અનન્ય બંધારણવિદ્દઃ ભુલાભાઈ દેસાઈ

પ્રા. ચંદ્રકાન્ત પટેલ Thursday 15th March 2018 01:58 EDT
 
 

ભુલાભાઈ દેસાઈ અંગ્રેજો સામે એમના જ કાયદા વાપરીને લડ્યા અને જીત્યા. અંગ્રેજો કાયદાના નિષ્ણાત. લોકશાહી અને રાજ્ય બંધારણના નિષ્ણાત. આવા અંગ્રેજો પાસેથી દેશને આઝાદી અપાવવાની લડત વિવિધ રંગી હતી. કોઈએ શસ્ત્રો પકડ્યાં, કોઈએ સત્યાગ્રહ તો કોઈએ માત્ર બંધારણનો આશરો લીધો. બંધારણનો આશરો લઈને અંગ્રેજોને હંફાવનાર બે વ્યક્તિ અને બંને ગુજરાતી. એક હતા વિઠ્ઠલભાઈ પટેલ અને બીજા હતા ભુલાભાઈ દેસાઈ. બંનેને સરદાર વલ્લભભાઈ સાથે સંબંધ. વિઠ્ઠલભાઈ વલ્લભભાઈના મોટા ભાઈ તો ભુલાભાઈ સરદારના સાથીદાર. બંને ખેડૂતના દીકરા.
વલસાડ જિલ્લાના ભદેલી ગામના જીવણજી દેસાઈના લાડકા પુત્ર તે ભુલાભાઈ. ભુલાભાઈ પહેલાંના બધાં સંતાનોનું બાળમરણ થયેલું પણ પછીનો જે દીકરો લઈ જવાનું યમરાજા ભૂલ્યા તેનું નામ ભુલાભાઈ. ૧૮૭૭માં ભુલાભાઈ જન્મ્યા. ભુલાભાઈ જે કામ હાથમાં લે તેમાં મંડી પડે અને સફળ બને. ૧૮૯૩માં એ પહેલા નંબરે મેટ્રિક થયા આ પછી પ્રથમ વર્ગમાં બી.એ. થયા. અમદાવાદની ગુજરાત કોલેજમાંથી એમ.એ. થયા. આગળ ભણવું હતું પણ પિતાનું અવસાન થતાં, ઘરની જવાબદારીનો ભાર આવતાં માત્ર ૨૩ વર્ષની વયે ગુજરાત કોલેજમાં લેક્ચરર થયા. ગુજરાતના મહાન સાક્ષર આનંદશંકર ધ્રુવ ત્યારે કોલેજના આચાર્ય હતા.
ભુલાભાઈને ઘરની જવાબદારીઓને કારણે પૈસાની ખૂબ ખેંચ હોવાથી કરકસરમાં જીવતા. છતાં મનમાં દયા, પરોપકાર અને ઉદારતાનો ભાવ ભર્યો હોવાથી વિદ્યાર્થીઓ અને સગાં-સંબંધીઓને મદદ કરતા.
ભુલાભાઈનું વાચન વિશાળ હતું. વિદ્યાર્થીઓને ભાતભાતનાં ઉદાહરણ આપી શીખવતા તેથી વિદ્યાર્થીઓમાં પ્રિય હતા. ઈતિહાસમાં લેક્ચરર હતા, પણ ન્યાયશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર શીખવતા. ઉર્દૂ અને ફારસીનો તેમણે અભ્યાસ કર્યો. ત્રણ વર્ષ પછી ૧૯૦૫માં નોકરી છોડીને મુંબઈ જઈને વકીલાતની પરીક્ષા પાસ કરીને વકીલાત શરૂ કરી. તે જમાનામાં મુંબઈમાં ઘણા જાણીતા વકીલો હતા. એમની વચ્ચે રહીને નામ કાઢવું અઘરું હતું. ભુલાભાઈની યાદશક્તિ ગજબની હતી. કોર્ટના ચુકાદાનાં આખાંને આખાં પાન વગર નોંધ્યે તે કોર્ટમાં સડસડાટ બોલી જતા. એમનું ભાષણ તર્કબદ્ધ અને કાયદાની કલમોની પૂરી વિગતવાળાં અવતરણોથી ભરેલું હતું. આવી શક્તિને લીધે દશ વર્ષમાં એ મુંબઈના આગેવાન વકીલ ગણાતા થયા.
ભુલાભાઈને સારા કેસ મળવા લાગ્યા. એમની કમાણી ખૂબ વધી ગઈ. ગમેતેવા અટપટા કેસમાં ય એમનો અસીલ જીતી જતો હોવાથી અસીલોની સંખ્યા વધતી ગઈ. એમની સમૃદ્ધિ વધી અને સમાજના ઉપલા વર્ગો સાથે એમના સંબંધો વધતાં એમનો જાહેર જીવનમાં રસ વધ્યો. ૧૯૧૮માં હોમરુલ લીગના એ મંત્રી થયા અને ત્યારે પ્રમુખ હતા મહંમદ અલી ઝીણા. ૧૯૧૯માં મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારા સૂચવવા ત્રણ જણની એક કમિટી બની એમાંના એક સભ્ય તે ભુલાભાઈ.
મુંબઈમાં તેમણે સ્વદેશી સભા સ્થાપી. આ સભા મિલમાલિકોને વાજબી નફો લેવા અને રેશમી સૂતર ન ખરીદવા સમજાવતી.
૧૯૨૮માં બારડોલીની લડત ચાલી. સરકારે કરેલો મહેસૂલ વધારો અન્યાયી સાબિત કરવા અભ્યાસપૂર્ણ રજૂઆત કરવી પડે. આ અભ્યાસની જવાબદારી સરદારે ભુલાભાઈને સોંપી. ભુલાભાઈએ આ માટે ગામડાં ખૂંદયાં. ખેડૂતોને મળ્યા. આને લીધે તેમને ખેડૂતોની દશા સમજાઈ અને ખેડૂતો પર પ્રેમ વધ્યો. આથી કહેતા, ‘હું પણ ખેડૂતનો દીકરો છું. તેમનું દુઃખ એ મારું દુઃખ છે. તેમના શોષણ સામે લડવાની મારી ય ફરજ છે.’
૧૯૩૪માં વડી ધારાસભામાં ચૂંટાયા. ૧૯૪૫ સુધીના દશ વર્ષ તેઓ ધારાસભામાં કોંગ્રેસ પક્ષના નેતા રહ્યા. અગાઉ આ પદ પર મોતીલાલ નેહરુ, દેશબંધુ ચિત્તરંજનદાસ જેવા નેતાઓ હતા. આ પુરોગામીઓની ખોટ ના લાગે તેમ કરવું સરળ ન હતું. ભુલાભાઈ આમાં પાછા ના પડ્યા. એમનામાં મોતીલાલની ગંભીરતા, લાલા લજપતરાયનો જુસ્સો અને પંડિત મદનમોહન માલવિયાજીની ચોક્સાઈ એમ ત્રણેના ગુણોનું મિશ્રણ હતું. તેમણે પદ શોભાવ્યું. તેઓ રાષ્ટ્રીય હિતોના રખેવાળ બન્યા. કોંગ્રેસના શિસ્તબદ્ધ સૈનિક બન્યા. કોંગ્રેસે જ્યારે ધારાસભા છોડવાનો આદેશ આપ્યો ત્યારે વિના ખચકાટે તેમણે ધારાસભા છોડી અને શિસ્તબદ્ધ સૈનિક બન્યા.
બંધારણના અજોડ અભ્યાસી તરીકે ૧૯૪૫માં એમની શક્તિનો સૌને પરિચય થયો. દુનિયાભરમાં ગાજેલો લાલ કિલ્લાનો મુકદ્દમો સફળ રીતે લડીને તે જાણીતા થયા. સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજના ત્રણ કેપ્ટન શાહનવાઝ, ધીલોન અને સહગલ સામે ત્યારની અંગ્રેજ સરકારે રાજદ્રોહ અને હત્યાઓ કરાવવાનો આરોપ મૂક્યો હતો. એમને છોડાવવાના મુશ્કેલ કામની જવાબદારી ભુલાભાઈએ લીધી. બચાવ પક્ષના મુખ્ય વકીલ થયા. દુનિયાભરના કાયદાઓનો અભ્યાસ કરવા વાંચવા અને ચિંતન માંડ્યું. રાત-દિવસ ઉજાગરા કર્યાં. સતત પરિશ્રમથી તબિયત બગડી. ડોક્ટરે તેમને આરામ કરવા સલાહ આપી. સલાહની અવગણના કરીને તેમણે રાત-દિવસની મહેનતથી બચાવનામું તૈયાર કર્યું.
બચાવનામામાં તેમણે કહ્યું, ‘ગુલામોને શાસકો સામે લડવાનો અબાધિત અધિકાર છે. માનવીને ગૌરવભેર જીવવાનો અને એવું જીવન પ્રાપ્ત કરવાનો કુદરતી હક્ક છે.’ આ માટે તેમણે આંતરરાષ્ટ્રીય કાયદાના અનેક ઉદાહરણો ટાંક્યાં. અંગ્રેજોએ મૂકેલા આરોપોની ઠેકડી ઊડાડી. સતત રજૂઆતને અંતે સરકારે આરોપીઓને નિર્દોષ છોડ્યા.
ભુલાભાઈની આ સફળતાએ દેશભરમાં આનંદની હેલી ચઢી. સરદાર વલ્લભભાઈ પટેલની નેતાગીરીમાં ચોપાટી પર મોટી સભા ભરાઈ ને ભુલાભાઈને સન્માન્યા અને અભિનંદ્યા!
ભુલાભાઈ પર દેશભરમાંથી અભિનંદનના સંદેશા અને તારના ધોધ છૂટ્યા. જોકે, ભુલાભાઈ દેશની આઝાદીનું પ્રભાત જોઈ ના શક્યા. ૧૯૪૬ના મે માસમાં તેમની ઘસાયેલી કાયા કાયમ માટે વિરમી. બીજાને બચાવવા જતાં એ ના બચ્યા.
ભુલાભાઈ જેવી બંધારણવિદ્દ અને માનવતાવાદી પ્રતિભાનું અસ્તિત્વ થોડાં વર્ષ લંબાયું હોત તો ભારતના બંધારણને તેનો સુંદર લાભ પ્રાપ્ત થયો હતો. કદાચ માથાં ગણવા અને ભેગાં કરવાં એ જ લોકશાહી ન બનત.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter