વિચારે તે બોલે, બોલે તે કરે આનો અર્થ થયો એકરૂપતા. સેવામાં સ્થિર અને સમાજની એકતામાં પ્રવૃત્તિશીલ વિકેશ વણઝારા એ મલાવીના આર્થિક પાટનગર શા બ્લેન્ટાયર શહેરના ગરવા ગુજરાતી છે.
વિકેશ વણઝારા એ લોહાણા યુવક છે. બ્લેન્ટાયરમાં સ્ટોર ધરાવે છે. જીભે જલેબી પાડનાર વાણીશૂરી વ્યક્તિઓથી નોખી ભાત ધરાવતા તે કરી બતાવનાર વ્યક્તિ છે. તે અતિથિ વત્સલ છે. વિકેશ કરતાં ધનિક એવા સંખ્યાબંધ ગુજરાતીઓની વચ્ચે તે એવા ધનિકોથીય સેવાધનથી વધુ ધનિક છે. એમનું ધન સેવા છે.
બ્લેન્ટાયરમાં લાયન્સ ક્લબ વિવિધ સેવાપ્રવૃત્તિ કરે છે. આમાં જોડાનારે ધનથી ઘસાવું પડે. ૧૯૮૪થી તેઓ તેમાં સક્રિય છે. ૧૯૯૧માં વિકેશની એમાં પ્રેસિડેન્ટ તરીકે વરણી થઈ. આ પછી ૧૯૯૪, ૧૯૯૮ અને ૨૦૧૦માં ફરીથી પ્રેસિડેન્ટ બન્યા હતા. સતત ચાર વાર એ પ્રમુખ રહ્યા. વ્યક્તિની સેવાભાવનામાં બીજાને વિશ્વાસ ના હોય તો એમને મત ના મળે.
લાયન્સ ક્લબ જરૂરતમંદ માટે નેત્રયજ્ઞ યોજે અને ચશ્માં આપે. શિક્ષણ સંસ્થાઓમાં ઈનામ આપે એવું ચાલુ રાખ્યા પછી મોટું કામ તે ૨૦૦ પથારીની આંખની સાર્વજનિક હોસ્પિટલ બાંધી આપવાનું. વિકેશના નેતૃત્વમાં આ થયું.
મલાવી દેશના ચિલ્ડ્રન ફંડના ટ્રસ્ટી તરીકે પણ વિકેશનું કામ નોંધપાત્ર છે. આ ફંડફાળો ઉઘરાવીને બાળકોની સારવાર માટે હોસ્પિટલોને આપે છે.
વિકેશ મલાવીના બ્રિટિશ હાઈકમિશન નિયુક્ત વોર્ડન છે. વોર્ડનનું કામ મલાવીમાં વસતા બ્રિટિશ પાસપોર્ટ ધારણ કરતી વ્યક્તિઓને પાસપોર્ટ રિન્યુ કરાવવામાં મદદરૂપ થવાનું. આવા પસંદ થયેલા વોર્ડનોમાં એકમાત્ર ગુજરાતી વોર્ડન વિકેશ છે.
મલાવીમાં વર્ષો સુધી ભારતીય એમ્બેસી ન હતી. આવા વખતે મલાવીમાંના ભારતીયોને વિસાનાં ફોર્મ મેળવી આપવામાં-ભરવામાં અને જરૂર પડ્યે ઈન્ટરવ્યુમાં સાથે જવાનું કામ વર્ષો સુધી વિકેશે કર્યું હતું.
વિકેશના દાદા વેલશીભાઈ અમરેલીના બાબરા પાસેના કોટડાપીઠાના વતની. પિતા કેશવલાલ અને મા મુક્તાબહેન. મુક્તાબહેનના ભાઈ વલ્લભદાસ મલાવીમાં હતા. તેમણે બહેન-બનેવીને ૧૯૫૩માં મલાવી બોલાવ્યાં. કેશવલાલે આવીને બે વર્ષ નોકરી કર્યા પછી મોઝામ્બિકની સીમા નજીકના કંજેજા ગામે નાની-મોટી અનેક વસ્તુઓ વેચતી દુકાન કરી. આ પછી ૧૯૫૮માં બેન્જી ગામે દુકાન કરી. બે દુકાનના માલિક થયા. આ પછી ૧૯૭૬માં તેમના પુત્ર વિકેશે બ્લેન્ટાયરમાં દુકાન કરી.
૧૯૬૦માં જન્મેલ વિકેશ એ કેશવલાલનો મોટો દીકરો પણ ચાર સંતાનોમાં બીજા નંબરે. બ્લેન્ટાયરની દુકાન સારી ચાલી. આ પછી લગ્ન થતાં પત્ની ઈનાબહેનનો સાથ મળતાં દુકાનનો વિકાસ થયો. પત્ની ઈનાબહેન પતિ સાથે ખભેખભો મિલાવીને વિકેશ સાથે કામ કરે છે. વિકેશને રોટલો ખાવાની ચિંતા ન રહી. દુકાનમાં પણ સાથ મળ્યો. એટલે વિકેશને જાહેર સેવા માટે સમય કાઢવાનું સરળ થયું.
વિકેશ ધનલોભી નથી. પૈસાને એ જીવન જીવવાનું સાધન માને છે. પુરુષાર્થ અને પરમેશ્વરની કૃપાનો પ્રસાદ માને છે. દુકાન ઈનાબહેનને સોંપીને તે હિંદુ સમાજની સેવા કરવા નીકળી પડે છે. સમાજ માટે ફંડની જરૂર પડે ત્યારે સૌપ્રથમ પોતે આપે પછી જ બીજા પાસે જાય. પોતે વધારે આપે તો જ બીજા એટલા કે ઓછા આપે આમ વિકેશને જાહેર કામ માટે તન અને ધનથી ઘસાવાનું થાય છે.
વિકેશને હિંદુ ધર્મ પ્રત્યે પ્રેમ છે. નાતજાતની વાડાબંધી, શૈવ, વૈષ્ણવ, સ્વામિનારાયણ, શાક્ત એવા કોઈ ભેદ એમના મનમાં વસતા નથી. આથી બધાને એ ભાવે અને ફાવે છે. હિંદુ સેવા સમાજમાં આને કારણે વર્ષોથી ચેરમેન કે વાઈસ ચેરમેન રહે છે. કારણ એકના એક હોદ્દા પર સતત ના રહી શકાય. વિકેશ ગમે તે હોદ્દા પર હોય પણ કામ તો એનું એ જ કરવાનું.
વિકેશને ત્યાં પ્રમુખસ્વામી મહારાજ, સોખડાવાળા હરિપ્રસાદ સ્વામી, લાયન્સ ઈન્ટરનેશનલના ચેરમેન ડો. અશોક મહેતા, લોકસાહિત્યના કથાકાર લાખાભાઈ વગેરે આતિથ્ય માણી ગયા છે. વિકેશના ઘરમાં પૂરી સગવડોથી સજ્જ બબ્બે અતિથિ ખંડ છે.
મલાવીને અત્યાર સુધીના બધા પ્રેસિડેન્ટની વિકેશે મુલાકાત લીધી છે. વિકેશનું જાહેરજીવન સમૃદ્ધ છે તો વ્યક્તિગત ગુણ સમૃદ્ધિ પણ ઓછી નથી. વોલીબોલી અને ફૂટબોલના રસિયા વિકેશ વર્ષો સુધી એના ખેલાડી રહ્યા છે. જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવાનું વર્ષોના અનુભવથી એમને ફાવે છે. રંગોળીની કલાસૂઝ ધરાવતા વિકેશનું ઘર દિવાળીના દિવસોમાં નયનરમ્ય રંગોળીથી શોભી ઊઠે છે.
વિકેશનું રાજમહેલ જેવું ભવ્ય મકાન, વિશાળ અને કલાત્મક મૂર્તિઓ અને રંગબેરંગી ફૂલોથી હર્યાભર્યા બગીચાથી શોભે છે. પૈસા હોય તો ચીજવસ્તુ ખરીદી શકાય પણ એની ગોઠવણીમાં કલાદૃષ્ટિ હોય તો જ શોભે, નહીં તો ઘર કલાત્મક મૂર્તિઓનું ગોડાઉન બની રહે. પતિ-પત્ની બંને કલારસિયાં છે એટલે જ ઘર કલામંદિર બન્યું છે.
વિકેશના ઘરના ઉદ્યાન પછી વિશિષ્ટ અતિથિઓ અને સાધુ-સંતો માટે અલગ અતિથિ ગૃહ પણ છે. તે જ ભાગમાં મોટો ખંડ છે જે સભાગૃહ તરીકે વાપરી શકાય.
જુદા જુદા દેવ-દેવીઓનું પ્રતિમાયુક્ત ઘરમંદિર સવાર-સાંજ આરતીથી જીવંત બને છે. વિકેશનો વ્યવસાય જોતાં આવું ભવ્ય મહાલય ધોળો હાથી બાંધવા જેવું છે. વિકેશના ઉત્સાહ અને સદાસ્મિતા પત્ની ઈનાબહેનના સાથને લીધો વર્ષોથી બચત ખર્ચીને આ કર્યું છે. બ્લેન્ટાયરમાં જોવા જેવું સુઆયોજિત નિવાસસ્થાન અને અતિથિપ્રેમી દંપતીની સ્પર્ધા ગોઠવાય તો કદાચ આ દંપતી જીતી જાય!