આ હરવિલાસ શારદા (અંગ્રેજીમાં સારડા) કોણ હતા એ સવાલ અચાનક પૂછાવા લાગ્યો છે. તેનું મોટું કારણ એ છે કે તેમણે 1911માં લખેલા પુસ્તક “અજમેર: એ હિસ્ટોરિકલ નેરેટિવ “ ના આધારે વિષ્ણુગુપ્ત જૈન નામે ધારાશાસ્ત્રીએ અદાલતમા એક અરજ કરી છે કે આ ચિશ્તીની દરગાહ નથી, ત્યાં તે પહેલા શિવમંદિર હતું. વિષ્ણુ જૈન સામાન્ય વકીલ નથી, અયોધ્યામાં બાબરી મસ્જિદના સ્થાને રામ જન્મભૂમિ મંદિર હતું તેના પ્રમાણો સાથેની લાંબી કાનૂની લડાઈ કરી. હવે સંભલમાં શીખ હરમંદિરનો વિવાદ હાથમાં લીધો છે, તે પછી વારો આ અજમેર વાલે ખ્વાજાનોઆવ્યો છે.
એ તો જગ-જાણીતી હકીકત છે કે બાબરથી ઔરંગઝેબ- વચ્ચે મોહમ્મદ ગઝનવીથી મોહમ્મદ ખીલજી સુધીના- આક્રાંતાઓએ સમાજના મનોબળ સમાપ્ત કરવા માટે ધાર્મિક સ્થાનો નષ્ટ કર્યા હતા, તેનો અંદાજ આપતા
પુસ્તકો પી.એન.ઓક, સીતારામ ગોયેલ અને એક આપણાં એક ગુજરાતી પ્રફુલ્લ ગોરડીયાએ લખ્યા છે તે પ્રમાણે દેશભરમાં 1000 સ્થાનોની એવી યાદી છે.
અજમેર ખ્વાજા સાહેબ ચિશ્તીની દરગાહનો મોટો મહિમા છે. રાજનેતાઓથી માંડીને સામાન્ય લોકો પણ ચાદર ચડાવે છે. મૂળ ઇસ્લામની સૂફી શાખાનું આ સ્થાન છે. સૂફી સંપ્રદાયે હિન્દુ અને મુસ્લિમ બંનેની ભક્તિનો સુમેળ કર્યો હતો, ઔરંગઝેબે એટ્લે તો શાહજાદા દારા શિકોહને મારી નખાવ્યો, જેને ઉપનિષદનું ફારસીમાં ભાષાંતર કરાવ્યુ હતું.
પણ મૂળ મુદ્દો બીજો છે. જો ઇસ્લામ-હિંદુત્વ વચ્ચે સુમેળ રાખવો હોય તો સૌથી પહેલી શરત એ હતી કે હિન્દુ ધર્મસ્થાનોને તોડી પાડીને ત્યાં પોતાના ધાર્મિક સ્થાનો શ માટે ઊભાં કરવા જોઈએ? સુલતાનો અને શહેનશાહો પાસે બીજી પડતર જગ્યાઓ તો હતી જ. ત્યાં તેમની ધાર્મિક જગ્યા સ્થાપવાનું કેમ ના કર્યું? દરેક ધર્મ શાંતિ અને સુલેહ માટે કામ કરે છે એવું કહેવામા તો આવે છે પણ બીજા ધર્મ માટેની એવી સહિષ્ણુતા દેખાતી ના હોય ત્યારે આવી સ્થિતિ સર્જાય છે.
તેનું પરિણામ હવે દેખાઈ રહ્યું છે. કાશ્મીરમાં 370મી કલમ, ત્રણ તલાક અધિનિયમ, રામજન્મભૂમિ નિર્માણ વગેરે બાબતો છેલ્લા કેટલાંક વર્ષોમાં દેખાઈ, તેના મૂળ ઘણા જૂના છે.
અજમેર દરગાહ વિશેના મુક્દ્દ્મામા જે દલીલો થશે તેમાં હરવિલાસ શારદાનો સંદર્ભ આવશે જ. તેમનો પરિચય ગુજરાતને માટે બે પ્રકારે છે. એક તો તેઓ સ્વામી દયાનંદ સરસ્વતીના આર્યસમાજી નેતા હતા, અને બીજું કચ્છના ક્રાંતિકાર પંડિત શ્યામજી કૃષ્ણવર્માના પરમ મિત્ર હતા. હરવિલાસ શારદાએ પંડિતજીનું જીવનચરિત્ર લખ્યું હતું, છેક 1931ની આસપાસ. બરાબર તે જ દિવસોમાં લંડનમાં ઇંદુલાલ યાગ્નિકે શ્યામજીના જીવનચરિત્ર પર કામ શરૂ કર્યું હતું. ઇંદુલાલનું એ અંગ્રેજી પુસ્તક લખાયું 1935માં, છાપાયું 1950માં. હરવિલાસનું પુસ્તક પણ અંગ્રેજીમાં હતું તે 1958માં પ્રકાશિત થયું. શ્યામજી કૃષ્ણવર્માનું ઇંદુલાલ લિખિત જીવન ચરિત્ર હવે ગુજરાતીમાં ઉપલબ્ધ છે, પણ શારદાનું નહિ.
