લંડનઃ બ્રિટિશ ઈન્ડિયન જ્યુઈશ એસોસિયેશન (BIJA)નું વિન્ટર રિસેપ્શન સોમવાર 18 નવેમ્બરે પંજાબ રેસ્ટોરાંની શાફ્ટ્સબરી વિંગ ખાતે યોજાયું હતું. મશહૂર બેરિસ્ટર અને શેડો એટર્ની જનરલ લોર્ડ ડેવિડ વોલ્ફ્સન KC તેમજ એન્ટ્રેપ્રીન્યોર અને લંડન માટેના પૂર્વ ડેપ્યુટી મેયર ફોર બિઝનેસ રાજેશ અગ્રવાલ મહેમાન વક્તા હતા. મહેમાનોમાં ભારતીય અને જ્યુઈશ કોમ્યુનિટીમાંથી પ્રોફેશનલ્સ અને કોમ્યુનિટી લીડર્સનો સમાવેશ થયો હતો.
BIJAના સહાધ્યક્ષો ઝાકી કૂપર અને ડો. પીટર ચઢ્ઢાએ ભારતીય અને જ્યુઈશ કેમ્યુનિટીઓ વચ્ચે સંબંધોની ઊજવણી વિશે જણાવતા બંને સમુદાયો સ્વાભાવિક મિત્રો છે અને તેમનામાં આસ્થા, શિક્ષણ, પરિવાર, કોમ્યુનિટી, મહત્ત્વાકાંક્ષા, નાગરિકતા વડીલો પ્રતિ આદર અને ઘણી બધી બાબતોમાં સમાનતા હોવાનું કહ્યું હતું.
BIJAના સહાધ્યક્ષ ઝાકી કૂપરે જણાવ્યું હતું કે,‘આપણે મિત્રતાની ઊજવણી કરી રહ્યા છીએ ત્યારે એક વાસ્તવિકતા ધ્યાનમાં રાખવી પડશે કે સમય ઘણો મુશ્કેલ છે. ગત વર્ષે 7 ઓક્ટોબરના હુમલાઓ પછી જ્યુઈશ કોમ્યુનિટી ભારે વ્યથિત છે અને યહુદીવિરોધી ઘટનાઓમાં ભારે વધારાનો સામનો કરે છે. જોકે, માત્ર અમે એકલા નથી. અમને ભારતીય મિત્રો તેમજ અન્ય કોમ્યુનિટીઓના લોકો તરફથી સપોર્ટ મળ્યો છે. સમય મુશ્કેલ હોય ત્યારે મિત્રતાની કસોટી થાય છે. અમે ભારતીય સમુદાય સાથે વર્તમાન મિત્રતાની કદર કરી છે.’
પંજાબ રેસ્ટોરાંના માલિક અને BIJAના કમિટી મેમ્બર અમ્રિત એસ માન OBE JPએ જણાવ્યું હતું કે,‘ આ ઈવેન્ટની યજમાની કરતા અમને આનંદ છે અને રૂમમાં મિત્રતા અને હૂંફનું વાતાવરણ અનુભવાય છે. આપણી બે કોમ્યુનિટીઓ વચ્ચે સમજ અને સદ્ભાવનાના બંધનનું નિર્માણ કરવાનું આપણે ચાલુ રાખીશું.’
ગેસ્ટ સ્પીકર્સ જોશ ગ્લાન્સી અને માનવીન રાણા સાથેના સ્પેશિયલ રિસેપ્શન, સીબી પટેલ અને જસ્ટિન કોહેન માટે કોમ્યુનિટી એવોર્ડ્સ તેમજ ભારતના હાઈ કમિશનર સાથે મુલાકાત સહિત તાજેતરની પ્રવૃત્તિઓ સંબંધે મહેમાનોને જાણકારી આપવામાં આવી હતી. બે વર્ષ અગાઉ, BIJA દ્વારા RAF મ્યુઝિયમ ખાતે એરફોર્સમાં ભારતીય અને જ્યુઈશ કોમ્યુનિટીઓના યોગદાન સંદર્ભે સફળ રિસેપ્શન યોજાયું હતું. કોવિડના સમયગાળામાં BIJA દ્વારા અનેક અસરકારક પ્રોજેક્ટ્સ હાથ ધરાવા સાથે ભારતમાં કોવિડ રાહત પ્રયાસો માટે 120,000પાઉન્ડથી વધુ રકમ એકત્ર કરવામાં આવી હતી.