વૈશાખ સુદ ત્રીજ એટલે અક્ષયતૃતીયા. લોકબોલીમાં અખાત્રીજ (આ વર્ષે 10 મે) તરીકે જાણીતું આ પર્વ હિંદુ, વૈદિક, જૈન અને ભારતીય સંસ્કૃતિમાં અનેરું મહત્ત્વ ધરાવે છે. અક્ષયતૃતીયા એ સ્વયં સિદ્ધ ઈશ્વરીય તિથિ હોવાથી આ દિવસને વણજોયું મુહૂર્ત તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે કરાતાં કોઈ પણ માંગલિક કાર્ય માટે યોગ, ગ્રહ, નક્ષત્ર વગેરે જોવાની જરૂર રહેતી નથી. કોઈ પણ કાર્ય નિર્વિઘ્ને સંપન્ન થાય છે. આથી જ આ દિવસે સૌથી વધુ યુવાન હૈયાં પ્રભુતામાં પગલાં પાડીને સપ્તપદીના સૂરમાં બંધાય છે. આ દિવસ સોના, રૂપા અને હીરાની ખરીદી માટે ઘણો શ્રેષ્ઠ મનાય છે. વિષ્ણુધર્મોત્તરમાં જણાવ્યા અનુસાર આ દિવસે શ્રીહરિની અક્ષત વડે પૂજા થતી હોવાથી આ તિથિ અક્ષયતૃતીયા કહેવાય છે. મત્સ્યપુરાણ અનુસાર આ દિવસે શ્રીહરિનું અક્ષત વડે પૂજન-અર્ચન કરવાથી તે અતિ પ્રસન્ન થાય છે અને પૂજા કરનારની સંતતિ અક્ષય બને છે.
અનેકગણું પુણ્યફળ આપતી તિથિ
પૌરાણિક કથાઓ અનુસાર, આ દિવસે મહાભારતનું યુદ્ધ પૂરું થયું હતું. દ્વાપરયુગનું સમાપન પણ આ દિવસે થયું હતું. આ જ દિવસે યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્ણને પૂછતાં જણાવ્યું હતું કે આ દિવસે જે પણ રચનાત્મક કે સાંસારિક કાર્ય કરશો તો તેનું પુણ્યફળ અનેક ગણું મળશે. આ તિથિએ ગંગા, યમુના અને સરસ્વતીનું સ્નાન કરીને વિધિવિધાનપૂર્વક દેવતાઓની પૂજા કરવાથી અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. મૃત પિતૃઓનું તલ અને જળથી તર્પણ, પિંડદાન અને પુણ્યદાન કરવાથી તેનું ફળ અક્ષય મનાય છે. આ દિવસે નરનારાયણ ભગવાન પરશુરામ અને હયગ્રીવનો અવતાર થયો હોવાથી અક્ષરતૃતીયા મહાપવિત્ર અને સુખ સૌભાગ્ય આપનારી એકમાત્ર તિથી છે.
વૈષ્ણવ સંપ્રદાયમાં અખાત્રીજ
વૈષ્ણવ ધર્મની દૃષ્ટિએ જોઇએ વૃંદાવન સ્થિત બાંકે બિહારીજીના ચરણાર્વિંદનાં દર્શન પણ આ જ દિવસે થતાં હોવાથી વૃંદાવનમાં ભાવિક ભકતોની ભારે ભીડ જામે છે. નાથદ્વારાના શ્રીનાથજી પ્રભુનું સ્વરૂપ શ્રી વલ્લભાચાર્યજીએ ગિરિરાજ ઉપર પધરાવ્યું હતું તેથી આ દિવસથી સેવા શરૂ થયેલી. વૈષ્ણવ મંદિરો અને હવેલીઓમાં ઠાકોરજીને સફેદ ચંદરવા અને ખસના પડદા બંધાય છે. ઠાકોરજીને મલમલના આછા રંગનાં વસ્ત્રો ધરાવાય છે. ઉષ્ણકાલીન પ્રકારની સેવામાં ઠાકુરજીને શીતલ શરબત, કેરી, ટેટી, શિખંડ, લીચી, આઈસક્રીમ, મગ અને પલાળેલી ચણાની દાળની વાનગીઓ ધરાવાય છે. ઠાકુરજી બિરાજે છે ત્યાં સફેદ રંગના મલમલના ચંદનની કિનારીવાળો પિછોડો અને પીળા ચંદનના રંગનું ઠંડું વસ્ત્ર ધરાવીને ચંદન અર્પણ કરવામાં આવે છે. માટીના કુંજમાં શીતલ જલ ધરાવાય છે. જગન્નાથપુરી અને અમદાવાદમાં ભગવાનની અષાઢી રથયાત્રા માટેના રથોનું નિર્માણ કાર્ય પણ આ દિવસથી પ્રારંભ થાય છે. આ દિવસે અયોધ્યામાં ઠાકોરજીનું વિશેષ પૂજન થાય છે. સ્ત્રીઓ વૈશાખી સ્નાન કરીને ઠાકુરજીને સાથવાનો ભોગ ધરાવીને પોતે તે ગ્રહણ કરે છે. તેમજ ગરુડ સહિત ગરુડ ગોવિંદચંદન ચર્ચિત વિગ્રહનાં નિવારણ દર્શન પણ ફકત આજના દિવસે જ થાય છે.
જૈન પરંપરામાં વરસીતપનાં પારણાં
જૈન પરંપરામાં પણ અક્ષયતૃતીયાની સાથે અત્યંત મહત્વપૂર્ણ ઘટના જોડાઈ છે. એટલે કે જૈનોમાં પણ આ દિવસનું અધિક મહત્વ છે. પહેલાં તીર્થંકર ભગવાન આદિનાથ દાદાની એક વર્ષની કિઠન તપસ્યાને અંતે આ જ દિવસે શ્રેયાંસકુમારે શેરડીના રસ દ્વારા દાદાનું વરસીતપનું પારણું કરાવ્યું હતું. જૈન સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓ આવી રીતે એક દિવસ બેસણું અને એક દિવસે ઉપવાસનું તેર માસ સુધી વરસીતપનું વ્રત રાખે છે અને અંતમાં અખાત્રીજના દિવસે શેરડીના રસ દ્વારા પારણું કરે છે.
યુગાદિ તિથિઓમાં એક
ભવિષ્ય પુરાણ અનુસાર આ તિથિની યુગાદિ તિથિઓમાં ગણના થાય છે. કેમ કે સતયુગ અને કળિયુગનો પ્રારંભ પણ આ દિવસે થયો હોવાથી દાન-પુણ્ય માટે શ્રેષ્ઠ દિવસ ગણાય છે. આ દિવસે જળ ભરેલો કળશ, પંખા, ચરણપાદુકા, છત્રી, પગરખાં, ગાય, ભૂમિ, સ્વર્ણ પાત્રનું દાન પુણ્યકારી મનાયું છે. આ દિવસે જે જે વસ્તુઓનું દાન કરવામાં આવે છે તે સઘળી વસ્તુઓ સ્વર્ગમાં ગરમીની ઋતુમાં મૃતાત્માને પ્રાપ્ત થાય છે.
ખેતીકાર્ય અને ચારધામ યાત્રાનો પ્રારંભ
જગતનો તાત પણ ખેતીનો પ્રારંભ આ દિવસે કરતો હોવાથી તરસી ધરતીની તરસ છિપાય છે. આ દિવસે વટેમાર્ગુઓને તથા પશુ-પંખીઓને ગરમીની ઋતુમાં જળ મળી રહે તે માટે ભાવિકો પરબો અને હવાડાઓ બાંધીને પુણ્યના ભાગીદાર બને છે. પશુ-પંખીઓને અન્ન અને જળ આપવાથી ધંધા અને રોજગારીમાં ઉન્નતિ થાય છે. આ દિવસે ચારધામની યાત્રાનો શુભારંભ થાય છે અને ચારધામમાંનું એક ભગવાન બદરીનાથનાં દર્શનાર્થે દ્વાર ખૂલે છે. આ દિવસે ભગવાન બદરીનારાયણનું વિશેષ પૂજન કરવામાં આવે છે. આ દિવસે ગૌરીની પૂજા પણ થાય છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ અને કન્યાઓ ગૌરીપૂજન કરીને મીઠાઈ, ફળ અને પલાળેલા ચણા વહેંચે છે. ગૌરી પાર્વતીજીની પૂજા કરીને ધાતુ અથવા માટીના કળશમાં ફળ, ફૂલ, જળ, તલ અને અન્ન વગેરે ભરીને ગુપ્તદાન કરે છે. ગૌરીપુત્ર ગણેશની તિથિ ચતુર્થીનો સંયોગ જો આ દિવસે હોય તો તે વધુ શુભ ફળદાયી હોય છે.
આ તિથિએ સુખ, સમૃદ્ધિ અને સફળતાની કામનાથી વ્રતોત્સવની સાથે જ અસ્ત્ર, શસ્ત્ર, વસ્ત્ર અને આભૂષણો વગેરે બનાવડાવાં, ખરીદવાં અને ધારણ કરવાં શુભ મનાય છે. ઐશ્વર્ય અને ધનની અધિષ્ઠાત્રી ભગવતી લક્ષ્મીની કૃપાપ્રાપ્તિ માટે પણ આ દિવસ શ્રેષ્ઠ છે. જેઓ પોતાનું દુ:ખ, દરિદ્રતા વગેરેમાંથી મુક્તિ પામીને ધનલક્ષ્મી મેળવવા માગતા હોય તેમણે અક્ષયતૃતીયાના અભિજિત મુહૂર્તમાં લક્ષ્મીજીના સાક્ષાત્ સ્વરૂપ એકાક્ષી નાળિયેરનું પુષ્પ, અક્ષત અને નૈવેધથી પૂજન-અર્ચન કરવાથી ધાર્યું ફળ પ્રાપ્ત થાય છે. આમ આ પ્રકારે આ ઐતિહાસિક પર્વ જગતમાં દાન, તપ, વ્રત, પુણ્ય અને ધર્મના મહિમાની આરાધનાનું અક્ષય અને અજોડ પર્વ છે.