કોણ હતા શારદા? નામ હારવિલાસ. જેએનએમ 3 જૂન. 1867. અવસાન 20 જાન્યુઆરી, 1955. 87 વર્ષની તેમની જિંદગી સંશોધન, સમાજસેવા અને રાજનીતિક ક્ષેત્રમાં રહી. બાળ વિવાહ પર નિષેધ ફરમાવતો કાયદો તેમણે આપ્યો જે “શારદા-એક્ટ” નામે જાણીતો છે. પોતે શિક્ષક બન્યા, ન્યાયમૂર્તિનું પદ શોભવ્યું, અલ્હાબાદ કોંગ્રેસમાં ભાગ લીધો, 1892થી ન્યાયતંત્રમાં સામેલ થ્ય. અજમેરના નગર આયુક્ત બન્યા, વિદેશ વિભાગ સંભાળ્યો. જયપુર અદાલતમા મુખ્ય ન્યાયમૂર્તિની જવાબદારી સંભાળી.
1924માં કેન્દ્રીય વિધાનસભાના અધ્યક્ષ બન્યા, પૂરા દેશનું ભ્રમણ કર્યું. 1929માં બાળલગ્ન વિવાહ સામે નિષેધનો કાયદો ઘડ્યો અને તે અમલમાં મુકાયો. આ તો તેમની સાર્વજનિક પ્રવૃત્તિ રહી. બ્રિટિશ સરકારે તેમને દીવાન બહાદુર અને રાય બહાદુરનું સન્માન પણ આપેલું. તેમનો મુખ્ય વિષય તો હતો વિદ્યા અને સંસ્કૃતિના અધ્યયનનો. આગ્રા કોલેજમાં અંગ્રેજી ભાષાની સાથે સ્નાતક બન્યા, ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં જવું હતું તે થઈ શક્યું નહિ. યુવાનીમાં જ પિતા અને ભાઈના મૃત્યુ થયા. પિતા વેદાંતી વિદ્વાન હતા. થોડો સમય ગ્રંથપાલ રહ્યા. હરવિલાસનું ઇતિહાસ અને સંસ્કૃતિ વિષેનું અધ્યયન ઊંડાણપૂર્વક્નુ હતું એટ્લે સ્વામી દયાનંદ સરસ્વતીએ તેમને બોલાવ્યા. પરોપકારિણી સભાની જવાબદારી સોંપી. સ્વામીએ આર્યસમાજના પ્રભાવ અને પ્રચાર માટે જે 23 ચુનંદા મહાનુભાવોને પસંદ કર્યા હતા તેમાના એક આ હરવિલાસ હતા. તેમણે અજમેરમાં ડી એ વી વિદ્યાલયની સ્થાપના કરી. આજે પણ આર્યસમાજના મુખ્ય સ્થાનોમાં અજમેરની ગણના થાય છે.
તેમણે લખેલા પુસ્તકોમાં, અજમેરનો ઇતિહાસ, હિન્દુ શ્રેષ્ઠતા, મહારાણા કુંભ, રણથંભોરનો સમાવેશ થાય છે. રોયલ આશિયાટીક સોસાઇટીના શોધ પત્રો પણ લખ્યા. તેમના પોતાના વિષેનું એક પુસ્તક “સ્પીચ અંદ રાઇટિંગ્સ હરવિલાસ સારડા નામે 1935માં પ્રકાશિત થયું.
ખ્વાજા અહમદ ચિશ્તીના સ્થાન વિષે તેમણે અજમેરના ઈતિહાસમાં વિગતે લખ્યું છે કે આ મૂળ તો સંકટવિમોચન મહાદેવનું શિવમંદિર હતું. ત્યાં તહખાનામાં શિવલિંગ હતું. 75 ફૂટ ઊંચા દરવાજા પર હિન્દુ પ્રતીકો છે. એક બ્રાહમણ પરિવાર પૂજા કરતો. જો કે આ સ્થાનના હાલના ટ્રસ્ટીઓ કહે છે કે 800 વર્ષથી આ ખ્વાજાનું સ્થાન છે. હજારો લોકો તેની માનતા મને છે. હિન્દુ સંસ્થાએ માંગ કરી છે કે આ જ્ગ્યાનું સર્વેક્ષણ કરવામાં આવે અને પુરાતત્વ વિભાગ તપસ કરીને અહેવાલ આપે. સંભલની મસ્જિદ વિષે સર્વેનો આદેશ આપવામાં આવ્યો છે, જ્ઞાન વાપી પરિસર માટે પણ આવી પ્રક્રિયા ચાલે છે, તો અહી કેમ નહીં?
હરવિલાસ શારદાનું પુસ્તક આમાં સંદર્ભ તરીકે છે, અજમેર નિવાસ દરમિયાન તેમના પરમ મિત્ર હતા પંડિત શ્યામજી કૃષ્ણવર્મા. રાજયોના દીવાન અને સ્વામી દયાનંદ સરસ્વતીના વિચારવાહક શ્યામજી અજમેરમાં પ્રતિષ્ઠિત આગેવાન હતા, વકીલાત કરતાં, બે જિનિંગ પ્રેસ ઊભા કર્યા હતા. બંને વિદ્વાનો નગરની શાન હતા. સ્વામી વિવેકાનંદ ગુજરાતની યાત્રાએ નીકળતા પહેલા ખેતડી અને અજમેરમાં રોકાયા હતા. શ્યામજીની ઈચ્છા હતી કે એકાદ મહિનો તેઓ અહી રહે. એ તો ના બન્યું પણ આ ત્રણ વિભૂતિઓનો અહી યાદગાર સત્સંગ થયો હતો.