યુકેમાં લોકડાઉન ખૂલી ગયું છે. રેસ્ટોરન્ટ, જિમ, થીએટર અને હાઈ સ્ટ્રીટ પરની દુકાનો પણ ખુલ્યા છે. લોકોને ઘણા દિવસ ઘરમાં રહ્યા પછી હવે બહાર જવાની તાલાવેલી હોય તે સમજી શકાય તેવી વાત છે. સૌથી વધારે તો રેસ્ટોરન્ટ અને શોપિંગ માટે લાઈન લાગવાની છે. કેટલાય રેસ્ટોરન્ટ તો બે-બે મહિના સુધી પ્રિ-બુક છે. ઓક્સફર્ડ સ્ટ્રીટ, રિજેન્ટ સ્ટ્રીટ અને બીજા માર્કેટમાં પણ લોકોની ભીડ દેખાવા લાગી છે. શુક્રવારે સાંજે પબ અને કાફે પણ ભરચક હોય છે. આ સ્થિતિ ફરીથી આપણને સામાન્ય જીવનની ઝલક દેખાડી રહી છે અને આ ભયાનક મહામારીમાંથી બહાર નીકળવાની આશા જીવંત કરી રહી છે. ઉમ્મીદ રાખવાથી, સકારાત્મક રીતે વર્તન કરવાથી જ ફરીથી આપણી અર્થવ્યવસ્થા અને જીવન પાટા પર આવશે.
આવી સ્થિતિમાં જયારે શોપિંગ કરવા જાવ ત્યારે થોડું ધ્યાન રાખજો કે સાથે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ હોય, તેમાં પૂરું બેલેન્સ હોય અને ક્યાંક એવું ન થાય કે શોપિંગ કરીને બે-ચાર બેગ ભરી લીધી હોય અને ત્યાર બાદ જયારે ચુકવણી કરવાની થાય ત્યારે જણાય કે બેલેન્સ ઓછું પડ્યું. ઓછામાં પૂરું, જો ઘરે ટોપ-અપ કરાવવા ફોન કરો અને ત્યાં ફોન પણ ન જોડાય તો કેવી શરમજનક સ્થિતિ થાય! કેટલાય લોકો તો એક વસ્તુની જરૂર હશે ત્યાં ત્રણ ખરીદશે. બંને હાથમાં બે-ત્રણ બેગ ઉઠાવીને બહાર નીકળો અને ખબર પડે કે નજીકના સ્ટેશનથી બસ કે ટ્રેન બંધ છે અને અડધો માઈલ ચાલીને બીજા સ્ટેશને જવું પડશે. તેમાં પણ જો વરસાદ ચાલુ થઇ જાય અને ભીંજાતા ચાલવું પડે તો અફસોસ થાય કે શા માટે આટલો વધારે સમાન ખરીદ્યો. આવી સ્થિતિ ઉભી થાય તેનો પણ એક આનંદ છે કે સામાન્ય જીવનની ઝાંખી જોવા મળી રહી છે.
શોપિંગથી યાદ આવ્યું કે શું એવું થયું છે કે તમે આ લોકડાઉન દરમિયાન લાબું લિસ્ટ બનાવી રાખ્યું હોય કે જયારે દુકાનો ખુલશે ત્યારે શું-શું ખરીદવું છે? કોઈએ રેસ્ટોરન્ટની યાદી બનાવી રાખી છે કે ન કરે નારાયણ ને જો ત્રીજો વેવ આવે તો તે પહેલા જ આટલા રેસ્ટોરન્ટમાં ચટાકેદાર વાનગીઓ જરૂર જમવી છે? શું કોઈએ બહાર ફરવા જવાના સ્થળોની યાદી બનાવી રાખી છે કે જેવી હોટેલ્સ ખુલવાનું શરૂ થશે કે તરત જ વિકેન્ડ પર એક પછી એક જગ્યા જોવા જતા રહેવું છે અને સેંકડો ફોટા અને સેલ્ફી લઇ લેવા છે? આવી તો આપણી કેટલીય ઈચ્છાઓ હશે જે ક્યાંક મનમાં દબાવીને રાખી હશે અને જેમ કૂકરમાં અમુક પ્રમાણ કરતા વધારે પ્રેસર થાય ત્યારે સીટી ઊંચી થાય અને પ્રેશરથી વરાળ બહાર નીકળે તેમ આ ઈચ્છાઓનો ઉભરો કૂકરની સિટીની જેમ બહાર નીકળી રહ્યો છે.
બે-ત્રણ વાતનું ધ્યાન રાખવું - વારો આવ્યો ત્યારે વેક્સિનના ડોઝ લઇ લેવા. ભીડભાડમાં જઈએ ત્યારે ડબલ નહિ તો સિંગલ માસ્ક તો જરૂર પહેરવો. ખુલ્લામાં ચાલતા હોઈએ, પાર્ક હોય કે રોડ, પણ બધે જ ભીડ જોવા મળે છે. આપણી પાસેથી લોકો સતત પસાર થઇ રહ્યા હોય તો ખુલ્લી જગ્યા હોવા છતાં સોશ્યિલ ડિસ્ટર્ન્સિંગ ન જળવાતું હોવાથી માસ્ક જરૂર પહેરવા. અત્યારે તો થીએટર અને પ્રોટેસ્ટ પણ શરૂ થઇ ગયા છે એટલા ઘણી જગ્યાએ મોટી ભીડ એકથી થઇ રહી છે. આવી સ્થિતિમાં પોતાની સુરક્ષા પોતાના હાથમાં છે તે વાતને જેટલી વાર કહી શકાય તેટલીવાર પોતાની જાતને કહેતા રહેવું અને સમજાવતા રહેવું. આ મુદ્દાને કેટલીય જગ્યાએ લખ્યા-વાંચ્યા હોવા છતાં અનલોકની શરૂઆત, સમરની શરૂઆત સુરક્ષા અંગેની વાતથી કરીએ તો ખોટું નથી.
આખરે, સમરનો સમય ઓછો છે, ઈચ્છાઓની યાદી લાંબી છે. વળી આ મે મહિનો પૂરો થવા આવ્યો હવા છતાં વેધર ઉનાળા જેવું થયું નથી. વરસાદ આવી જાય છે. એટલે એક કામ કરો કે તમારી યાદીને એક વાર ફરીથી ચેક કરી લો અને પ્રાથમિકતા, બજેટ અને બુકિંગની વ્યવસ્થાના આધારે ગોઠવી લો. હેપ્પી સમર. (અભિવ્યક્ત મંતવ્યો લેખકનાં અંગત છે.)