભારતીય જાહેર જીવનનો ઇતિહાસ એવો છે કે બાકી લઘુમતીઓમાં માત્ર મુસ્લિમ સમુદાય જ એવો છે કે તેના કેટલાક આગેવાનો કોમી ઝનૂન ધરાવે છે, રમખાણો પણ થાય છે. સિખ ધર્મમાં એક સાવ નાનકડો વર્ગ અલગાવમાં માને છે, જે ખાલીસ્થાની ચળવળમાં સામેલ છે.
બૌદ્ધ, જૈન, પારસી, યહૂદી વગેરે શાંત પ્રજા છે. ભારત વિરોધી વલણ ધરાવતી નથી. મુસ્લિમ પ્રજાએ ભારતમાં 200 વર્ષ રાજ્ય કર્યું હતું એટ્લે તેનો અહમ અલગાવ તરફ લઇ જાય છે એવું મૂસ્લિમ વિચારક હમીદ દલવાઇનું વિધાન યાદ કરવા જેવુ છે. એક મૌલાનાએ તો એવું વિધાન કર્યું કે અમે અખંડ ભારત કરીશું, પાકિસ્તાન અને બાંગ્લા દેશના મુસ્લિમોને સાથે લઈને મુસ્લિમ વડાપ્રધાન બનાવીશું!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter