મારો જન્મ 1933માં લિન્ડીમાં થયો છે, અને આ સત્યઘટના 1955ની છે. મતલબ કે આ ઘટનાપ્રસંગનો સાક્ષી બન્યો ત્યારે મારી વય 22 વર્ષની હતી. કેન્યા ઓવરસીઝ કંપનીના સ્વ. અમૃતલાલ સાથે અમે તેમની વાનમાં ત્યારના ટાંગાનિકાના લિન્ડી ગામમાં દવાઓ વેંચતા હતા. ત્યારે એક કાઠિયાવાડી દુકાનદારે મારા નાના ભાઈ પરભુની જિંદગીમાં સુધારો કરીને મદદ કરવાની અપીલ કરી. મારા ભાઈને જંગલમાં દુકાન કરી આપી છે પણ હવે તે ત્યાં આફ્રિકન મામા (મહિલા સાથી) રાખીને ઠરીઠામ થઈ ગયો છે. તેમને એક નાનો છોકરો પણ છે તેને સમજાવી-પટાવી લિન્ડી લઈ આવો. અને તેની બીબીને 500 આફ્રિકન શિલિંગ આપીને કહો કે તું આ રકમ રાખ અને દુકાન તેમજ છોકરાને સંભાળી લે. નહીં તો પરભુ કદી પાછો નહીં આવે. તમે તે ગામમાં જવાના જ છો, તો મારું આટલું કામ થાય તો કરો. અમે ના ન પાડી.
અમે લિન્ડી - સોંગિયા રસ્તે આગળ વધ્યા. મસાસી ગામ વટાવી કાચા રસ્તે હાથીઓએ પાડેલાં ઝાડ–ઝાંખરાં હટાવતાં હટાવતાં પરભુના ગામે પહોંચ્યાં. ઊંચી-ઊંચી નાળિયેરીઓ નમે. ફોરમતાં આંબાના વૃક્ષો વચ્ચે લાલ માટીમાં વસેલું તે નાનું ગામ હતું. ભાવભીના પરભુએ અમને આમંત્ર્યા અને તેની મામા મરિયમની ઓળખાણ કરાવી. મરિયમે વેચવા મૂકેલા કોડીના કટોરામાં અમને ભાત અને મ્હોગો - નાળિયેરીનાં શાક પીરસ્યાં.
આ દરમિયાન તેમનો ગોળમટોળ છોકરો ગોપાલ દોડતો આવ્યો પણ અમને જોઈને થોડો સંકોચાઈને માની સોડમાં ભરાઈ ગયો. અમે આ દીકરાને જોતાં જ રહી ગયા. પરભુને ખૂબ સમજાવી - પટાવી ગામ છોડવા માટે તૈયાર કર્યા પછી મરિયમને વાત કરતાં જ તે ભાંગી પડી અને હિબકે ચઢી ગઈ. પરભુ સામે જોઇને તે માંડ માંડ સ્વાહિલીમાં બોલી શકી કે, ‘તું મારો મુગુ (ભગવાન) છે. તારા વગર હું જીવી નહીં શકું. પછી આપણા આ ગોપાલનું શું થશે. મારે પૈસા કે દુકાન નથી જોઈતા.’
બાળસહજ ગોપાલ થોડું સમજ્યો, રડી પડ્યો અને તેના બાબા પરભુને ગળે બાઝી પડ્યો. બસ, પરભુ પણ ભાંગી પડ્યો અને લાગણીવશ થઈને ચોધાર આંસુ વચ્ચે અમને કહ્યું કે, ‘ભાઈઓ તમે જાવ... આ જ મારો પરિવાર અને આ જ મારી દુનિયા છે. મારા મોટા ભાઈને કહો કે હું લગ્ન નહીં કરું અને મને જાકારો આપશે તો પણ હું નિભાવી લઈશ.’ સહકારી ગામમાં વાત ફેલાતાં સફેદ દાઢીવાળા એક આરબ બુઝુર્ગ અમને મળવા આવ્યા. હાથ મિલાવીને કહ્યું કે, ‘પરભુને કાયમ લઈ જવામાં માણસાઈ નથી. તેની મામા અને છોકરાં તેને વ્હાલાં છે. મારા ઘરે પણ મરિયમ જેવી મામા છે. પરભુએ અમારા ગામની ખેતીવાડી પણ સુધારી આપી છે. તે ગામમાં ઓતપ્રોત થઈ ગયો છે. તેને બીજે ક્યાંય નહીં ગમે.’
ગામની શાંતિમાં વિક્ષેપ ન થયાનો સંતોષ થયો. બધાએ અમને ‘રી’ (આવજો) કહ્યા. વાન લઈને પાછા વળતા ગોપાલ અને તેના બાબા એક થડિયા ઉપર બેઠા હતા. તેમણે હાથ હલાવી વિદાય આપી. ડ્રાઈવેર આપેલું મોઢાંથી વાગતું વાજું (માઉથ – હાર્મોનિકા) તેના હાથમાં હતું. કુદરતને ખોળે બેઠેલું આ નિર્મળ ગામ, પરભુ અને પરિવાર મને યાદ રહી ગયા છે. (સબસ્ક્રિપ્શન આઇડીઃ 349614)
(માનવંતા વાચક મિત્રો, મુરબ્બી વડીલ લેખક શ્રી મનુભાઇ આર. પટેલ આજે 89 વર્ષના છે અને આ સત્યઘટના પ્રસંગ વાંચીને આપ સહુને સમજાઇ જ ગયું હશે કે આ વયે તેઓ કેટલા ચુસ્ત-દુરસ્ત છે. આપ સહુને પણ યાદગાર પ્રસંગો લખી મોકલવા ફરી એક વખત હાર્દિક આમંત્રણ છે.
- સી.બી. પટેલ, પ્રકાશક / એડિટર-ઇન-ચીફ)