અતિથિ દેવો ભવઃ

અજવાળું... અજવાળું

તુષાર જોષી Wednesday 24th February 2016 08:13 EST
 

‘આ વખતે ભલે અનહદ પ્રેમ આપ્યો, હવે આવો ત્યારે આટલો બધો પ્રેમ કરતા નહીં કે અમે તમને આવજો કહેવા ઘરના દરવાજા સુધી પણ ન આવી શકીએ.’

વ્યવહાર જગતમાં વિરોધાભાસી લાગે તેવી વાત ચંદ્રિકાભાભીએ અભિષેકને કરી ત્યારે તેને આંચકો ન લાગ્યો, એ આદરથી ભાભીને પગે લાગ્યો. બંનેની આંખો આનંદથી ભીંજાઈ ગઈ.
ઘટના છે લંડન શહેરની. એક સામાજિક કામે અભિષેક અને તેની કઝીન લંડન આવ્યા હતા. પહેલી ટ્રીપ હતી. યજમાને કહ્યું હતું કે તમારા નામની તક્તી લઈને કોઈ આવશે એરપોર્ટ પર. બંને અરાઈવલ લોન્જમાં આવ્યા તો એક ભાઈ હાથમાં પ્લે કાર્ડ લઈને બીજા હાથે આઈસ્ક્રીમ કોન ખાઈ રહ્યા હતા. પરસ્પર મળ્યા. જય શ્રીકૃષ્ણ કહ્યા. કારમાં ગોઠવાયા. કારમાંથી જ લેવા આવનાર નરેન્દ્રભાઈએ ફોન કરીને સામે પૂછ્યું, ‘તું ઘરે આવી ગઈ છે?’ સામેથી હાનો જવાબ મળતા કહ્યું, ‘એરપોર્ટથી નીકળ્યો છું. ભારતથી જગદીશના બે મહેમાન છે. એમના ઘરે લઈ જતા પહેલાં આપણા ઘરે ચા પીવા લઈને આવું છું. આદુવાળી દેશી ચા બનાવજે.’ એમના ઘરે પહોંચ્યા. કિંગ્સબરીમાં ઘરમાં દાદાજી - ચંદ્રિકાભાભીને મળ્યા. વાતો થઈ. અડધા કલાક પછી અભિષેકે જોયું કે નરેનભાઈ સામાન ઘરમાં લાવી રહ્યા છે. ‘અમારે તો બીજે જવાનું છેને?’ તેણે પૂછ્યું... ભાભીએ કહ્યું, ‘અમને એવું લાગ્યું કે તમે અહીં જ રહો.’
આમ બંને એમના ઘરે થોડા દિવસ રહ્યા. લંડન શહેર જોયું. સમાજજીવન, રીતરિવાજો, ઉત્સવો, લાઈફસ્ટાઈલ નિહાળી. એમના બે દીકરાઓ સાથે પણ દોસ્તી જામી ગઈ. એક પારિવારિક ભાવના વિકસતી ગઈ. પ્રેમ વધતો ગયો. અભિષેકને દાદાજી સાથે વાતો કરવાની મજા પડી ગઈ. મૂળ પોરબંદરના આ પરિવારે સૌરાષ્ટ્રની પરોણાગતનો પૂરેપૂરો પરિચય આત્મીયતા સાથે કરાવ્યો. આખરે જવાનો દિવસ આવ્યો. ચંદ્રિકાભાભી અને નરેનભાઈ સાથે સવારે ચા પીતા હતા ત્યારે ભાભીએ કહ્યું, ‘અમે જીવતા હોઈએ ત્યાં સુધી હવે લંડનમાં આ ઘર તમારું છે એમ માનીને આવજો.’ અને પછી હસતાં હસતાં લેખના આરંભે લખેલું વાક્ય કહ્યું...
સાચ્ચે જ સાંજે એરપોર્ટ જતી વખતે ભાભી લાગણીવશ થઈને દરવાજા સુધી આવજો કહેવા ન આવી શક્યા. હૃદયમાં લાગણીની, વાત્સલ્યની, પ્રેમની, અતિથિ સત્કારની અનહદ અનુભૂતિ લઈને અભિષેક પરત ભારત આવી ગયો.

• • •

વિશ્વના સૌથી મોંઘા શહેરોમાં સ્થાન પામેલા લંડન શહેરમાં આવી રીતે સાવ અજાણ્યા વ્યક્તિ પર આટલો બધો પ્રેમ અને વાત્સલ્ય ઢોળનાર આ પરિવાર અને અતિથિ બનનાર બંને મહેમાનોના સ્વભાવ-સંસ્કાર અને સમજદારી આ ઘટનામાં ધબકે છે.
તાજેતરમાં ગાંધીનગરમાં એક અનોખા ટ્રાવેલ માર્ટનું આયોજન થયું હતું. દેશ-વિદેશના ટ્રાવેલ ક્ષેત્રના મહાનુભાવોએ ગુજરાતની આતિથ્ય ભાવના - પરોણાગત અને અતિથિ દેવો ભવઃની લાગણી અનુભવી હતી. આવી જ લાગણીનો પડઘો મૂળ ગુજરાતના લોકો જે જે દેશોમાં સ્થાયી થયા છે ત્યાં ત્યાં એમણે જીવંત રાખ્યાની આવી અનુભૂતિ આવા અનેક પ્રસંગોમાં અનુભવાય છે.
જ્યારે અતિથિ તરીકે જઈએ છીએ ત્યારે યજમાનને અનુકૂળ થઈને રહેવાની, તેમના ગમા-અણગમા, રીતરિવાજ અને નિત્યક્રમને સાચવવાની જવાબદારી કેળવીએ તો પરિણામસ્વરૂપે જીવનભરના આદર્શ - મજબૂત અને ઊર્જાવાન માનવીય સંબંધો આવી મળે છે. આવા સંબંધો થકી જ જીવનમાં અજવાળાં રેલાય છે.

લાઈટ હાઉસ
હે પરમ પ્રભુ,
અમારા ચિત્તને એટલું વિશાળ કરો કે,
પોતાના ને પારકાના ભેદથી ઉપર ઊઠી શકીએ.
- કુંદનિકા કાપડિયા, ‘પરમ સમીપે’ પુસ્તકમાં

(લેખક ગુજરાત સરકારના માહિતી ખાતામાં અધિકારી છે. પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયા ક્ષેત્રે લેખનથી માંડીને
ફિલ્મમેકિંગનો બહોળો અનુભવ ધરાવતા લેખક સ્ટેજ કાર્યક્રમોના સંચાલક તરીકે પણ જાણીતા છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter