તમિળ, તેલુગુ, મલયાલમ, ફ્રેંચ, અંગ્રેજી, ઉર્દૂ અને પર્શિયન સહિત દસ ભાષાઓની જાણકાર હોવાની સાથે તમિળ મહાકાવ્યો અને સંગમ સાહિત્યનો ઊંડો અભ્યાસ એણે કરેલો...
ના, કોઈ ભાષાશાસ્ત્રી કે સાહિત્યકારનો આ પરિચય નથી. વાત છે. અઢારમી સદીની દક્ષિણની રાજકુમારી વેલુ નાચિયારની. ભાષાઓ અને સાહિત્યનું જ્ઞાન હોવાની સાથે તલવારબાજી, તીરંદાજી અને ઘોડેસવારીમાં નિપુણ હતી એ. સીલભમ અર્થાત વાંસની લાઠીના દાવપેચ અને બૂમરેંગ પ્રકારનું વલરી નામનું હથિયાર ચલાવવામાં પારંગત હતી એ. યુદ્ધકળામાં પણ કૌશલ્ય પ્રાપ્ત કરેલું એણે!
વેલુ આટઆટલું કૌશલ્ય ધરાવતી હતી, પણ એનો પરિચય એની પારંગતતા પૂરતો સીમિત નથી. વેલુની સાચી ઓળખ એ છે કે અંગ્રેજો સાથે યુદ્ધ કરનાર એ પ્રથમ ભારતીય સ્ત્રી હતી!
વેલુનો જન્મ ૧૭૩૦માં રામઅનંતપુરમમાં રામનાદ રાજવી કુટુંબમાં થયેલો. શિવગંગાના રાજકુમાર મુતુ વદુગનાત પેરીયા ઓડાયા થેવર સાથે ૧૭૪૬માં સોળ વર્ષની ઉંમરે વેલુનાં લગ્ન થયાં. અંગ્રેજોએ શિવગંગા પર આક્રમણ કર્યું. ૨૫ જૂન ૧૭૭૨ના રોજ કર્નલ જોસેફ સ્મિથ અને મેજર અબ્રાહમ બોન્જોરના નેતૃત્વમાં બ્રિટિશરોએ ચડાઈ કરી. રાજા મુતુ વદુગનાત ઊંઘતો ઝડપાયો. મોતને ઘાટ ઉતારી દેવાયો. શિવગંગા પર આરકોટના નવાબે કબ્જો કર્યો. તેણે પોતાના દીકરાને રાજા બનાવ્યો. શિવગંગાનું નામ હુસેનસાગર કર્યું.
એ વખતે વેલુ નાચિયાર કોલ્લનગુડી ગામમાં હતી. ઘટનાની જાણ થતાં જ એણે વેર વાળવાના સોગંદ લીધા. વેલુએ પોતાનું સૈન્યબળ તૈયાર કરવાના હેતુથી દીકરી વેલ્લચી સાથે પાડોશી રાજ્ય મૈસૂરમાં આશ્રય લેવાનો નિર્ણય કર્યો. મૈસૂરને સીમાડે આવેલા વિરુપાક્ષી પાલાયાર કિલ્લે પહોંચી. વેલુએ સ્ત્રીઓને લશ્કરી તાલીમ આપીને સ્ત્રીસૈન્ય ઊભું કર્યું. સેનાપતિ કુયીલી નામની યુવતી હતી. સ્ત્રીસૈન્ય સાથે વેલુ અને મારુતુભાઈઓએ શિવગંગાભણી કૂચ આદરી. વિજયાદશમીના તહેવારની આગલી રાત્રે શિવગંગા સરહદે પહોંચ્યાં. રાજ્યમાં પ્રવેશ કરવા માટે વેલુએ એક યોજના ઘડી કાઢી. વિજયાદશમીના ઉત્સવ નિમિત્તે સ્થાનિક મહિલાઓ પૂજા માટે રાજમહેલની બાજુમાં આવેલા રાજરાજેશ્વરી મંદિરમાં એકત્ર થતી. વેલુ અને તેની સ્ત્રીયોદ્ધાઓ મંદિરે જતી મહિલાઓમાં સામેલ થઈ ગઈ. અંગ પર છુપાવેલી તલવારો કાઢી અને શત્રુસિપાહીઓ પર, પ્રાચીન તમિળ રણટંકાર ‘વેટ્રીવેલ, વીરાવેલ’ કરતી તૂટી પડી. વેલ એટલે પવિત્ર ભાલો. ભગવાન મુરુગનનું શસ્ત્ર. વેટ્રીવેલ એટલે વિજયી ભાલો. વીરાવેલ એટલે સાહસિક ભાલો..!
વેલુની સેનામાં જોમજુસ્સો હતો, પણ હથિયારો બ્રિટિશ બંદૂકો સાથે સ્પર્ધા કરી શકે તેમ નહોતા. વેલુને અંદાજ આવી ગયો કે બ્રિટિશરોએ દારૂગોળાના જથ્થાનો જ્યાં સંગ્રહ કર્યો છે, તે ઓરડાને ઉડાવી દેવો પડશે. કુયીલી એ ઓરડા સુધી પહોંચી. ત્યાં સળગતા દીવડાંમાંનું તેલ પોતાના શરીરે ચોળ્યું. શરીરે આગ ચાંપી અને ઓરડામાં દાખલ થઈ. ઇતિહાસનો એ પહેલો સ્યુસાઈડ બોમ્બ-માનવબોમ્બ હતી.
અગનજ્વાળાઓથી લપેટાયેલી કુયીલી જેવીને ઓરડામાં દાખલ થઈ કે દારૂગોળાનો પ્રચંડ વિસ્ફોટ થયો. બ્રિટિશરોના દારૂગોળાના જથ્થાનો નાશ થતાં જ સ્ત્રીયોદ્ધાઓએ મંદિરમાં ઘંટ વગાડીને બહાર ખડકાયેલી સેનાને સંકેત કર્યો. સેનાએ હુમલો કર્યો અને શિવગંગા જીતી લીધું. ૨૫ ડિસેમ્બર ૧૭૯૬ના રોજ વિરુપાક્ષી પાલાયારના કિલ્લામાં તેનું મૃત્યુ થયું.