અમદાવાદ, લંડનઃ ‘લાલ પરી’ના હુલામણા નામે બોલાવાતી 73 વર્ષ પુરાણી બ્રિટિશ ક્લાસિક કાર ભારતના અમદાવાદથી યુકેના આબિંગ્ડોન ખાતે તેના મૂળિયાં પાસે પરત ફરી છે. લાલ પરી હેરો પહોંચી તે પહેલા તેણે 14 દેશોનો પ્રવાસ ખેડી 11,000થી વધુ કિલોમીટરનું અંતર કાપ્યું હતું. મેયર કાઉન્સિલર રામજી ચૌહાણ, બેલમોન્ટ વોર્ડના કાઉન્સિલર અંજના પટેલ અને એજવેર વોર્ડના કાઉન્સિલર યોગેશ તેલીએ લાલ પરીનું સ્વાગત કર્યું હતું. તેઓએ 73 વર્ષ જૂની કારમાં ભારતથી લંડન સુધીના પ્રવાસનું અનોખું સાહસ કરનારા પ્રથમ ભારતીયો હોવા બદલ લાલ પરી ટીમના સભ્યોને બિરદાવ્યા હતા.
સૌપ્રથમ વખત 73 વર્ષની જૂની ક્લાસિક કાર ‘લાલ પરી’માં 73 દિવસનો પ્રવાસ ઠાકોર પરિવાર માટે ખરેખર લોંગ ડ્રાઈવ સમાન બની રહ્યો હતો. આ કારમાં તેમણે પસાર કરેલો સમય અવિસ્મરણીય બની રહેશે. અમદાવાદસ્થિત જેસીબી કન્સ્ટ્રક્શન ઈક્વિપમેન્ટ ડીલર દામન ઠાકોર અને તેમના પરિવારે 15 ઓગસ્ટે માર્ગ દ્વારા ભારતના અમદાવાદથી યુકેના લંડન પહોંચવા 73 વર્ષ પુરાણી ક્લાસિક કારને પુનઃ સજ્જ બનાવી હતી.
દામન ઠાકોર સાથે આ સાહસમાં તેમના પિતા દેવલભાઈ, પુત્રી દેવાંશી અને પત્ની ઉદિતાબહેન ઠાકોર જોડાયાં હતાં. આ ઉપરાંત, લાલ પરીની ટીમમાં જાણીતા ડોક્યુમેન્ટરી અને સ્થાપત્ય ફોટોગ્રાફર અને ફિલ્મનિર્માતા વિનય પંજવાણી તેમજ વિન્ટેજ કાર એક્સપર્ટ મુકેશ બરારીઆનો પણ સમાવેશ થયો હતો. આ વિશિષ્ટ સાહસમાં આવી શકનારા પડકારોને ધ્યાનમાં રાખી ભારતમાં જ નિર્માણ કરાયેલી તાતા કેમ્પર વાનને સપોર્ટ કામગીરી માટે રખાઈ હતી જેને ‘લાલ પરી કી સહેલી’ નામ અપાયું હતું.
દામન ઠાકોરે આ સાહસયાત્રા અને તે દરમિયાન અનુભવો વિશે વાત કરતા જણાવ્યું હતું કે, ‘ આ માત્ર કોઈ લક્ષ્ય જ ન હતું પરંતુ, સમગ્ર યાત્રા, પ્રવાસ દરમિયાન અસાધારણ લોકો સાથે મુલાકાત, અમે જે દેશો અને શહેરોમાંથી પસાર થયા ત્યાંના હજારો અજાણ્યા લોકો સાથે સ્મિતની આપ-લેની પણ યાત્રા હતી. આ યાત્રા એક સ્થળેથી બીજાં સ્થળે પહોંચવાનું સાહસ જ નહિ પરંતુ, લોકો, સંસ્કૃતિ, વાતાવરણ અને અનુભવોની સમૃદ્ધિ પ્રાપ્ત કરવા વિશે પણ હતી.’
‘લાલ પરી’ની યાત્રાનો આરંભ અમદાવાદથી થયો હતો અને તે મુંબઈ પહોંચી હતી. મુંબઈથી તેને જહાજમાં દુબઈ અને ત્યાંથી ઈરાન લઈ જવાઈ હતી. આ યાત્રામાં આગળ વધતા ‘લાલ પરી’એ તુર્કિયે, ગ્રીસ, બલ્ગેરિયા, નોર્થ મેસેડોનીઆ, આલ્બેનીઆ, મોન્ટેનેગ્રો, ક્રોએશિયા, સ્લોવેનિયા, ઈટાલી, સ્વિટ્ઝર્લેન્ડ, ફ્રાન્સનો પ્રવાસ ખેડ્યો હતો અને છેલ્લે 25 ઓક્ટોબરે યુનાઈટેડ કિંગ્ડમ પહોંચી 26ઓક્ટોબરે લંડન આવી ગયા હતા.
સાહસયાત્રા વિશે વધુ જણાવતા ઠાકોરે કહ્યું હતું કે, ‘ગત 73 દિવસના સમયગાળામાં દરેક દિવસ અમે દરરોજ પ્રવાસ કરતા હતા તે માર્ગોની માફક જ અનેક વળાંકોથી ભરપૂર રહ્યો હતો. બ્રેકડાઉન્સ, હવામાનમાં ચડાવઉતાર અને આયોજનોમાં અચાનક ફેરફાર જેવી બાબતોઆ સાહસમાં સામાન્ય બની ગઈ હતી. ઘણી વખત બ્રેકડાઉન્સ થવાના કારણે અમે કારના મુખ્ય પાર્ટ્સનું સમારકામ કરતા શીખી ગયા હતા. જોકે, લંડન પહોંચવાના અમારા નિર્ધારની માફક જ અનેક પડકારરુપ પરિસ્થિતિઓ હોવાં છતાં, કાર હંમેશાં અમને લંડન પહોંચાડીને જ રહી છે.’