અને ભારતને એક વર્ષ વહેલી આઝાદી મળી

Tuesday 15th August 2017 07:19 EDT
 
ભારતીય તિરંગાને સલામી આપતા લોર્ડ માઉન્ટબેટન સાથે એડ્વીના અને સ્વતંત્ર ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ
 

ભારતની આઝાદી સમયે હિંદુ અને મુસ્લિમોની વચ્ચે ફાટી નીકળેલા રમખાણો પાછળ અંગ્રેજો પણ એટલા જ જવાબદાર હતા જેટલા આ દેશના કટ્ટરવાદીઓ. જોકે આ અંગ્રેજોમાં એક અંગ્રેજ એવો હતો કે જે ઇચ્છતો હતો કે ભારત અને પાકિસ્તાનના ભાગલા વહેલા પાડવામાં આવે કે જેથી રમખાણો ઓછાં થાય. બીજી તરફ જેમણે આ દેશને આઝાદી અપાવી તેમણે જ આઝાદીનાં પર્વની ઉજવણી નહોતી કરી. દેશ આઝાદીનું પર્વ ઊજવી રહ્યો હતો ત્યારે ગાંધીજી દુઃખી હતા અને ઊજવણી ટાળી હતી...

બ્રિટનનું નુકસાન, ભારતને ફાયદો

ભારતને આઝાદી અપાવવામાં મોટું યોગદાન બ્રિટનની લેબર પાર્ટીનું મનાય છે. વિશ્વયુદ્ધમાં જર્મની અને બ્રિટન અને બંને સામસામે લડી આર્થિક રીતે પડી ભાંગ્યા. લેબર પાર્ટી સત્તામાં આવી અને ૨૦મી ફેબ્રુઆરી ૧૯૪૭ના રોજ જાહેરાત કરી કે ભારતને જુલાઈ ૧૯૪૮માં આઝાદી અપાશે. જો આ જાહેરાતને અનુસરવામાં આવી હોત તો ભારત ૧૫ જુલાઈ ૧૯૪૮ના રોજ સ્વતંત્રતા દિન ઊજવતો હોત. અને જો આમ થયું હોત તો સેંકડો લોકો માર્યા ગયાં હોત.

માઉન્ટબેટનનો એ નિર્ણય...

બ્રિટનની સત્તારુઢ લેબર પાર્ટીએ ભારતને જુલાઈ ૧૯૪૮માં આઝાદ કરવાની જાહેરાત કરી હતી. એ બાદ ભારતના અંતિમ વાઇસરોય તરીકે લોર્ડ માઉન્ટબેટનની નિમણૂક કરવામાં આવી હતી. લોર્ડ માઉન્ટબેટન જ એ અંગ્રેજ હતા જેણે ભારતને એક વર્ષ વહેલી આઝાદી આપી હતી. માઉન્ટબેટને ભારત આવીને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો. તેમને લાગ્યું કે હિંદુ-મુસ્લિમો ભાગલા અગાઉ ફાટી નીકળેલાં રમખાણોમાં એકબીજાની હત્યા કરવામાં કોઈ કસર બાકી રાખવા નહોતા માંગતા. માઉન્ટબેટને તાત્કાલિક ઓલ ઇન્ડિયા રેડિયો પર ભારત અને પાકિસ્તાનના પ્લાનની જાહેરાત કરી. બીજા જ દિવસે પ્રેસ કોન્ફરન્સ યોજીને જાહેર કર્યું કે બ્રિટન જુલાઈ ૧૯૪૮માં નહીં, પણ ૧૯૪૭ના ઓગસ્ટના મધ્યમાં ભારતને આઝાદી આપી દેશે.

અંગ્રેજ રાજ ખફા

લોર્ડ માઉન્ટબેટન ભારતના અંતિમ વાઇસરોય હતા તેથી તેમને એટલી સત્તા ખુદ અંગ્રેજ સલ્તનતે જ આપી હતી કે તેઓ ઇચ્છે તે પ્રમાણે હિન્દુસ્તાનના ભાગલાનો નિર્ણય શકે. ભાગલાની કમિટીના તેઓ વડા હતા. માઉન્ટબેટને વર્ષ અગાઉ આઝાદી આપવા જાહેરાત કરી જેને પગલે બ્રિટનની અંગ્રેજ સલ્તનત ગુસ્સે ભરાઈ હતી. જોકે માઉન્ટબેટને તેની પરવા નહોતી કરી અને પોતાના નિર્ણય પર મક્કમ રહ્યા.

તો લાખોનો ભોગ લેવાત

માઉન્ટબેટને વિચાર્યું હતું કે જો આ દેશને એક વર્ષ મોડી આઝાદી આપી તો રમખાણો વધુ પ્રમાણમાં ફાટી નીકળશે. તેમના આ વિચારોનો ઉલ્લેખ બાદમાં તેમના બાયોગ્રાફર ફિલિપે એક લખાણમાં કર્યો છે. માઉન્ટબેટન માનતા હતા કે ભાગલા પાડવામાં જેટલું મોડું થશે તેટલા રમખાણો વધશે. આજે પંજાબમાં રમખાણો ફાટી નીકળ્યાં, કાલે બંગાળ અને અન્ય રાજ્યોમાં પણ ફેલાશે કે જ્યાં હિંદુ-મુસ્લિમોની વસતી છે. આજે એક-બે લાખ લોકો હિંસામાં માર્યા ગયાં છે, કાલે આંકડો બમણો હશે. આમ એક વર્ષ મોડી આઝાદી મળી હોત તો લાખોએ જીવ ગુમાવ્યો હોત.

આઝાદીની ઉજવણી વેળા દુઃખી

એક તરફ સમગ્ર દેશમાં આઝાદીના જશ્નનો માહોલ હતો. બીજી તરફ લાખો પરિવાર હિંસાનો ભોગ બનવાથી કરુણામાં ગરકાવ થઇ ગયા હતા. જે મહાત્મા ગાંધીએ આ દેશની આઝાદી માટે અહિંસાનો માર્ગ અપનાવ્યો હતો, દેશ માટે પોતાની જાત ન્યોછાવર કરી દીધી હતી તે મહાત્માને આઝાદી સમયે દેશમાં ફાટી નીકળેલા હિંસાનો સામનો કરવો પડ્યો હતો. દેશ આઝાદ થઈ ગયો હતો અને ૧૫ ઓગસ્ટના રોજ આઝાદીનાં પર્વની ઉજવણીનું આયોજન વલ્લભભાઈ પટેલ અને નેહરુ દ્વારા નક્કી થઇ ગયું હતું ત્યારે ગાંધીજી ઉજવણીમાં સામેલ નહોતા થયા. ગાંધીજી એ વિસ્તારોમાં પગપાળા ફરી રહ્યા હતા જ્યાં રમખાણો ફાટી નીકળ્યાં હતા. એટલું જ નહીં. તેમના અહિંસા અને ઉપવાસના માધ્યમથી અનેક જગ્યાએ રમખાણો થતાં અટકાવ્યાં હતાં.

ઉજવણી સર્જનાત્મક હોવાની ઇચ્છાૉ

ગાંધીજીની ઇચ્છા હતી કે દેશમાં આઝાદીનાં પર્વની ઉજવણી તો થાય પણ કોઈ ઝાકઝમાળથી નહીં, કંઈક એવું કામ કરીને ઉજવણી થાય કે જે દેશને ઉપયોગી હોય. જેમ કે, એવું રચનાત્મક કાર્ય જે આ દેશની બદીઓ, અસ્પૃશ્યતાનિવારણ, સ્વનિર્ભરતા માટે કાંતણ કરવું, હિંદુ- મુસ્લિમો એકતાના કાર્યક્રમોનું આયોજન... જોકે ગાંધીજીની ઇચ્છા મુજબ ઉજવણી તે સમયે ન થઈ અને આજે પણ નથી થઈ રહી. આજે ધ્વજવંદન કાર્યક્રમ યોજાય છે, પણ બહુ ઓછા લોકો જ્ઞાતિપ્રથા જેવી સામાજિક બદીઓને નાબૂદ કરવા કોઈ પ્રયાસ કરે છે.

ભાગલા પહેલાં અને બાદમાં રમખાણો

દેશમાં બે વિસ્તારોમાં રમખાણો વધુ હતાં. એક વિસ્તાર પંજાબ ને લાહોર હતો જ્યારે બીજો વિસ્તાર પશ્ચિમ બંગાળ કે તે સમયના પૂર્વ ભારતનો હતો. લાહોરમાં શીખોના ધર્મગુરુનું સ્થાન છે. અનેક શીખો લાહોરમાં ખેતી કરતાં હોવાથી જમીનદાર હતા અને લાહોર છોડવા તૈયાર નહોતા. ભાગલા પ્રમાણે લાહોર પાકિસ્તાનમાં જવાનું હતું તેથી તેમણે એ છોડવું ફરજિયાત હતું. તેઓ લાહોરમાં રહ્યા ને અંતિમ સમયે નગર ખાલી કરવા મુસ્લિમોએ તેમના પર દબાણ કર્યું. આ સમયે રમખાણો ફાટી નીકળ્યાં હતાં.

સત્તા માટે રમખાણોને ઉત્તેજન

રમખાણો માટે જવાબદાર તો પાકિસ્તાનની સત્તા હાંસલ કરવા માગતા મુસ્લિમ લીગના મોહમ્મદઅલી ઝીણા જ હતા. તેમની દેખરેખમાં જ પંજાબ અને બાદમાં પૂર્વ ભારત એટલે કે પશ્ચિમ બંગાળ વગેરેમાં રમખાણો ફાટી નીકળ્યાનો દાવો થયો. ઝીણા શાંતિ નહોતા ઇચ્છતા જ્યારે ગાંધી અને નેહરુએ કોમી શાંતિ માટે પ્રયાસ કર્યા. ઝીણાની ઇચ્છા હતી કે રમખાણો થાય, જેથી બે કોમના ભાગલા પડી શકાય અને અલગ પાકિસ્તાન રચાય.

અંગ્રેજો પોતાની જ સુરક્ષામાં વ્યસ્ત

ભાગલા પડ્યા અને ભારત તથા પાકિસ્તાનમાં લાખોનું સ્થળાંતર થઈ રહ્યું હતું ત્યારે અંગ્રેજો પણ દેશમાંથી વિદાય લઈ રહ્યા હતા. આ સમયે અંગ્રેજો ઇચ્છતા હતા કે હિંદુ-મુસ્લિમો વચ્ચે હિંસા થાય. આથી રમખાણોને રોકવાને બદલે અંગ્રેજોએ પોતાના જ સાથીઓને બચાવવા સૈનિકોને તૈનાત કરી દીધા. અંગ્રેજ શાસકો આ દેશમાંથી સુરક્ષિત રીતે વિદાય લે તેની ચિંતા અંગ્રેજોને પહેલાં હતી, તેથી અનેક હિંદુ-મુસ્લિમો એકબીજાની કતલ કરી રહ્યા હતા ત્યારે અંગ્રેજો પોતાની સુરક્ષામાં વ્યસ્ત હતાં, જેથી રમખાણો અટકાવવાનું મુશ્કેલ સાબિત થયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter