પિતૃ પક્ષના સમાપન સાથે જ ૧૮ સપ્ટેમ્બરથી આસો મહિનાનો અધિક માસ શરૂ થઇ રહ્યો છે. આમ આ વર્ષે અધિક માસના કારણે પિતૃ પક્ષ પછી નવરાત્રિ પર્વનો પ્રારંભ થશે નહીં. અધિક માસને અધિ માસ ઉપરાંત મળ માસ, પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખાય છે. દર ત્રણ વર્ષમાં એક વાર અધિક માસ આવે છે.
અધિક માસના કારણે ઋતુ અને તહેવારો વચ્ચે તાલમેલ જળવાયેલો રહે છે. હિંદુ ધર્મમાં તહેવારોની વ્યવસ્થા પણ ઋતુઓના આધારિત છે. શ્રાવણ મહિનો વર્ષા ઋતુમાં આવે છે. દિવાળી ઠંડીની ઋતુની શરૂઆતમાં આવે છે. મકરસંક્રાંતિ ઠંડીના છેલ્લાં દિવસોમાં આવે છે. ઋતુઓના સંધિકાળમાં એક વર્ષમાં ચાર વાર નવરાત્રિ આવે છે. અધિક માસના કારણે જે તહેવાર જે ઋતુમાં આવવો જોઇએ, તે જ ઋતુમાં આવે છે.
ભગવાન વિષ્ણુનું વરદાન
ભગવાન વિષ્ણુએ મળ માસને પોતાનું નામ પુરુષોત્તમ આપ્યું છે. સાથે જ, વિષ્ણુજીએ આ મહિનાને વરદાન આપ્યું છે કે, જેઓ આ મહિનામાં ભાગવત કથા સાંભળશે કે વાંચશે, ધ્યાન કરશે, મંત્રજાપ, પૂજા-પાઠ કરશે, શિવ પૂજન, ધાર્મિક અનુષ્ઠાન, દાન અને પવિત્ર નદીઓમાં સ્નાન કરશે, તેને અક્ષય પુણ્ય પ્રાપ્ત થશે. આ મહિનામાં કરેલાં ધર્મ-કર્મથી માનસિક અશાંતિ દૂર થઇ શકે છે. વિચારોની પવિત્રતા વધે છે અને મન શાંત રહે છે.
પવિત્ર માસ હોવા છતાં આ મહિનામાં લગ્ન માટે મુહૂર્ત હોતા નથી. પરંતુ લગ્નની તારીખ નક્કી કરી શકાય છે. નવા ઘરમાં પ્રવેશ કરવાના મુહૂર્ત હોતા નથી, પરંતુ ઘરનું બુકિંગ કરી શકાય છે. ઘર માટે જરૂરી સામાન ખરીદી શકાય છે. નવા વસ્ત્રો, આભૂષણ, ઇલેક્ટ્રોનિક્સ જેવી જરૂરી વસ્તુઓ પણ આ મહિનામાં ખરીદી શકાય છે. મળ માસમાં નામકરણ સંસ્કાર અને જનોઈ સંસ્કાર કરી શકાતાં નથી.
ભગવાન ‘પૂર્ણ પુરુષોત્તમ’ છે બ્રહ્મસ્વરૂપ
‘પુરુષોત્તમ માસ’નો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે આવો ત્રિભુવન-સુંદર ભગવાન પુરુષોત્તમને નમસ્કાર કરીને, ધર્મનો સત્સંગ કરીને, આવા પરમ તત્ત્વને ઓળખવાનો સ્વાધ્યાય કરીએ. ભગવાન વિષ્ણુએ જ અધિક માસને વહાલો કરીને ‘પુરુષોત્તમ’ એવું પોતાનું નામ એને આપ્યું છે. વિષ્ણુનું જ બીજું નામ પુરુષોત્તમ છે. છતાં અધિક માસ ‘વિષ્ણુ માસ’ તરીકે ઓળખાતો નથી, પણ ‘પુરુષોત્તમ માસ’ તરીકે જ ઓળખાય છે. એનું રહસ્ય સમજવા જેવું છે. વિશ્ (પ્રવેશવું) ધાતુમાંથી બનેલ ‘વિષ્ણુ’ શબ્દનો અર્થ થાયઃ આખી દુનિયામાં કે સૃષ્ટિના કણ-કણમાં પ્રવેશીને સર્વત્ર વ્યાપી ગયેલા.
‘વાસુદેવ’નો પણ આવો અર્થ થાય છે. ‘જેમાં સર્વે પ્રાણીઓ વસે છે અને બધાં પ્રાણીઓમાં જે આત્મારૂપે વસે છે તે ‘વાસુદેવ’ કહેવાય. જે સર્વત્ર વ્યાપેલા હોય, એમને કોઈ રૂપ - રંગ - આકાર ન હોય, તે તો નિરંજન - નિરાકાર વિષ્ણુ મહામાનવનું કે પુરુષોત્તમના સગુણ-સાકાર સ્વરૂપો જાણે ધરતીલોક ઉપર ઊતરે છે અને ઘેર ઘેર એમના અર્ચન-પૂજન થાય છે. વસ્તુતઃ એક જ પરમ તત્વનાં નિરાકાર - સાકાર બન્ને સ્વરૂપો છે.
ભગવાનના ‘પૂર્ણ પુરુષોત્તમ’ એવા નામનો અર્થ પણ સમજવા જેવો છે. ‘ભગવાન’ એટલે ‘ભગ’ વાળો. ભગ એટલે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય એ છ ગુણ. આવા છ ગુણ જેનામાં હોય તે ભગવાન કહેવાય. ‘પૂર્ણ’ તો માત્ર પરમાત્મા છે, એટલે આપણે ‘પૂર્ણ પુરુષોત્તમ’ કહીએ છીએ. ‘પૂર્ણ’ એટલે ઓમકારનું પ્રતીક એવો અર્થ પણ થાય. ૐકારમાં અ-ઉ-મ એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણેયનો સમન્વય થાય છે. વાસ્તવમાં એક જ પરમ તત્ત્વનાં આ ત્રણ સ્વરૂપો છે.
ભગવાન પુરુષોત્તમ વિષ્ણુ તો ‘પદ્મયોનિ’ છે. બ્રહ્માની કમળ જેવી નાભિમાંથી એમની ઉત્પત્તિ થઈ છે. સૃષ્ટિના સર્જક ગણાતા બ્રહ્મા તો વાસ્તવમાં નિરાકાર બ્રહ્મતત્ત્વ છે. એ બ્રહ્મતત્ત્વનું જન્મેલું સાકાર સ્વરૂપ એટલે કમળયોનિ વિષ્ણુ, ભગવાન પુરુષોત્તમ. મત્સ્ય, કચ્છપ, વરાહ, રામ, કૃષ્ણ વગેરે દશ કે દશથી વધારે અવતાર સ્વરૂપો ધારણ કરનાર ભગવાન વિષ્ણુ સાકાર સ્વરૂપે વિહાર કરીને સૌ ઉપાસકોના દુઃખ, દર્દ દૂર કરે છે.
શંખ - ચક્ર - ગદા - પદ્મ - મુગટ - કૌસ્તુભમણિ અને પીતાંબરધારી ભગવાન પુરુષોત્તમની સદાચારપૂર્વક કરાયેલ પૂજન-સેવા સામાન્ય પુરુષને પણ ‘પુરુષોત્તમ’ના માર્ગે પ્રસ્થાન કરાવે છે. ઋગ્વેદમાં ‘પુરુષસુક્ત’ છે, એમાં કહ્યું છે કે સૃષ્ટિના સર્જન માટે યજ્ઞ કરવામાં આવ્યો, તો એમાંથી એક ‘વિરાટપુરુષ’ ઉત્પન્ન થયો. આ વિરાટ-પુરુષ એટલે ‘પૂર્ણ પુરુષોત્તમ ભગવાન’ એમ કહી શકાય.
ક્ષીરસાગરમાં શેષનાગની શય્યા પર સૂતેલા વિષ્ણુની ચરણ-સેવા કરતા લક્ષ્મીજીનું પૌરાણિક દૃશ્ય જોઈ પ્રસન્ન થઈ જવાય. લક્ષ્મીજી તો વૈભવની દેવી, તેથી લક્ષ્મી-નારાયણ તો વૈભવ અને સંપત્તિ પ્રદાન કરનાર દૈવી યુગલ મનાય છે. રત્નજડિત આભૂષણો અને રેશમી વસ્ત્રોથી ઝળહળતું આ દૈવી યુગલ તો સમૃદ્ધિ અને પ્રકાશના પંથે સંચરવાની પ્રેરણા આપે છે.
ભગવાન શ્રીકૃષ્ણ - પુરુષોત્તમનું જેમાં વર્ણન છે તે ગ્રંથ એટલે શ્રીમદ્ ભાગવત વલ્લભાચાર્ય ભાગવત ઉપર પોતાની સુબોધિની ટીકામાં સગુણ વિગ્રહધારી શ્રીકૃષ્ણની લીલાઓનું પ્રતીકાત્મક અને આધ્યાત્મિક અર્થઘટન કર્યું છે. ભગવાન વિષ્ણુ અને તેમનાં જુદાં જુદાં અવતારી સ્વરૂપોની પૂજા-ઉપાસનાને કેન્દ્રમાં રાખી અસ્તિત્વમાં આણેલો ધર્મ વૈષ્ણવ કે ભાગવત સંપ્રદાય કહેવાય છે. પાછળથી રામાનુજીય, ગૌડીય, પુષ્ટિ, સ્વામીનારાયણ જેવા અનેક વૈષ્ણવ સંપ્રદાયો પ્રચિલત થયા. આ સર્વ સંપ્રદાયોમાં અધિક માસ ધામધૂમથી ઊજવાય છે.
ભગવાન પુરુષોત્તમ તો નિત્ય ‘અક્ષર’ (જેનો ક્ષય ન થાય તે) અને ‘અજ’ (જેનો જન્મ ન થાય તે) છે, બ્રહ્મસ્વરૂપ છે, છતાં ‘પુરુષોત્તમ’ રૂપે મનુષ્યોમાં પ્રગટ થાય છે. ‘બ્રહ્માક્ષરમજં નિત્યં યથાસૌ પુરુષોત્તમઃ।’ આવા પુરુષોત્તમ ભગવાનને આપણે નમસ્કાર કરીએ.
હિંદુ પંચાંગમાં અધિક માસ શા માટે?
હિંદુ પંચાંગ મુજબ લગભગ ૩૨.૫ મહિના પછી આવતા વધારાના મહિનાને અધિક માસ અથવા પુરુષોત્તમ માસ કહે છે. તેનો ઉદ્દેશ ચંદ્ર અને સૌર પંચાંગને જોડવાનો છે. ચંદ્ર વર્ષ પરથી તિથિ, કરણ, વિવાહ, વાસ્તુ વગેરે કૃત્યો તથા વ્રત, ઉપવાસ, યાત્રાનો સમય વગેરે ઠરાવાય છે. માસ નિર્ણય પણ આ વર્ષ પરથી થાય છે. ચંદ્ર વર્ષ પ્રમાણે મહિનાઓ નક્કી થાય છે અને સૌર વર્ષ પ્રમાણે વર્ષ નક્કી થાય છે. ચંદ્ર વર્ષ સૂર્ય વર્ષ (સૌર વર્ષ કરતાં ૧૦ દિવસ ૨૧ કલાક અને ૨૦ મિનિટ ૩૫ સેકન્ડ) નાનું છે. આ તફાવત વધીને ૩૦ દિવસનો થવા આવે ત્યારે એક ચંદ્ર માસ વધારી બન્નેનો મેળ રાખવામાં આવે છે.
ચંદ્ર માસમાં સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં જાય છે. ચંદ્ર માસ ૩૦ દિવસ કરતાં નાનો હોવાથી કોઈક વખત આગલા ચંદ્ર માસની અમાસે સંક્રમણ થયું હોય અને બીજું સંક્રમણ બીજા માસની શુક્લ પ્રતિપદાએ થાય. અર્થાત્, ચંદ્રમાસ દરમિયાન સૂર્ય રાશિ બદલે નહિ તો તે માસને અધિક માસ તરીકે ઓળખવામાં આવે છે. આથી જે માસમાં સંક્રાંતિ ન થાય અર્થાત્ સૂર્ય રાશિ ન બદલે તે માસને અધિક માસ કહેવામાં આવે છે.
અધિક માસની પદ્ધતિ દાખલ કરવાનો આશય ઋતુમાન અર્થાત્ સાયન વર્ષ જોડે સંબંધ રાખવાનો છે. આમ ન હોત તો આપણા ઉત્સવો દરેક ઋતુમાં ફર્યા કરત. એક જ નામના બે માસમાંનો પહેલો મહિનો અધિક ગણાય છે. જેમ કે, આ વખતે અધિક માસ ‘અધિક આસો’ તરીકે ઓળખાશે.