આવતા સપ્તાહે 30 જાન્યુઆરીએ મહાત્મા ગાંધીની 74મી પુણ્યતિથિ છે. 30 જાન્યુઆરી 1948ના રોજ નાથુરામ ગોડસેએ એક પછી એક 3 ગોળી છોડીને બાપુની ક્રૂર હત્યા કરી નાખી હતી. ગોળી વાગતાં જ બાપુ ઢળી પડ્યા હતા અને ‘હે રામ...’ શબ્દો સાથે દેહ છોડ્યો હતો. સ્થળ તો હતું નવી દિલ્હીસ્થિત બિરલા ભવન, પણ આ ગોળીબારના પડઘા દેશભરમાં પડ્યા હતા. આખો દેશ નિઃશબ્દ થઇ ગયો હતો. દરેક ભારતીય જાણે પરિવારના મોભી ગુમાવ્યા હોય તેવી લાગણી અનુભવતો હતો. નાથુરામ ગોડસે બિરલા ભવનમાં લોકોની ભીડ વચ્ચે કઇ રીતે બાપુ સુધી પહોંચ્યો? ઘટનાના દિવસે બાપુ છેલ્લે કોને મળ્યા હતા? દરેક ભારતીયને હચમચાવી નાંખનાર તે દિવસના ઘટનાક્રમ પર એક નજર.
સરદારને કેમ બોલાવ્યા હતા ગાંધીજીએ!
30 જાન્યુઆરી 1984ના રોજ સાંજના 4 વાગ્યા આસપાસની આ ઘટના છે. રોજની જેમ બિરલા ભવનમાં સાંજે 5 વાગ્યે પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું. ગાંધીજી જ્યારે પણ દિલ્હીમાં હોય ત્યારે આ પ્રાર્થના સભામાં હાજરી આપવાનું ચુકતા નહોતા. એ વાતમાં કોઈ શંકા નથી કે બાપુ પોતાના મનની મૂંઝવણો સરદાર પટેલ સામે વ્યક્ત કરતા હતા. તે દિવસે પણ ગાંધીજીએ સરદાર પટેલને આવી જ કોઈ વાતચીત કરવા માટે સાંજે 4 વાગ્યે બોલાવ્યા હતા.
સરદાર પટેલ સાથે વાત અધુરી રહી
સરદાર પટેલ તેમના દીકરી મણીબેન સાથે 4 વાગ્યે ગાંધીજીને મળવા પહોંચી ગયા હતા. ગાંધીજીએ સરદાર પટેલને પ્રાર્થનાસભા બાદ પણ વાતચીત કરવા માટે રોકાવાનું કહ્યું હતું, પરંતુ નિયતિને કદાચ આ મંજુર નહોતું. ગાંધીજી પટેલ સાથેની બેઠકમાં વ્યસ્ત હતા. ત્યારે અચાનક ગાંધીજીની નજર ટીકટીક કરતી ઘડિયાળ પર પડી ને એમને યાદ આવ્યું કે, પ્રાર્થના સભાનો સમય થઈ ચૂક્યો છે. તેઓ પ્રાર્થના સભામાં જવા તૈયાર થયા અને સરદાર પટેલ અન્ય બેઠકમાં હાજરી આપવા રવાના થયા. સરદાર પટેલના ત્યાંથી નીકળી ગયાની થોડી જ મિનિટો બાદ ગાંધીજી પર ધડાધડ ત્રણ ગોળી છૂટી ને બાપુની સરદાર પટેલ સાથેની વાતો હંમેશ માટે અધૂરી જ રહી ગઈ.
‘નમસ્તે...’ કહીને ધડાધડ ગોળીઓ ધરબી દીધી
સરદાર પટેલ સાથે બેઠક પૂરી કર્યા બાદ બાપુ આભા અને મનુના ખભા પર હાથ મુકીને પ્રાર્થના સભામાં જવા માટે પ્રયાણ કરી રહ્યા હતા અને અચાનક નાથુરામ ગોડસે તેમની સામે આવી ગયો. ગાંધીજી નજર સામે જોઈને હાથ જોડીને કહ્યું ‘નમસ્તે બાપુ...’. ત્યારે જ બાપુ સાથે ચાલતા મનુબેને કહ્યું કે, ‘ભાઈ સામેથી હટી જાઓ, બાપુને જવા દો, આમ પણ પહેલેથી જ મોડું થઇ ગયું છે.’ ત્યારે સમય હતો સાંજના 5.17નો. ગોડસેએ પહેલા તો મનુબેનને ધક્કો માર્યો અને પછી પોતાના હાથમાં સંતાડેલી બેરેટા પિસ્તોલ ગાંધીજી સામે તાકી દઇને ગાંધીજીની છાતીમાં એક પછી એક 3 ગોળી ધરબી દીધી. તેમાંની 2 ગોળી તો બાપુની છાતી ચીરીને આરપાર નીકળી ગઈ જ્યારે એક ગોળી છાતીમાં જ ફસાઈ ગઈ ને બાપુ ત્યાં જ ઢળી પડયા.
ગોડસેએ શું આપી હતી જુબાની?
ગાંધીજીની હત્યા બાદ નાથુરામે આપેલા પોલીસ નિવેદનમાં પહેલા ગાંધીજીની હત્યામાં માત્ર પોતાનો જ હાથ હોવાનું રટણ કર્યું હતું, પરંતુ પછીથી તેણે આ કામમાં પોતાના નાના ભાઈ ગોપાલનું પણ નામ સામેલ કર્યું હતું.
ત્રીજી ગોળી વાગી અને ગાંધીજી ત્યાં ઢળી પડયા
ગોડસેએ પોતાનો અપરાધ સ્વીકારતા કહ્યું હતું કે, ‘શુક્રવારની સાંજે 4.50 વાગ્યે હું બિરલા ભવનના ગેટ પર પહોંચી ગયો હતો. હું 4-5 લોકોના ટોળા વચ્ચે ઘૂસીને સિક્યોરિટીની આંખમાં ધૂળ નાખવામાં સફળ રહ્યો હતો. મેં ભીડમાં પોતાની જાતને છુપાવી રાખી હતી જેથી કોઈને પણ મારી પર શંકા ન જાય.’ તેણે જણાવ્યું હતું કે, ‘સાંજે 5.10 વાગ્યે મેં ગાંધીજીને પોતાની ઓરડીમાંથી પ્રાર્થના સભામાં જતા જોયા હતા. તે સમયે ગાંધીજીની આજુબાજુમાં 2 છોકરીઓ હતી કે જેમના ખભા પર હાથ મુકીને ગાંધીજી આગળ ચાલી રહ્યા હતા. તેમને મારી સામે આવતા જોઈને મેં ગાંધીજીને તેમના મહાન કાર્યો માટે હાથ જોડયા અને તે બંને છોકરીઓને ધક્કો મારીને ગાંધીજી પર ગોળીઓ વરસાવી દીધી હતી. હું તો 2 ગોળીઓ જ મારવા ઈચ્છતો હતો પરંતુ ત્રીજી ગોળી પણ વાગી ગઈ અને ગાંધીજી ત્યાં ઢળી પડયા.’
હું ખુદ પોલીસ પોલીસ કહીને બૂમો પાડતો હતો
ધરપકડ બાદ ગોડસેએ કહ્યું કે, ‘જ્યારે એક પછી એક 3 ગોળીઓ ગાંધીજીને મારી ત્યારબાદ તેમની આસપાસ ઉભેલા બધા લોકો દૂર ખસી ગયા. મેં સરેન્ડર થવા માટે બંને હાથ પણ ઉપર કર્યા પરંતુ કોઈની મારી પાસે આવવાની હિંમત થઇ નહીં. પોલીસવાળા પણ દૂર ઉભા રહીને જ આ બધું નિહાળી રહ્યા હતા. હું ખુદ ‘પોલીસ પોલીસ...’ કહીને બૂમો પાડી રહ્યો હતો. આશરે 5-6 મિનિટ પછી એક વ્યક્તિ મારી પાસે આવ્યો ત્યારબાદ મારી સામે ભીડ એકઠી થઇ ગઈ અને લોકો મારા પર તૂટી પડ્યા.’
ગાંધીજી અહિંસાના પૂજારી હતા પણ...
સાંજે 6 વાગ્યા પછી મહાત્મા ગાંધીજીની હત્યાના સમાચાર ગણતરીની મિનિટોમાં આગની જેમ ફેલાઇ ગયા. બિરલા ભવનમાં જ ગાંધીજીના પાર્થિવ દેહને ઢાંકીને રાખવામાં આવ્યો. ગાંધીના નાનામોટા અનુયાયીઓ ત્યાં પહોંચી આવ્યા અને તેઓએ ગાંધીજીના શરીર ઉપરનું કપડું હટાવી લીધુ. તેમનું માનવું હતું કે જિંદગી આખી અહિંસાના પૂજારીની સાથે જે હિંસા કરવામાં આવી તેને આખી દુનિયાએ જોવી જોઈએ.
ક્યાં છે ગાંધીજીની FIR
ગાંધીજીની હત્યાની FIR (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ - એફઆઇઆર) પણ તે જ દિવસે 30 જાન્યુઆરીના રોજ દિલ્હી તુગલક રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. FIRની કોપી ઉર્દૂમાં હતી, જેમાં આખા ઘટનાક્રમની જાણકારી આપવામાં આવી હતી. દિલ્હી સ્થિત તુગલક રોડના રેકોર્ડ રૂમમાં આજે પણ તે FIRની કોપીના પાના સાચવી રાખવામાં આવ્યા છે.