અતુલ્ય અને અદૃશ્ય શક્તિ

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દિ વિશેષ

સાધુ કૌશલમૂર્તિ દાસ, બીએપીએસ Saturday 24th December 2022 04:49 EST
 
 

અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલ રેડવુડ નામના વૃક્ષોની ઊંચાઈ 300-350 ફિટ હોય છે. આ વૃક્ષો એવી જગ્યાએ છે કે જ્યાં એક વર્ષમાં 70,000થી વધુ ભૂકંપ આવે છે. અર્થાત્ દર સાત મિનિટે એક ભૂકંપ. જેમાં 0.5થી લઈને 4-5 સ્કેલ સુધીના ભૂકંપ પણ હોય. પણ આશ્ચર્યની વાત એ છે કે ધરતીની આવી ધ્રુજારીઓ વચ્ચે પણ આ વૃક્ષો 2500 વર્ષથી આજે પણ અડીખમ ઊભા છે. વધુ એક આશ્ચર્ય એ છે કે આ વૃક્ષના મૂળની ઊંડાઈ કેવળ 3.5 ફિટ જ છે. છતાં વર્ષોથી કાંઈ નથી થયું તેનું કારણ છે સંપ. હા, તેના મૂળ ઊંડા નથી પરંતુ એકમેકની સાથે જોડાયેલા અને ગુંથાયેલા જરૂર છે. એટલે જ આ વૃક્ષો વર્ષોથી ઉતુંગ શિખરોની જેમ પ્રકૃતિની શોભા વધારી રહ્યા છે.

હેન્રી લોંગફેલો કહે છેઃ ‘All your strenght is in your union’ અર્થાત્ એકતામાં જ તમારી શક્તિ રહેલી છે.
વાલ્મીકિ રામાયણના યુદ્ધકાંડમાં ઉલ્લેખ આવે છે કે બધા વાનરોએ એકમના થઈ રામસેતુ નિર્માણ કરવાનો પ્રારંભ કર્યો. કોઈએ માપવા માટે દંડ પકડ્યો, કોઈએ સામગ્રી એકઠી કરી અને કોઈ વળી મોટી મોટી શિલાઓ અને પર્વતના શિખરો લઈને ગોઠવવા લાગ્યા. ભગવાન શ્રીરામની આજ્ઞાથી અને સ્વયંના સંપથી પ્રથમ દિને જ 14 યોજન લાંબો સેતુ બાંધી દીધો, પરંતુ આશ્ચર્ય ઉપજાવે એવી વાત એ હતી કે 100x10 યોજન લાંબો સેતુ કેવળ 5 દિવસમાં નિર્માણ કરી દીધો. જે સંપશક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ કહી શકાય.
અહીં આપણને એક પંક્તિ સાર્થક થતી જણાય.
બહુ જન મળીને જે કરે, તે જુદે નવ થાય,
સાવરણી ઘર સજ્જ કરે, સળીઓથી શું થાય?
ખરેખર, ઘણાબધા વ્યક્તિઓ અલગ અલગ સળી લઈ એક ઘર સાફ કરવા માંડી પડે છે છતાં તે ન થાય પરંતુ તે સળીઓ ભેગી થઈ એક સાવરણી બને તો ફક્ત એક જ વ્યક્તિ દ્વારા ઘણા ઘર સાફ થઈ શકે.
અમેરિકન ઉદ્યોગપતિ હેન્રી ફોર્ડ કહે છેઃ ‘Coming together is the beginning, staying together is progress, working together is success.’ અર્થાત્ ભેગા થવું તે શરૂઆત છે, ભેગા રહેવું તે પ્રગતિ છે. પરંતુ ભેગા મળીને કાર્ય કરવું તે જ ખરેખરી સફળતા છે.
તેથી જ કહી શકાય કે સર્વનો એક વિચાર, એક રુચિ, એક કાર્ય, એક ધ્યેયનો સમન્વય એટલે સંપ. અરે, માટી પણ સંપ કરે તો ઈંટ બને. ઈંટોના સંપથી ભીંત અને ભીંતો એકબીજાને મળે ત્યારે એક મકાન બને છે. પરંતુ જ્યારે તેમાં રહેવાવાળા માનવો સંપે ત્યારે એક ઘરનું સર્જન થાય છે. નિર્જીવ એવી માટી, ઈંટ અને ભીંત એકમેક સાથે જોડાઈને કંઈક નવું સર્જન કરી શકતી હોય તો લાગણી અને સમજણના ભાવથી મિશ્રિત માનવથી શું ના થાય?
ભગવાન સ્વામિનારાયણના વારસદાર અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતમાં જણાવે છે કે, ‘એક રૂચિવાળા બે હોય તો લાખો અને હજારો છે.’ ખરેખ સંપ એ અદૃશ્ય શક્તિ છે, જે દેખાતી નથી પણ તેનો અનુભવ ચોક્કસ થાય. જ્યારે પણ એક રૂચિવાળા એકથી વધારે મનુષ્ય ભેગા થાય ત્યારે કોઈ અદ્વિતીય સર્જન થતું હોય છે.
ભારતની રાજધાની નવી દિલ્હીમાં ભગવાન સ્વામિનારાયણની સ્મૃતિમાં રચાયેલું વિશ્વની અનુપમ અજાયબીસમું અક્ષરધામ સંપશક્તિનું સર્વોત્કૃષ્ટ ઉદાહરણ છે. ગત 800 વર્ષોમાં ભારતમાં રચાયેલાં સ્થાપત્યોમાં અક્ષરધામ બેનમૂન છે. ગુલાબી પથ્થર અને શ્વેત આરસના સંયોજનથી બનેલા 141 ફિટ ઊંચા આ ભવ્ય મહાલય અને 100 એકરમાં વ્યાપેલા વિશાળ તીર્થની યાત્રા કરનાર પોકારી ઊઠે છેઃ અદ્ભૂત!
વિરાટ પરદા પર બાળયોગી નીલકંઠવર્ણીની ભારતયાત્રા પર રચાયેલી અદ્વિતીય ફિલ્મ. હિમાલયની 12,000 ફૂટ ઊંચાઈથી લઈને કેરળના સમુદ્રપટ સુધી ઝડપાયેલાં રોમાંચક દૃશ્યો. જેમાં ભારતનાં 100 સ્થળો પર કુલ 45,000 પાત્રો સાથે ફિલ્માંકન થયું જે સંપનું સર્વોત્કૃષ્ટ ઉદાહરણ છે.
11,000 શિલ્પીઓ-સ્વંયસેવકોના 30 કરોડ માનવકલાકોનાં સહિયારા સંપથી માત્ર પાંચ જ વર્ષમાં સજીવન થયું ભારતીય સંસ્કૃતિની ગરિમાસમાન ભવ્ય સાંસ્કૃતિક સ્થાપત્ય. જે જોઈને હરકોઈ બોલી ઊઠે છે અદભૂત, અકલ્પ્ય, અદ્વિતીય! પરંતુ શતાબ્દીઓમાં એક જ વાર સર્જન પામે તેવું આ સાંસ્કૃતિક પરિસર કેવળ સંપના તાંતણે જ ગૂંથાયું છે.
ખરેખર, ધાતુના ટુકડાઓ સંપે ત્યારે યંત્ર બને છે. ઈંટ-પથ્થર સંપે તો મહાલય બને છે. વૃક્ષો સંપે ત્યારે વન-ઉપવન બને છે. વ્યક્તિ સંપે તો પરિવાર બને અને પરિવાર સંપે ત્યારે સમાજ બને છે.
ટૂંકમાં એટલું જ કહી શકાય કે સંપ છે ‘અતુલ્ય અને અદૃશ્ય શક્તિ.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter