SGVPઃ સાયન્સ, સ્પોર્ટ્સ અને સ્પીરિચ્યુઆલિટીનો શ્રેષ્ઠ સમન્વય

સંસ્કારયુક્ત શિક્ષણ અને સર્વજીવહિતાવહ સેવાકાર્યોનું પ્રતીક બની રહ્યું છે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિધા પ્રતિષ્ઠાનમ્

Wednesday 07th June 2023 08:19 EDT
 
 

અમદાવાદના એસજી હાઇવેની આગવી ઓળખ એટલે SGVP - છારોડી ગુરુકુલ. ગુજરાતની શાનસમાન શિક્ષણસંસ્થાન શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP)નું આ ભવ્ય કેમ્પસ 62 એકરમાં પથરાયેલું છે. એક સમયે અહીં બાવળનું ગાઢ જંગલ હતું એને બદલે આજે અહીં આંબા અને ચીકુના બગીચાઓ વિકસ્યા છે. એક સમયે અહીં બાવળના જંગલમાં દેશી દારૂઓની ભઠ્ઠીઓ ધમધમતી હતી. આજે એ જગ્યાએ પવિત્ર યજ્ઞનો અગ્નિ સમગ્ર વાતાવરણને પાવન કરી રહ્યો છે.
75 વર્ષો પહેલાની વાત છે. ભારત આઝાદ થઈ રહ્યું હતું એ વખતે સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંતે સાંપ્રદાયિકતાથી ઉપર ઉઠીને સંસ્કારયુક્ત શિક્ષણ અને સર્વજીવહિતાવહ સેવાકાર્યોની જ્યોત જગાવી. સૌરાષ્ટ્રનું હૃદય ગણી શકાય એવા રાજકોટમાં એમણે ગુરુકુલની સ્થાપના કરી. એ પવિત્ર સંતનું નામ હતું, સદવિદ્યા સદધર્મરક્ષક શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી. ભગવાનશ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં સદવિદ્યા પ્રવર્તન અને સર્વજીવહિતાવહ સેવાકાર્યો કરવાનો આદેશ આપ્યો છે. શાસ્ત્રીજી મહારાજે આ બંને આદેશોને જીવનમાં ઉતારીને શિક્ષણ, સમાજ અને ધર્મક્ષેત્રે અનોખી ક્રાંતિ કરી.
અંગ્રેજોની કુટીલ રાજનીતિ અને ધર્મનીતિને લીધે પ્રાચીન ભારતની ગૌરવવંતી ગુરુકુલ શિક્ષાપદ્ધતિ નષ્ટ થઈ હતી. દીર્ઘદૃષ્ટા સંત શાસ્ત્રીજી મહારાજે ગુરુકુલની સ્થાપના કરીને એ પ્રાચીન ગુરુકુલ શિક્ષાપદ્ધતિનો પુનરોદ્ધાર કર્યો. પરિણામે ગ્રહણમુક્ત સૂર્યોદયની જેમ ગુરુકુલ શિક્ષાપ્રણાલી ફરીથી ઝળહળી ઉઠી.
એક વિચારબીજમાંથી વિસ્તર્યું SGVPનું વટવૃક્ષ
શાસ્ત્રીજી મહારાજે રોજના એક રૂપિયા જેવા નજીવા લવાજમથી હજારો બાળકોના જીવનમાં સંસ્કારયુક્ત શિક્ષણની જ્યોત જગાવી. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્(SGVP)ની સ્થાપનાનું પ્રેરક બળ પણ શાસ્ત્રીજી મહારાજ છે. શાસ્ત્રીજી મહારાજે અનેક વખત વિદેશ યાત્રાઓ કરી છે અને વિદેશની ધરતી ઉપર ભારતીય સંસ્કૃતિના મૂળ મજબૂત કર્યા છે. વિદેશ યાત્રાઓ દરમિયાન શાસ્ત્રીજી મહારાજ અવારનવાર ટકોર કરતા કે, ડોલર મળશે પણ દીકરા ખોવાઇ જશે. સંતાનો ખોવાઇ ન જાય એની કાળજી રાખવાની જરૂર છે. શાસ્ત્રીજી મહારાજના કૃપાપાત્ર શિષ્ય સ્વામી શ્રી માધવપ્રિયદાસજી સદૈવ યાત્રામાં સાથે રહેતા. એમણે પોતાના ગુરુદેવની આ ટકોરને ઝીલી લીધી અને એમના માર્ગદર્શન નીચે 62 એકર જમીનમાં SGVPનું ભવ્ય નિર્માણ થયું. જેના ત્રણ મજબૂત આધાર સ્તંભ છેઃ સાયન્સ, સ્પોર્ટ્સ અને સ્પીરિચ્યુઆલિટી.
પ્રકાશક-તંત્રી શ્રી સી.બી. પટેલ તાજેતરમાં ગુજરાતની મુલાકાતે ગયા હતા ત્યારે અનેક સંસ્થાનોની મુલાકાત લીધી હતી. જેમાં SGVPનો પણ સમાવેશ થતો હતો.
‘ગુજરાત સમાચાર’ - Asian Voice પરિવારને આશીર્વાદ
એબીપીએલ ગ્રૂપના પબ્લિશર અને એડિટર-ઇન-ચીફ સી.બી. પટેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમની ખાસ મુલાકાતે પધાર્યા ત્યારે અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજીએ એમનું ભાવપૂર્ણ સ્વાગત કર્યું હતું. સંસ્કૃતનો અભ્યાસ કરનારા ઋષિકુમારોએ વેદોના મંત્રોનું ગાન કરી સી.બી. પટેલ તેમજ સમગ્ર ‘ગુજરાત સમાચાર’ - Asian Voice પરિવારને આશીર્વાદ આપ્યા હતા.
સ્વામીશ્રીએ સંતો અને વિદ્યાર્થીઓની સભામાં સી.બી. પટેલનો પરિચય આપતા કહ્યું હતું કે, આદરણીય સી.બી. ગુજરાતનું ગૌરવ છે. ‘ગુજરાત સમાચાર’ દ્વારા એમણે વિદેશની ધરતી ઉપર ગુજરાતી ભાષાનું ગૌરવ વધાર્યું છે અને ગુજરાત તેમજ સમગ્ર ભારતીય સમાજની આગવી ઓળખ ઊભી કરી છે. અમદાવાદ અને લંડન વચ્ચે સીધી વિમાન સેવા શરૂ કરાવવામાં એમનું મહત્ત્વનું પ્રદાન રહ્યું છે.
ઈ.સ. 1978માં ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ ઈંગ્લેન્ડ પધાર્યા ત્યારે સી.બી. પટેલના સાળા અમેરિકા નિવાસી હસમુખભાઈ પટેલે (કરમસદવાળા) સી.બી.ને સ્વામીશ્રી તેમજ ગુરુકુલનો ખાસ પરિચય આપ્યો હતો. આદરણીય સી.બી. સ્વામીના દર્શનથી તેમજ સેવાકાર્યથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા અને ત્યારથી આજ દિવસ પર્યંત એમનો ગુરુકુલની સેવા પ્રવૃત્તિઓ પ્રત્યે અનોખો લગાવ રહ્યો છે. સ્વામીશ્રીએ કહ્યું કે આજે SGVPને આંગણે સી.બી.ના આગમનથી ગુરુકુલ પરિવાર આનંદ અને ગૌરવ અનુભવે છે.
SGVPની વિવિધ સેવા પ્રવૃત્તિઓ નજરે નિહાળીને સી.બી. પટેલ ખૂબ રાજી થયા હતા અને પોતાના અંતરનો આનંદ વ્યક્ત કર્યો હતો.
પશ્ચિમી દેશોની આધુનિક સ્કુલોને ટક્કર મારે તેવું સંકુલ
શાસ્ત્રીજી મહારાજના કૃપાપાત્ર શિષ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીનો સાથ, અખંડ ભગવદ્ પરાયણ જોગી સ્વામી તથા પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજીના આશીર્વાદથી SGVPનો ઉત્તરોત્તર વિકાસ થતો રહ્યો છે. SGVPનું ભવ્ય કેમ્પસ વિદેશની સ્કુલોને પણ ટક્કર મારે એવી સાધન સુવિધાઓથી સજ્જ છે. અહીં આશરે વીશ દેશના બાળકો અભ્યાસ કરે છે. અહીં ક્રિકેટ, ફૂટબોલ અને ટેનિસના ફૂલ સાઈઝના ગ્રાઉન્ડો છે. અહીં વિદ્યાર્થીઓ હોર્સ રાઈડીંગનો આનંદ માણે છે. અહીં હાફ ઓલિમ્પિક સાઈઝનો સ્વીમીંગ પુલ છે. મ્યુઝિક સેન્ટર છે અને અહીં નિર્ધારીત અભ્યાસક્રમ ઉપરાંત અનેક જાતની વ્યક્તિત્વ વિકાસની પ્રવૃત્તિઓ થાય છે. અહીંની ઈન્ટરનેશનલ સ્કુલનું જોડાણ અમેરિકાના કોગ્નીયા એજ્યુકેશન બોર્ડ સાથે થયેલું છે.
પ્રાચીન અને અર્વાચીન પરંપરાનો અદભૂત સંગમ
ભારતમાં આ ઈન્ટરનેશનલ સ્કુલ ત્રીજા નંબરની સ્કુલ છે અને ગુજરાતમાં આ સ્કુલનો નંબર વન છે. આ કેમ્પસમાં જેમ ઈંગ્લીશ મિડીયમ સ્કુલ છે એવી જ સંસ્કૃત મિડીયમ સ્કુલ છે, જેમાં 200 વિદ્યાર્થીઓ નિઃશુલ્ક અભ્યાસ કરે છે. અહીં ચારેય વેદો, પારંપરિક સંસ્કૃત ગ્રંથો અને આધુનિક વિષયો પણ ભણાવાય છે. આ સંસ્કૃત સ્કુલ આજે સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ છે. આ રીતે અહીં સંસ્કૃત અને અંગ્રેજીનો, પ્રાચીનતા અને અર્વાચીનતાનો, વિજ્ઞાન અને અધ્યાત્મનો અદ્ભૂત સંગમ થયેલો છે.
આરોગ્ય ક્ષેત્રે સેવા માટે SGVP દ્વારા 150 બેડની જોગી સ્વામી હોલિસ્ટીક હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં યોગ, આયુર્વેદ અને એલોપથીનો સુભગ સંગમ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં આ પ્રકારની એક માત્ર હોલિસ્ટીક હોસ્પિટલ છે. જેનું ઉદ્ઘાટન ભારતના લોકલાડીલા વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા કરવામાં આવ્યું હતું.
SGVPના વિશાળ પરિસરમાં જ ભવ્ય યજ્ઞશાળા છે, જેમાં રોજ વેદોના મંત્રોના ઘોષ સાથે યજ્ઞો થાય છે. આ યજ્ઞમાં હોમાતા દ્રવ્યોની સુગંધ સમગ્ર પરિસરને પાવન કરતી રહે છે.
SGVP ઉપરાંત અમદાવાદના મેમનગર વિસ્તારમાં ગુરુકુલ આવેલું છે. આ ગુરુકુલની સ્થાપના સ્વયં શાસ્ત્રીજી મહારાજે કરેલી છે. આ ગુરુકુલમાં દૂર દૂર વિસ્તારના ગામડાના ગરીબ પરિવારના બાળકો ગુજરાતી માધ્યમથી સંસ્કાર સહિત શિક્ષણ પ્રાપ્ત કરે છે. અહીંના છાત્રાવાસમાં આશરે 200 જેટલા કોલેજીયન વિદ્યાર્થીઓ રહે છે. અમદાવાદ જેવું શહેર અને આટલી મોંઘવારીના જમાનામાં પણ અહીંનું ટોકન લવાજમ રોજનું માત્ર એક રૂપિયો છે.
SGVPની એક શાખા રાજકોટ પાસેના રીબડા ખાતે છે, એ સ્કુલ પણ ઈન્ટરનેશનલ સ્કુલ છે. જેમાં આશરે 800 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સ્વામીશ્રી માધવપ્રિયદાસજીના મનમાં પણ ઘણા સમયથી આ જ વાત રમતી હતી કે, દીકરાઓ માટે જેવું ગુરુકુલ છે એવું ગુરુકુલ દીકરીઓનું પણ હોવું જોઈએ. એમનો આ સંકલ્પ ભગવાનની દયાથી દ્રોણેશ્વર કન્યા - કુમાર ગુરુકુલ દ્વારા સિદ્ધ થયો.
ઊના તુલસીશ્યામ તરફના વિસ્તારમાં મચ્છુદ્રી નદીને કિનારે અતિપ્રાચીન દ્રોણેશ્વર મહાદેવજીનું મંદિર છે. વર્ષો પહેલા ઈ.સ. 1965માં ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે આ રમણીય જગ્યાએ ગુરુકુલ કરવાનો સંકલ્પ કર્યો હતો. સત્પુરુષના સંકલ્પનું બીજ ઊગ્યા સિવાય રહેતું નથી. વર્ષો પહેલાનો સંકલ્પ અહીં SGVPદ્રોણેશ્વર ગુરુકુલરૂપે પ્રગટ થયો. ઉત્તમ સુવિધાઓથી સજ્જ આ ગુરુકુલમાં સેંકડો દીકરા-દીકરીઓ સાવ જ નજીવા લવાજમથી સંસ્કારયુક્ત શિક્ષણ પ્રાપ્ત કરે છે.
દ્રોણેશ્વર ગુરુકુલને લીધે આ વિસ્તારના ગામડાઓમાં વ્યસનમુક્તિ, સ્વચ્છતા અભિયાન તથા ઓર્ગેનિક ખેતી તથા વૃક્ષારોપણ અભિયાનને જબરો વેગ મળેલો છે, અનેક દીકરીઓએ પોતાના માતાપિતાઓને વ્યસનો છોડાવ્યા છે. અનેક દીકરીઓ સ્પોર્ટસમાં રાજ્ય તથા રાષ્ટ્રીયકક્ષાએ પસંદ થયેલી છે.
સંસ્કાર - સેવા અને સહાયની સરવાણી
દ્રોણેશ્વર કન્યા ગુરુકુલ ઉપરાંત ગામડાની આશરે 150 જેટલી દીકરીઓને અખંડ ભગવદ્ પરાયણ શ્રી જોગી સ્વામીની સ્મૃતિમાં દત્તક લેવામાં આવે છે અને એમને શૈક્ષણિક સહાય પુરી પાડવામાં આવે છે.
આજે ભારતમાં મેડિકલ તથા એન્જિનિયરીંગ શિક્ષણ ભારે મોંઘુ છે. મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે આર્થિક રીતે પરવડે એવું નથી. આ સમસ્યાના સમાધાન માટે સ્વામીશ્રીની પ્રેરણાથી SGVP દ્વારા જરૂરીયાતમંદ કોલેજીયન વિદ્યાર્થીઓને વિના વ્યાજની લોન અપાય છે. આ લોન યોજના અનેક નવયુવાન દીકરા-દીકરીઓ માટે આશીર્વાદરૂપ નીવડી છે.
દેશની સરહદોનું રક્ષણ કરનારા સૈનિકો અને એમાં પણ માતૃભૂમિની રક્ષા કરતા કરતા શહીદ થયેલા જવાનોનું ઋણ સમાજ ચૂકવી શકે તેમ નથી. દર વર્ષે ભારતના પ્રજાસત્તાક પર્વે ૨૬મી જાન્યુઆરીના રોજ ધ્વજવંદન પ્રસંગે SGVP દ્વારા શહીદ થયેલા જવાનોના પરિવારના દીકરા-દીકરીનો સત્કાર કરીને શૈક્ષણિક સહાયતા અપાય છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં સર્વજીવહિતાવહ કાર્યો કરવાનો આદેશ આપ્યો છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના સમયથી આ સેવાયજ્ઞ ચાલી રહ્યો છે. શાસ્ત્રીજી મહારાજના પગલે પગલે ચાલીને સ્વામી શ્રી માધવપ્રિયદાસજી અને પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજીના માર્ગદર્શન નીચે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ભૂકંપ જેવા કુદરતી આપત્તિના પ્રસંગે SGVP દ્વારા મોટા પાયે સેવાકાર્યો થતા રહે છે.
ઈ.સ. 2000માં કચ્છમાં ભયંકર ભૂકંપ આવ્યો ત્યારે ગામડે ગામડે રાહત સામગ્રી પહોંચાડાઇ હતી અને આપત્તિગ્રસ્ત ગામોમાં 56થી વધારે શાળાઓનું નિર્માણ કરાયું હતું.
પર્યાવરણનું જતન સાથે સાથે માનવીય મૂલ્યોનું સંવર્ધન
પર્યાવરણની રક્ષા માટે SGVP દ્વારા મોટા પાયે જળસંચય અભિયાન હાથ ધરાયેલું છે અને લગભગ 108 ગામડાઓમાં 1000થી વધારે નાના-મોટા ચેકડેમોનું નિર્માણ કરવામાં આવ્યું છે; સાથેસાથે દર વર્ષે સેંકડો વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે.
SGVPના સંતો દ્વારા 108 ગામમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું છે. શિયાળાના સમયમાં હજારો ધાબળાઓનું વિતરણ કરવામાં આવે છે. ઉનાળાના સમયમાં હજારો જોડી ચંપલનું વિતરણ કરવામાં આવે છે. કેરીની સિઝનમાં ગરીબ બાળકોને હજારો કિલો કેસર કેરીનું વિતરણ કરવામાં આવે છે. દર વર્ષે ચાર વખત હજારો કિલો મીઠાઈનો પ્રસાદ અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ, દિવ્યાંગ બાળકો તથા દરિદ્ર લોકોમાં વહેંચવામાં આવે છે.
SGVPની પ્રત્યેક શાખામાં સુંદર ગૌશાળાઓ છે. જેમાં અસર ગીર ઓલાદની સેંકડો ગાયો છે. ગરીબ લોકોના જઠરાગ્નિને તૃપ્ત કરવા માટે SGVPના પરિસરમાં સદાવ્રત ચાલી રહ્યું છે. જેમાં રોજ આશરે ૫૦૦ લોકો પૌષ્ટિક ભોજન મેળવે છે અને SGVPને અંતરના આશીર્વાદ આપે છે.
સ્વામી માધવપ્રિયદાસજી માર્ગદર્શક અને સ્વામી બાલકૃષ્ણદાસજી સુકાની
SGVPની તમામ શાખા-પ્રશાખાઓનું સંચાલન શાસ્ત્રીજી મહારાજના કૃપાપાત્ર પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી કરી રહ્યા છે. અનેક મુશ્કેલીઓ અને અવરોધો વચ્ચે પણ એમણે વિકાસના પ્રવાહને રુંધાવા દીધો નથી. આધ્યાત્મિક વિકાસની જવાબદારી સ્વામી શ્રી માધવપ્રિયદાસજી સંભાળી રહ્યા છે. તેઓ સમગ્ર ભારતના નામાંકિત સંતો માંહેના એક છે.
સી.બી. પટેલે SGVPની અનેકવિધ સેવાપ્રવૃત્તિઓ
નિહાળીને પોતાના અંતરનો આનંદ અને અહોભાવ વ્યક્ત કર્યો હતો. સંતો અને વિદ્યાર્થીઓની સભામાં પ્રેરક ઉદ્બોધન કરતા પોતે કેટલી મુશ્કેલીઓમાંથી જિંદગીમાં આગળ આવ્યા છે એ પ્રસંગો વર્ણવ્યા હતા. આ ઉપરાંત ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ સાથેના વર્ષોજૂના સંસ્મરણો તાજા કર્યાં હતાં. એમનું પ્રવચન સર્વ માટે પ્રેરણારૂપ અને ઉત્સાહવર્ધક હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter