અક્ષય તૃતીયાનું પર્વ (આ વર્ષે 22 એપ્રિલ) તપનો મહિમા અને દાનનો પ્રવાહ વહેવડાવતું પર્વ છે. દાન સાથે તપની આરાધના કરવાવાળા અક્ષય પદ પ્રાપ્ત કરી શકશે એવો સંદેશ આ પર્વમાં છે.
એક વખત રાજા યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણને અખાત્રીજ પર્વની વિશેષતા પૂછી ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, ‘વૈશાખ સુદ ત્રીજના પૂર્વાધમાં જો યજ્ઞ, દાન, તપ વગેરે પુણ્ય કાર્યો કરવામાં આવે તો તેનું ફળ અક્ષય થાય છે, એટલે જ આ દિવસનું મુહૂર્ત સર્વશ્રેષ્ઠ છે. વિવાહ, ગૃહપ્રવેશ, વ્યાપાર વગરેનો શુભારંભ અક્ષય તૃતીયાના દિવસે ખૂબ થાય છે. ગામડાઓમાં તો આ દિવસે સમૂહ લગ્નો થાય છે.
હિંદુ, વૈદિક અને જૈન પરંપરાઓમાં અક્ષય તૃતીયાનું મહત્ત્વ ખૂબ જ માનવામાં આવ્યું છે. એવી જિજ્ઞાસા થવી સ્વાભાવિક છે કે આ પર્વનું નામ ‘અક્ષય તૃતીયા’ કેમ પડ્યું? અ-ક્ષય મતલબ કે જેનો ક્ષય નથી. એટલે કે દરેક સંજોગોમાં યથાવત્. વૈશાખ મહિનાની સુદ ત્રીજનો ક્યારેય ક્ષય હોતો નથી એટલે જ એને ‘અક્ષય તૃતીયા’ કહેવામાં આવે છે. ભારતીય જ્યોતિષશાસ્ત્ર મુજબ તિથિઓ ચંદ્રમા અને નક્ષત્રોની ગતિ મુજબ બને છે. જેમ જેમ ચંદ્રમાની કળા વધે કે ઘટે તેવી જે રીતે તિથિઓ વધે કે ઘટે છે.
એકમથી લઈ અમાવસ્યા, પૂનમ વગેરે બધી જ તિથિઓમાં વધ-ઘટ થતી રહે છે, પરંતુ વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજની તિથિ હજારો વર્ષોથી આજદિન સુધી ક્ષય તિથિ નથી બની. એમાં ક્યારેય વધ-ઘટ આવે જ નહીં. એટલે જ એને અક્ષય તિથિ કહી છે. એને અખાત્રીજ પણ કહેવાય છે. વૈદિક પરંપરામાં કહેવાય છે કે ઋષિ જમદગ્નિના પુત્ર પરમ બળવાન પરશુરામજીનો જન્મ અખાત્રીજના દિવસે થયો હતો. કેટલાક લોકો માને છે કે સતયુગની શરૂઆત પણ આ જ દિવસથી થઈ હતી. એટલે આ યુગાદિ તિથિ પણ છે.
એક વખત રાજા યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણને અખાત્રીજ પર્વની વિશેષતા પૂછી ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, ‘વૈશાખ સુદ ત્રીજના પૂર્વાધમાં જો યજ્ઞ, દાન, તપ વગેરે પુણ્ય કાર્યો કરવામાં આવે તો તેનું ફળ અક્ષય થાય છે, એટલે જ આ દિવસનું મુહૂર્ત સર્વશ્રેષ્ઠ છે. વિવાહ, ગૃહપ્રવેશ, વ્યાપાર વગરેનો શુભારંભ અક્ષય તૃતીયાના દિવસે ખૂબ થાય છે. ગામડાઓમાં તો આ દિવસે સમૂહલગ્નો થાય છે.
જૈન પરંપરામાં અક્ષય તૃતીયાની સાથે અત્યંત મહત્વપૂર્ણ ઘટના જોડાઇ છે એટલે જૈનોમાં પણ આ દિવસનું અધિક મહત્ત્વ છે. પ્રથમ તીર્થંકર આદિનાથ ભગવાનની એક વર્ષની કઠિન તપસ્યાને અંતે આ જ દિવસે શ્રેયાંસકુમારે (જે પ્રભુના પ્રપૌત્ર હતા) શેરડીના રસ દ્વારા પારણું કરાવ્યું હતું. આ તિથિને અક્ષય પુણ્ય પ્રદાન કરવાવાળી તિથિ કહેવાય છે. અક્ષય તૃતીયાએ દાન અને તપનો અદ્ભુત સંબંધ જોડાયેલો હોવાને કારણે જ આ અક્ષય બની ગયું.
ભગવાન ઋષભદેવે ચૈત્ર વદ આઠમે બેલા (બે ઉપવાસ)ની તપસ્યા સાથે દીક્ષા ગ્રહણ કરી હતી. આ તપસ્યાની સાથે બે મુખ્ય વાતો હતી. અખંડ મૌન અને સંપૂર્ણ નિર્જળ તપ. અખંડ મૌન વ્રત ધારણ કરી ભગવાને ચઉવિહાર ‘બેલા’ની તપસ્યા કરી, ઉપરાંત અભિગ્રહ ધારણ કરીને ગોચરી (ભિક્ષા) માટે નગરમાં પધાર્યા પરંતુ ક્યાંયથી પણ શુદ્ધ આહાર પ્રાપ્ત ન થતાં ભગવાન નગરમાં ફરીને પાછા વળી ગયા અને આગળ તપસ્યા ચાલુ રાખી. આવી રીતે તપ કરતાં 13 મહિના અને 10 દિવસ પસાર થઇ ગયા. છેવટે વૈશાખ સુદ તૃતીયાના દિવસે ભગવાન હસ્તિનાપુર પધાર્યા.
હજારો ભાવિકો તેઓનાં દર્શન કાજે વિવિધ પ્રકારની ભેટસામગ્રી લઈને આવી રહ્યા હતા. (પરંતુ પ્રભુના માટે તે ભેટસામગ્રીનું કોઇ જ મહત્ત્વ નહોતું. તેઓ ત્યાગી હતા અને શુદ્ધ આહારની ખોજમાં હતા) જનતાનો ભારે કોલાહલ, વધતી જતી ભીડ અને સૌથી આગળ ચાલતા પ્રભુને જોઈ શ્રેયાંસકુમાર વિચારવા લાગ્યા ‘આજે શું વાત છે? આ મહામાનવ કોણ આવી રહ્યું છે. આવા પ્રકારના તપસ્વી સાધક આ પહેલાં મેં ક્યારેય જોયા છે?’ તેઓની સ્મૃતિઓ અતીતમાં ઊતરતી ગઈ. ચિંતનની એકાગ્રતા વધતાં તેઓને જાતિ સ્મરણ જ્ઞાન થાય છે.
તેઓ જાણી જાય છે કે આ મારા પરદાદા દીર્ઘ તપસ્વી પ્રભુ આદિશ્વર છે જેઓ શુદ્ધ ગોચરી માટે અહીં પધાર્યા છે. શ્રેયાંસકુમાર મહેલથી નીચે ઊતરી પ્રભુને વંદન કરીને વિનંતી કરે છે કે, ‘પ્રભુ પધારો...’. આ સમયે જ રાજમહેલમાં શેરડીના રસથી ભરેલા 108 ઘડા આવેલા હતા. શુદ્ધ અને નિર્દોષ વસ્તુ અને એવી જ શુદ્ધ ભાવના શ્રેયાંસકુમારની. તેઓએ ઇક્ષુરસથી ભગવાનને પારણું કરાવ્યું એ જ સમયે દેવોએ આકાશમાં દેવ દુદુંભિ વગાડી. અને ‘અહોદાન!’ની ઘોષણા કરી. પાંચ દિવ્યોની વર્ષા થઈ. આ પ્રકારે અક્ષય તૃતીયાનું આ ઐતિહાસિક પર્વ જગતમાં તપનો મહિમા અને દાનનો પ્રવાહ વહેવડાવતું પર્વ છે. ‘દાન’ની સાથે તપની આરાધના કરવાવાળા અક્ષય પદ પ્રાપ્ત કરી શકશે. એવો સંદેશ આ પર્વમાં છુપાયેલો છે.