બે દાયકા અગાઉ ઓસામા બિન લાદેનની પ્રેરણા અને આગેવાની હેઠળ ઈસ્લામિક કટ્ટરવાદીઓએ દ્વિતીય વિશ્વ યુદ્ધ પછી અમેરિકા પરના સૌથી મોટા હુમલાને અંજામ આપ્યો હતો. મને એ દિવસ બરાબર યાદ છે. વાસ્તવિકતા તો એ હતી કે હુમલાની આગલી રાત્રે જ હું ન્યૂ યોર્કથી પાછો ફર્યો હતો. અને હા, ઘણી વખત થાય છે તેમ, ખરેખર તો હું હુમલાના આગલા દિવસે બિઝનેસ મીટિંગ માટે ટ્વીન ટાવર્સ ખાતે જ હતો, હું તો સારા નસીબે અથવા ભાગ્યના કારણે બચી ગયો પરંતુ, અન્ય હજારો કમનસીબ લોકોએ આતંકવાદીઓ દ્વારા ઉછાળાયેલા પાગલપણાની ઘણી ભારે કિંમત ચૂકવી હતી.
આના પરિણામે સમગ્ર અમેરિકી વહીવટીતંત્રના કેન્દ્ર તેમજ પ્રત્યેક પાશ્ચાત્ય દેશોમાં ભારે આઘાતના આંચકા લાગ્યા હતા. ઓસામા બિન લાદેને દર્શાવ્યું હતું કે કોઈ પણ દેશ અથવા લક્ષ્યાંક તેના હાથની પહોંચની બહાર નથી. આ પછી, મિડલ ઈસ્ટમાં ઈસ્લામિક ટેરરિઝમ વિરુદ્ધ પશ્ચિમી દેશોની કાર્યવાહીના પગલે લાખો લોકોના મોત થયા છે. 2001માં જે શરૂ થયું તેનું પરિણામ ‘શેતાની ધરી’ વિરુદ્ધ અસંખ્ય લડાઈઓમાં રૂપાંતરિત થયું છે.કોઈને પણ એવો વિચાર આવી શકે કે થઈ ગયેલી દરેક બાબતની વ્યાપકતાને નિહાળતા પશ્ચિમને એટલી તો સામાન્ય સમજ આવી જ હશે કે કોઈ પણ કાળે જહાલવાદીઓ, ઈસ્લામિક કટ્ટરવાદીઓ અને આતંકવાદીઓના જૂઠ્ઠાણાંથી દોરવાઈ જવું નહિ. આમ છતાં, બે દાયકા પછી પણ એકમાત્ર એવા નિર્ણય પર આવી શકાય કે કદાચ આ આતંકવાદીઓ જ આખરી અટ્ટહાસ્ય કરી રહ્યા છે.
એમ જણાય છે કે આ બે દાયકામાં આતંકવાદીઓ નેરેટિવ્ઝ પોતાની તરફેણમાં એટલી હદ સુધી બદલી શક્યા છે કે મોટા ભાગના પશ્ચિમી દેશો પણ હવે તેમની તરંગધૂનોને સંતોષવા ખાતર પીઠ પર ઊંધા થઈ જાય છે. ઘણા પશ્ચિમી દેશોમાં મોટા ભાગની મુખ્ય રાજકીય, શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓમાં ઈસ્લામિક કટ્ટરવાદીઓને સંતુષ્ટ કરનારાઓએ મોટા પાયે ઘૂસણખોરી કર્યાનું દેખાય છે.
અમેરિકામાં તો હજારો લોકો પેલેસ્ટિનીઅન હમાસના પાગલપણાને સપોર્ટ કરવા શેરીઓમાં પહોંચી ગયા હતા, તેઓ ભૂલી ગયા હતા કે આ જ વિચારધારાએ તેમને 9/11નો કરૂણ અનુભવ કરાવ્યો હતો. બે દાયકા પછી એમ જણાય છે કે નવી પેઢી તેમનો પોતાનો જ ઈતિહાસ ભૂલી ગઈ છે. ચોક્કસ આપણે બધા પશ્ચિમી દેશો માટે આમ કહી શકીએ છીએ. આપણે યુરોપમાં કોઈ પણ સ્થળે હેટ માર્ચર્સ – નફરતકારોને ભારે ફોર્સ સાથે નિયમિતપણે શેરીઓમાં આવતા નિહાળીએ છીએ. કેટલાક લોકો તો ઈસ્લામિક કટ્ટરવાદીઓના નેરેટિવ્ઝથી એટલા દોરવાઈ જાય છે કે તેમણે સામાન્ય બુદ્ધિથી નિહાળાતાં તમામ પરિપ્રેક્ષ્યો ગુમાવી દીધાં છે.
તમારે તો અપરાધો આચરતા રહેવા છતાં પોતે જ પીડિત છે તેવા નેરેટિવ્ઝ-વિવરણોને આગળ વધારવા બદલ ઈસ્લામિક કટ્ટરવાદીઓને શાબાશી આપવી જોઈએ. આવા નેરેટિવ્ઝ પાછળ બિલિયન્સ ડોલર્સ ખર્ચાય છે. તેમણે તો ન્યૂઝ મીડિયા તેમજ અગ્રણી પ્રભાવસર્જકો- ઈન્ફ્લુઅન્સર્સ, કોલમિસ્ટ્સ, સેલેબ્રિટીઝ, રાજકારણીઓ, રાજકીય પક્ષો, યુનિવર્સિટીઓ, લોબીઈસ્ટ્સ, અને જસ્ટિસ સિસ્ટમમાં ઉચ્ચ સ્તરે સ્થાન ધરાવતા લોકોને પણ ખરીદી જ લીધા છે.
પાશ્ચાત્ય સમાજોનો સ્વભાવ કાયમી પરિવર્તનની ટોચ પર રહે છે. એવું પરિવર્તન, જેમાં મને ભય છે કે તેમના ખુદના નાગરિકોને અધિકારવિહોણા બનાવી દેશે. શું આ ચાલતું રહેશે? મારા મત મુજબ તો આને ચાલતું રહેવા ન દેવાય. આપણે અભૂતપૂર્વ નાગરિક અશાંતિ નિહાળવી પડે તે હવે માત્ર સમયનો સવાલ છે. આપણે તેની ઝાંખીઓ તો જોઈ જ લીધી છે પરંતુ, એવો સમય પણ આવશે જ્યારે તેનો વિસ્ફોટ એવા સ્વરૂપે થશે જેના પર અંકુશ મેળવવાનું મુશ્કેલ બની રહેશે. આપણા સશસ્ત્ર દળોને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે શેરીઓ પર ઉતરી આવવું પડે તેમ જોઈશું તો મને જરા પણ આશ્ચર્ય નહિ થાય. મારા મિત્રો, આજે અથવા આવતી કાલે આ બધું દરેક પશ્ચિમી લોકશાહીમાં થવાનું જ છે.
યુકેની વાત કરીએ તો, આપણા પ્રાઈમ મિનિસ્ટરને જબ્બર જનાદેશ મળ્યો છે. તેઓ દેખીતી રીતે જ ઈચ્છે તેમ કરી શકે છે અને તેમને કોઈ અટકાવી શકે તેમ પણ નથી. તેમની પાસે આપણી નાગરિક સોસાયટીને પુનઃસ્થાપિત કરવાની તાકાત છે જેમાં કટ્ટરવાદીઓ અને જહાલવાદીઓને ખેંચાણશક્તિનો શૂન્ય લાભ મળશે. સવાલ એ છે કે શું તેઓ પોતાની તાકાતનો સુયોગ્ય ઉપયોગ કરશે? મને ડર છે કે તેઓ તેમ નહિ કરે. તેમણે હાથીના દેખાડવાના અને ચાવવાના દાંત જુદા જ હોય, કંઈ બોલવું અને કંઈ અલગ જ કરવું જેવી નોંધપાત્ર પ્રતિભાનું પ્રદર્શન કરેલું છે. હું એ બાબત બરાબર જાણું છું કે લેબર પાર્ટીમાં સાંસદો, કાઉન્સિલરો અને સામાન્ય સભ્યોને ઈસ્લામોફોબિયાની તોડેલી-મરોડેલી વ્યાખ્યાને માત્ર સ્વીકારી લેવા જ નહિ પરંતુ, તેને કાયદામાં પણ સ્થાન આપવા માટે લલચાવાઈ રહ્યા છે. જો આમ થશે તો આપણે લોકશાહીને અલવિદા કહી દેવી પડશે અને આપણે જેને મહાન બ્રિટન તરીકે ઓળખીએ છીએ તેનો અંત આવી જશે.
હજુ આ સપ્તાહે જ આપણી સમક્ષ આખરે કોર્ટનો ચુકાદા આવ્યો કે માજિદ ફ્રીમાને સપ્ટેમ્બર 2022માં લેસ્ટરમાં થયેલાં રમખાણો દરમિયાન જાહેર વ્યવસ્થાની ઘટના સંદર્ભે 22 સપ્તાહ સુધી જેલમાં રહેવું પડશે. યાદ રાખજો કે લેસ્ટરમાં ઈસ્લામિક કટ્ટરવાદીઓએ હિન્દુઓ પર હુમલો કર્યો હતો. બ્રિટિશ મીડિયા અને લેબર રાજકારણીઓએ તો હિન્દુઓને જ ખલનાયક અને ઈસ્લામિક કટ્ટરવાદીઓને પીડિત-વિક્ટિમ્સ તરીકે ચીતર્યા હતા. તે સમયે તો પોલીસ પણ હિન્દુ કોમ્યુનિટી તરફની તેમની ફરજ બજાવવામાં નિષ્ફળ રહી હતી. આ સમયે તો હિન્દુ કોમ્યુનિટીએ અવાજ ઉઠાવી કહી દીધું છે કે બસ, હવે બહું થયું. તેણે પ્રત્યાઘાત આપ્યો અને પૂરતા પ્રમાણમાં સ્પષ્ટ કરી દીધું કે કોણ હુમલાખોર હતા અને કોણ પીડિત હતા. મીડિયા દ્વારા માજિદ ફ્રીમાનને ‘એક્ટિવિસ્ટ,’ ‘કેમ્પેઈનર’ અને ‘માનવતાવાદી કાર્યકર’ તરીકેના બિરુદોથી નવાજાયો હતો. હવે તે જેલના સળિયા પાછળ ધકેલાયો છે ત્યારે આ બધાં જૂઠાં નેરેટિવ્ઝની અસલિયત સામે આવી ગઈ છે.
કેર સ્ટાર્મરને મારો એક સંદેશો છે, ટુંક સમયમાં જ લેબર પાર્ટીની કોન્ફરન્સ યોજાવાની છે. તમારી બહુમતીનો ઉપયોગ પાર્ટીમાંથી કટ્ટરવાદીઓની હકાલપટ્ટી કરવામાં કરો અને એવી વ્યવસ્થા ગોઠવો કે તે રાષ્ટ્ર માટેની પાર્ટી બની રહે. આ સમય મોટા ભાગે હેટ માર્ચર્સના કોલાહલ-કાગારોળની વચ્ચે દબાઈ જતા સમૂહોની વ્યથાકથા સાંભળવાનો છે.
બે દાયકા પછી આપણે શું શીખ્યા? તમારા જોખમે જ મૌન બહુમતીનો અવાજ અવગણી શકશો.